દ્વારકા: ભગવાન શ્રીકૃષ્ણ અને ગાયનો નાતો એકબીજા સાથે એટલો ગાઢ રીતે જોડાયેલો છે કે જો એકપણને દૂર કરવામાં આવે તો કદાચ એકપણનું પૂર્ણ મૂલ્ય જળવાય શકે નહિ. ભગવાન શ્રીકૃષ્ણ મથુરા છોડીને સૌરાષ્ટ્ર આવ્યા અને તેમની સાથે સૌરાષ્ટ્રમાં ગોપ જાતિઓ અને ગોપ સંસ્કૃતિનું પણ આગમન થયું. સૌરાષ્ટ્રમાં ગૌસેવાનો વારસો આજેપણ અકબંધ જળવાઈ રહ્યો છે. ત્યારે તાજેતરમાં જ દ્વારકામાંથી એક એવો કિસ્સો ચર્ચામાં છે કે જેમાં એક યુવાન 21 ગાયોને લઈને કાળિયા ઠાકરના દર્શન કરવા માટે દ્વારકા પહોંચ્યા હતાં.
શ્રી દ્વારકાધીશ મંદિર , દ્વારકા #ShridwarikadhishmandirOfficial #Dwarkadhish #dwarka #jaydwarkadhish pic.twitter.com/NOi4xQHiGD
— Shri Dwarkadhish Mandir (@DwarkaOfficial) July 5, 2026
દેવભૂમિ દ્વારકાના આંગણે આસ્થા અને ગૌભક્તિનો એક અવિસ્મરણીય નજારો જોવા મળ્યો હતો. જેમાં બોટાદ જિલ્લાના લાઠીદડ ગામથી ગૌરક્ષાના પવિત્ર ઉદ્દેશ્ય સાથે અમદાવાદના યુવાન સંદીપ ખંભાળિયા અને તેમની સાથે અન્ય ગોવાળિયાઓ 21 ગૌમાતાઓને પગપાળા યાત્રા કરાવીને ભગવાન દ્વારકાધીશના સન્મુખ દર્શનાર્થે લાવ્યા હતા. આ અનોખી યાત્રામાં આકર્ષણ અને આસ્થાનું કેન્દ્ર એક યુવાનની અનોખી ભક્તિ રહી, જેણે પોતાના જ લોહીથી પત્ર લખીને ગૌમાતાના રક્ષણનો એક દ્રઢ સંદેશ સમાજને આપ્યો હતો.
જ્યારે ગૌમાતાઓનું આ ભવ્ય ધણ મધરાતે જ જગતમંદિરના પરિસરમાં પહોંચ્યું, ત્યારે વાતાવરણ અનેરું બની ગયું હતું અને સમગ્ર મંદિર પરિસર 'જય ગોપાલ'ના ગગનભેદી નાદથી ગુંજી ઉઠ્યું હતું. આ વિશેષ યાત્રાને સુખદ બનાવવા માટે સ્થાનિક પ્રશાસન દ્વારા પણ પદયાત્રીઓ અને ગૌમાતાઓ માટે સુંદર અને ઉમદા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. ભગવાન શ્રીકૃષ્ણ અને ગાયો વચ્ચેના અતૂટ પ્રેમને ફરી તાજો કરાવતા આ ભક્તિમય આગમનના નયનરમ્ય દ્રશ્યો હાલ સોશિયલ મીડિયા પર ભારે આકર્ષણ જમાવી રહ્યા છે, જેને જોઈને લોકો ધન્યતા અનુભવી રહ્યા છે.