Fri Aug 21 2026

Logo

મોબાઈલ યુઝર્સ સાવધાન! એક આઈડી પર વધુ સિમ રાખનારાઓ પર DoTની લાલ આંખ, 24મી ઓગસ્ટથી લાગુ થશે નવા નિયમો

2026-08-21 20:57:13
Author: Darshana Visaria
Article Image

Chat GPT Generated Image


જો તમારા નામે એક કરતાં વધુ મોબાઈલ નંબર ચાલી રહ્યા છે, તો તમારા માટે આ અત્યંત મહત્વપૂર્ણ સમાચાર છે. કેન્દ્રીય દૂરસંચાર વિભાગ (DoT - Department of Telecommunications)એ એક વ્યક્તિના નામે માન્ય મોબાઈલ સિમ કાર્ડની મર્યાદાને લઈને નવા અને કડક દિશાનિર્દેશો જાહેર કર્યા છે. હવે ટેલિકોમ કંપનીઓએ એવા ગ્રાહકોની ઓળખ કરવી પડશે જેમના નામે નિર્ધારિત મર્યાદા કરતાં વધુ મોબાઈલ કનેક્શન એક્ટિવ છે.

આ માટે DoTના ડિજિટલ ઈન્ટેલિજન્સ પ્લેટફોર્મ (DIP) પર ઉપલબ્ધ ગ્રાહકોના ફોટો અને ડેટાનો ઉપયોગ કરવામાં આવશે. જો કોઈ ગ્રાહકના નામે નિર્ધારિત મર્યાદા કરતાં વધુ સિમ હશે, તો વધારાના નંબરો તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કે કાયમ માટે બંધ કરવામાં આવશે.

એક વ્યક્તિ પોતાના નામે કેટલા સિમ કાર્ડ રાખી શકે છે?

DoTના નિયમો મુજબ, દેશભરમાં એક સામાન્ય નાગરિક અલગ-અલગ ટેલિકોમ કંપનીઓ અને સર્વિસ એરિયા મળીને પોતાના નામે મહત્તમ નવ મોબાઈલ કનેક્શન રાખી શકે છે. જમ્મુ-કાશ્મીર, અસમ અને ઉત્તર-પૂર્વ (North-East)ના રાજ્યોમાં સુરક્ષા કારણોસર આ મર્યાદા માત્ર છ મોબાઈલ કનેક્શનની રાખવામાં આવી છે. જો કોઈ વ્યક્તિ પાસે આનાથી વધુ નંબર હશે, તો વધારાના નંબર બંધ કરાવવા પડશે, અન્યથા સિસ્ટમ દ્વારા છેલ્લે લેવાયેલા કનેક્શન આપોઆપ બ્લોક કરી દેવાશે.

DIP સિસ્ટમ દ્વારા કેવી રીતે પકડાશે વધારાના સિમ કાર્ડ?

અગાઉ એક વ્યક્તિ અલગ-અલગ કંપનીઓમાંથી અલગ-અલગ સર્કલ હેઠળ સિમ ખરીદતી ત્યારે કંપનીઓ માટે તેને ટ્રેસ કરવું મુશ્કેલ બનતું હતું. હવે Digital Intelligence Platform (DIP) પર તમામ કંપનીઓનો ગ્રાહક ડેટા સિંક થશે. 23મી ઓગસ્ટ, 2026થી DoT દ્વારા એવા તમામ ગ્રાહકોના ફોટો અને ડેટા DIP પ્લેટફોર્મ પર ઉપલબ્ધ કરાવાશે જેમની ૯ સિમની મર્યાદા પૂર્ણ થઈ ચૂકી છે. ટેલિકોમ કંપનીઓએ રોજ આ ડેટા ડાઉનલોડ કરીને ચેક કરવાનો રહેશે.

24મી ઓગસ્ટથી ટેલિકોમ કંપનીઓ કરશે કડક કાર્યવાહી

24મી ઓગસ્ટ, 2026થી જો કોઈ ગ્રાહક મહત્તમ મર્યાદા પૂરી થયા બાદ નવું સિમ લેવાનો પ્રયાસ કરશે, તો ટેલિકોમ કંપનીઓ તેને નવું સિમ આપવાનો સ્પષ્ટ ઈનકાર કરી દેશે. શરૂઆતમાં આ પ્રક્રિયા D+1 (બીજા દિવસે) ધોરણે વેરિફાય થશે, પરંતુ DoT એ તમામ કંપનીઓને 30મી નવેમ્બર, 2026 સુધીમાં તેને રિયલ-ટાઈમ (Real-Time) વેરિફિકેશન સિસ્ટમ સાથે જોડવા ડેડલાઈન આપી છે. નિયમો લાગુ ન થાય ત્યાં સુધી લિમિટથી વધુ એક્ટિવેટ થયેલા કોઈપણ સિમ કાર્ડને તુરંત સસ્પેન્ડ કરી દેવામાં આવશે.