દિવંગત બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતની પૂર્વ મેનેજર દિશા સાલિયાનના મૃત્યુનો કેસ ફરી એકવાર જોરદાર ચર્ચામાં આવ્યો છે. સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI) દ્વારા નોંધવામાં આવેલી એફઆઈઆર (FIR)માં મહારાષ્ટ્રના પૂર્વ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે અને તેમના પુત્ર આદિત્ય ઠાકરે સહિત અન્ય રાજકારણીઓ, બોલીવૂડ અને પોલીસ પ્રશાસનના અનેક જાણીતા નામોની ભૂમિકાની તપાસ કરવાની માગ કરવામાં આવી છે. આ એફઆઈઆરમાં હત્યા, ગેંગરેપ, ગુનાહિત ષડયંત્ર, પુરાવા નષ્ટ કરવા અને ખોટી માહિતી ફેલાવવા જેવા ગંભીર આરોપો હેઠળ તપાસની અરજી કરવામાં આવી છે.
એફઆઈઆરમાં કયા કયા મોટા નામો સામેલ?
વાત કરીએ એફઆઈઆરમાં જે નામોનો સમાવેશ કરવામાં આવ્યા છે એની તો આદિત્ય ઠાકરે, ઉદ્ધવ ઠાકરે, રોહન રોય, ડીનો મોરિયા, સૂરજ પંચોલી, આદિત્ય ઠાકરેના બોડીગાર્ડ, રિયા ચક્રવર્તી, શોવિક ચક્રવર્તી અને તત્કાલીન મંત્રી અનિલ દેશમુખ, પૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહ, સચિન વાજે, ડીસીપી વિશાલ ઠાકુર તેમજ માલવણી પોલીસ સ્ટેશન સાથે જોડાયેલા અધિકારીઓ (એપીઆઈ અશોક દેવાડે, પીઆઈ જગદેવ કલાપડ, પીઆઈ શૈલેન્દ્ર નગરકર, પીઆઈ ચીમાજી આધવ, પીઆઈ અર્જુન રાજાને) સહિતના લોકોના નામોનો સમાવેશ એફઆઈઆરમાં કરવામાં આવ્યો છે.
આ ઉપરાંત પોસ્ટમોર્ટમ કરનાર તબીબો, ફોરેન્સિક સાયન્સ લેબ (FSL) ના અધિકારીઓ, સિનિયર એસઆઈટી (SIT) સભ્યો અને રીજન્ટ ગેલેક્સી બિલ્ડિંગના સિક્યોરિટી ગાર્ડ્સ (સુશીલ કુમાર યાદવ અને શિવમુરાદ ગૌતમ ઉર્ફે મુન્ના)નું નામ પણ એફઆઈઆરમાં સામેલ કરવામાં આવ્યા હોવાની માહિતી સામે આવી રહી છે.
એફઆઈઆરમાં શું આરોપો મૂકવામાં આવ્યા છે?
આત્મહત્યાની ખોટી વાત ઊભી કરવાનો આરોપ: એફઆઈઆરમાં દાવો કરાયો છે કે આ સમગ્ર મામલાને દબાવવા અને આત્મહત્યાનું રૂપ આપવા માટે કથિત રીતે ખોટી વાર્તા ઘડવામાં આવી હતી.સરકારી મશીનરી અને પુરાવાનો નાશ: સરકારી રેકોર્ડ, કેસ સાથે જોડાયેલા દસ્તાવેજો અને ફાઈલોમાં હેરાફેરી કરવા અથવા તેનો નાશ કરવા અને આરોપીઓને બચાવવા માટે સરકારી સંસાધનોના કથિત દુરુપયોગની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.
શું એફઆઈઆરમાં નામ આવતાં જ ધરપકડ થશે?
કાયદાકીય નિષ્ણાતો મુજબ, એફઆઈઆરમાં નામ હોવાનો અર્થ એ નથી કે વ્યક્તિ સીધો દોષિત સાબિત થઈ ગયો છે. એફઆઈઆર એ માત્ર તપાસ શરૂ કરવાનું પ્રથમ પગલું છે. સીબીઆઈ તમામ આરોપો, દસ્તાવેજો અને નિવેદનોની ઊંડાણપૂર્વક તપાસ કરશે. જો કોઈ ચોક્કસ વ્યક્તિ વિરુદ્ધ ગુનામાં સામેલ હોવાના મજબૂત અને નક્કર પુરાવા મળશે, તો જ આગળ કાયદાકીય કાર્યવાહી કે ધરપકડનું પગલું લેવાઈ શકે છે.