Mon Oct 05 2026

Logo

ચિંતન : ધ્યાન એટલે ચંચળ મનનું નિયંત્રણ

2026-09-21 08:38:00
Author: Hemu Bhikhu
ચિંતન : ધ્યાન એટલે ચંચળ મનનું નિયંત્રણ

- હેમુ ભીખુ

સનાતની સંસ્કૃતિમાં ધ્યાન વિશે વધુ વિસ્તારપૂર્વક ધ્યાનબિંદુ ઉપનિષદમાં જણાવાયું છે. એક રીતે પતંજલિના યોગસૂત્ર સાથે, યોગ અને ધ્યાન પર આધારિત આ એક મહત્ત્વનો ગ્રંથ છે, જે મુખ્યત્વે એકાગ્રતા, પ્રાણાયામ, `ૐ'કાર, શરીરની સૂક્ષ્મ રચના અને આંતરિક ધ્યાન વિશે કેટલીક સ્પષ્ટતા આપે છે. અહીં `બિંદુ' એટલે ચેતનાનું બિંદુ અને ધ્યાન એટલે તેને પ્રાપ્ત કરવાનું માધ્યમ; આ બિંદુ પર ધ્યાન ધરવાથી આત્મજ્ઞાન પ્રાપ્ત થાય. સામાન્ય રીતે યોગ સમજવા માટે યોગસૂત્રનો ઉલ્લેખ થતો હોય છે, પરંતુ સનાતની સંસ્કૃતિમાં અન્ય અનેક શાસ્ત્રોમાં એક યા બીજા સ્વરૂપે યોગની વાત સમજાવવામાં આવી છે. અહીં ધ્યાનબિંદુ ઉપનિષદમાં પણ યોગનાં વિવિધ પાસા વિશે વિસ્તારપૂર્વક સ્પષ્ટતા કરવામાં આવી છે. દરેક પાપના નિવારણ માટે ધ્યાનનું મહત્ત્વ અહીં સ્થાપિત કરવામાં આવ્યું છે; અહીં જણાવાયું છે કે ધ્યાનયોગ વડે મોટું પાપ પણ ક્ષણભરમાં નાશ પામે છે.

ધ્યાનબિંદુ ઉપનિષદમાં કેટલીક વાતો ખાસ ધ્યાન ખેંચે છે. અહીં જણાવાયું છે કે આધ્યાત્મિક પ્રગતિ માટે મનનું નિયંત્રણ જરૂરી છે. મન ચંચળ છે અને તે ધ્યાન દ્વારા નિયંત્રિત થઈ શકે, શાંત થઈ શકે, સ્થિર બની શકે. ધ્યાનબિંદુ ઉપનિષદ મુજબ `મન એવ મનુષ્યાણાં કારણં બંધમોક્ષયો:' અર્થાત મનુષ્યનાં બંધન અને મોક્ષનું કારણ મન જ છે. જ્યારે મન સ્થિર થાય છે, ત્યારે ધ્યાન શક્ય બને, યોગની શરૂઆત થઈ શકે. મનના નિયંત્રણની વાત ભગવદ્ ગીતામાં પણ જોવા મળે છે. અહીં મનને અભ્યાસ અને વૈરાગ્યથી નિયંત્રિત કરી શકાય તેમ કહેવામાં આવ્યું છે. સનાતની સંસ્કૃતિનાં લગભગ દરેક શાસ્ત્રમાં મનને સમગ્ર સૃષ્ટિની રચનાનું મુખ્ય કારણ ગણાવાયું છે. ગીતામાં પણ શ્રીકૃષ્ણ જણાવે છે કે આ સૃષ્ટિ મારાં `ભાવ'ને કારણે મારાં `મન' વડે સર્જાઈ છે. અહીં એમ સ્થાપિત થાય છે કે જો મન લય પામે તો સૃષ્ટિ શૂન્યતા પામી જાય અને ચૈતન્ય પૂર્ણતાને પ્રાપ્ત કરે.

આ ઉપનિષદના અભિપ્રાય મુજબ ધ્યાનની પ્રક્રિયામાં બિંદુનું મહત્ત્વ છે, તેમ કહેવાય. આ ઉપનિષદ જણાવે છે કે `બિંદુના નશ્યતે ચિત્તં બિંદુરેવ પ્રકાશતે' અર્થાત્‌‍ બિંદુ પર ધ્યાન ધરવાથી ચિત્ત લય પામે છે અને ચેતનાનો પ્રકાશ અનુભવમાં આવે. યોગ માટે પ્રવૃત્ત વ્યક્તિએ `ૐ'કાર સાથેનાં બિંદુનું નિત્ય ધ્યાન કરવું જોઈએ. યોગી ધ્યાનયોગ વડે જે અનાહત નાદનું અનુસંધાન કરે છે અને પરબ્રહ્મને પામે છે તે અનાહત નાદ, `ૐ' સ્વરૂપે આપમેળે જાગ્રત થયેલો હોવાથી, અંતરના ઊંડાણમાં સતત પ્રવર્તમાન રહે છે. તેની અનુભૂતિ કરવી એ જ ધ્યાનયોગની પૂર્ણતા. સાંપ્રત સમયમાં તો આ બિંદુ બહારના વિશ્વમાં હોઈ શકે તેમ પણ કહેવાય છે, પરંતુ મારા વ્યક્તિગત અભિપ્રાય પ્રમાણે તે પ્રક્રિયાને ત્રાટક કહેવાય, ધ્યાન નહીં. ગીતામાં બે ભ્રૂકુટી વચ્ચેનાં આજ્ઞાકેન્દ્ર પર ધ્યાન કેન્દ્રિત કરવાની વાત છે. આ દર્શાવે છે કે આ બિંદુ પોતાની ચેતનાનું કોઈ બિંદુ હોઈ શકે, બાહ્ય નહીં. ચેતનાનો પ્રકાશ આ બિંદુ પર છે તેવી સમજ સાથે આ પ્રકાશિત બિંદુની ધારણા કરી તેનાં પર ધ્યાન કેન્દ્રિત કરવાનું હોય છે. આમ કરવાથી આત્મ-સાક્ષાત્કારની સંભાવના ઊભી થાય. મોક્ષ માટે, મુક્તિ માટે આત્મ-સાક્ષાત્કારની અનુભૂતિ આવશ્યક છે.

અસ્તિત્વના ચેતનાના કોઈ બિંદુ ઉપરાંત આ ઉપનિષદમાં `ૐ'નું ધ્યાન ધરવાની પણ વાત છે. અહીં `ૐ'કારને બ્રહ્મનું શબ્દ સ્વરૂપ જણાવી તેનું મહત્ત્વ સમજાવવાનો પ્રયત્ન થયો છે. મંડૂક્ય ઉપનિષદમાં `ૐ'ના ચાર ભાગ - અ ઉ મ અને તુર્ય - દ્વારા ચેતનાની અવસ્થા સમજાવવામાં આવી છે; જે ચેતનાના ઊંડાણને સમજવા માટે જરૂરી છે. કઠ ઉપનિષદ મુજબ `ૐ' એ પરમાત્માનું ઉત્તમ પ્રતીક છે, ઉત્તમ પ્રતિનિધિ છે. શાસ્ત્રોમાં `ૐ'નું જે મહત્ત્વ દર્શાવાયું છે તેની ધ્યાનબિંદુ ઉપનિષદ જાણે સાક્ષી પૂરે છે. અહીં ધ્યાનની પ્રક્રિયામાં અંતર્મુખતાનું મહત્ત્વ પણ સમજાવાયું છે. બહારનાં વિશ્વ પરથી સૂક્ષ્મ અસ્તિત્વને પરતવાળી અંતર-ધ્યાનથી ૐ'કાર પર ધ્યાન કેન્દ્રિત કરવાની વાત અહીં જોવાં મળે છે. આ ઉપનિષદમાં પ્રાણાયામનું મહત્ત્વ પણ સમજાવવામાં આવ્યું છે. વર્તમાન સમયમાં પ્રાણાયામને ફેફસાંની કસરત તરીકે જોવાનો અભિગમ પ્રચલિત બની રહ્યો છે. તે પ્રાણાયામ નથી. પ્રાણાયામમાં તો શ્વાસના નિયંત્રણ દ્વારા, પૂરક - કુંભક - રેચક દ્વારા, પ્રાણની ગતિનું નિયમન કરવાનો પ્રયત્ન થતો હોય છે.

શરીરમાં જે `પવન' ફરતો હોય છે તે પ્રાણાયામ માટે અગત્યનું માધ્યમ ગણાય છે. શ્વાસ, પ્રાણ અને ચેતનાને એક કરવાની આ વાત છે. પ્રાણાયામ વડે પવનની ગતિને નિયંત્રિત કરવાથી ધ્યાનનો અભ્યાસ સરળ બને; અને સાથે તેનાથી તે `ૐ'કારનો મનમાં લય થવાથી પરમપદનો સાક્ષાત્કાર શક્ય બને છે. પતંજલિનાં યોગસૂત્રમાં પણ પ્રાણાયામને યોગનું મહત્ત્વનું અંગ છે. શરીરની સૂક્ષ્મ રચનાનાં સંદર્ભમાં અહીં મણીપુર વગેરે નામોથી જાણીતાં સાત ચક્રો, ઈડા પિંગલા સુષુમ્ણા ગાંધારી પૂષા વગેરે દસ મુખ્ય નાડીઓ, પ્રાણ અપાન સમાન ઉદાન અને વ્યાન જેવા દસ પ્રાણ અને આવી અન્ય બાબતોનું વર્ણન અને મહત્ત્વ સમજાવાયાં છે.

ઉપનિષદ એટલે ગુરુની જોડે બેસીને પ્રાપ્ત કરાયેલું જ્ઞાન. આ જ્ઞાન વાંચીને કદાચ બુદ્ધિની સમજમાં આવી શકે પરંતુ તે માત્ર માહિતી સમાન બની રહે. આ જ્ઞાન, જ્ઞાનમાં રૂપાંતરિત ત્યારે જ થાય જ્યારે તેની અનુભૂતિ થાય. અહીં ગુનું મહત્ત્વ એટલાં માટે છે કે ધ્યાનની પ્રક્રિયામાં ઝીણી ઝીણી બાબતોનું પણ મહત્ત્વ હોય છે જે શાસ્ત્રના વાંચનથી ધ્યાનમાં ન પણ આવે. એમ કહી શકાય કે ભગવદ ગીતા જીવનમાં ધ્યાનનું મહત્ત્વ સમજાવે છે, યોગસૂત્ર તેની તકનીક દર્શાવે છે અને ઉપનિષદ તેની સાથે સંકળાયેલાં તત્ત્વજ્ઞાનની વાત કરે છે. આ બધાં સાથે ધ્યાનબિંદુ ઉપનિષદ ગુનું મહત્ત્વ પણ સ્થાપિત કરે છે.