Thu Jul 23 2026

Logo

કચ્છમાં મેઘરાજાની પ્રતીક્ષા વચ્ચે વેગીલા વાયરાઓથી ધૂળની ડમરીઓ ઊડી

2026-07-11 11:32:00
Author: Mumbai Samachar Team
Article Image

ભુજઃ રણપ્રદેશ કચ્છમાં સાર્વત્રિક ચોમાસાની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી છે, ત્યારે મેઘસવારીના બદલે પાછલા કેટલાક દિવસોથી ફૂંકાઈ રહેલા તેજ ગતિના પવને સમગ્ર પંથકમાં ધૂળિયો માહોલ સર્જ્યો છે. 

સરેરાશ ૨૫થી ૩૦ કિલોમીટરની ઝડપે ફૂંકાયેલા વાયરાના કારણે મોટા પ્રમાણમાં ધૂળની ડમરીઓ ઊડતાં વાતાવરણ ધૂંધળું બની ગયું હતું, જેના લીધે વાહનચાલકો અને રાહદારીઓને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે.

જિલ્લા મથક ભુજ સહિતના વિસ્તારોમાં બપોરના સમયે પવનની ગતિ વધીને અંદાજે ૩૦ કિલોમીટર પ્રતિ કલાક આસપાસ પહોંચી ગઈ હતી, જેના લીધે આકાશમાંથી ધૂળનો વરસાદ વરસતો હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. આ તીવ્ર પવનના કારણે કેટલાક ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં વીજ પુરવઠો પણ ખોરવાયો હતો. 

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી એક સપ્તાહ દરમિયાન જિલ્લામાં કોઈ મોટા વરસાદની સંભાવના નથી, માત્ર એકલ-દોકલ સ્થળે હળવી છાંટાછૂટી થઈ શકે છે. જોકે, હજુ આગામી બેથી ત્રણ દિવસ સુધી પવનનું આ જ રીતનું જોર યથાવત રહેવાની શક્યતા છે.

એક તરફ ચાલુ સીઝનમાં પૂરતો વરસાદ ન પડવાના કારણે ધરતીપુત્રો પહેલેથી જ ચિંતાતુર છે, ત્યાં બીજી તરફ આ તેજ પવન અને ધૂળના વાતાવરણને લીધે ખેતીકામમાં પણ મોટા અવરોધો ઊભા થવાની ભીતિ સેવાઈ રહી છે. હવામાનની આ અસમતુલા વચ્ચે જિલ્લામાં મહત્તમ તાપમાન ૩૫થી ૩૬ ડિગ્રી સેલ્સિયસ અને લઘુતમ તાપમાન ૨૮થી ૨૯ ડિગ્રી સેલ્સિયસ આસપાસ નોંધાયું હતું.

(ઉત્સવ વૈદ્ય)