Thu Jul 23 2026

Logo

સુરતના યુવકને દિલ્લીની યુવતીએ વડોદરા લગ્નના બહાને બોલાવી કઈ રીતે ખંખેર્યો? કોણ કોણ સામેલ

2026-06-17 11:37:00
Author: Mayur Patel
Article Image

વડોદરાઃ શહેરમાં  મેટ્રોમોનિયલ સાઇટના માધ્યમથી લગ્ન કરવા યુવકને બોલાવી હનીટ્રેપમાં ફસાવતી ગેંગનો પર્દાફાશ થયો હતો. સુરતના યુવકને દિલ્લીની યુવતીએ વડોદરા લગ્નના બહાને બોલાવી ખંખેરવામાં આવ્યો હતો. આ કેસમાં લીવ ઈનમાં રહેતા યુવક-યુવતીની ધરપકડ કરવામાં આવી હતી. આ કેસમાં યુવતીના પૂર્વ પતિની પણ સંડોવણી બહાર આવી હતી. 

શું છે સંપૂર્ણ મામલો

સુરતના વતની અને સુપરવાઇઝર તરીકે કામ કરતા યુવકના  7 વર્ષ પહેલાં છૂટાછેડા થઈ ચૂક્યા હતા. યુવકે બીજા લગ્ન માટે મેટ્રિમોનિયલ સાઇટ પર પ્રોફાઇલ બનાવી હતી. ત્યાં તેનો સંપર્ક હાલ વડોદરામાં રહેતી મૂળ દિલ્લીની યુવતી સાથે થયો હતી. યુવતીએ  તેને મળવા માટે વડોદરા બોલાવ્યો હતો. ભાયલી વિસ્તારમાં યુવતી યુવકની કારમાં બેસી ગઈ અને તેને 'સિટીમાં ફરવા' જવા કહ્યું હતું.

કારમાં ફરતી વખતે યુવતીએ ઘરેથી ફોન આવે છે તેમ કહીને ગાડી સાઇડમાં રખાવી અને પોતે નીચે ઉતરી ગઈ હતી. યુવતી નીચે ઉતરતા જ ત્યાં બે અજાણ્યા માણસો આવ્યા હતા. તેમણે યુવકને લાફા માર્યા, મારી નાખવાની ધમકી આપી અને કારની બાજુની સીટ પર બેસાડી દીધો હતો. એક માણસ પોતે ડ્રાઇવિંગ કરવા લાગ્યો હતો.

યુવતી અને તેના સાગરીતોએ ભેગા મળીને યુવકનો ફોન અને પાકીટ લૂંટી લીધા હતા. કાર ચાલુ હતી ત્યારે જ યુવકે હિંમત કરીને ડ્રાઇવરને લાત મારી, જેથી કાર ધીમી પડી હતી. જેના કારણે યુવક કારનો દરવાજો ખોલી કૂદીને ભાગી છૂટ્યો હતો અને નજીકના ફ્લેટમાં મદદ માગી હતી. શરૂઆતમાં કોઈએ મદદ ન કરી, પણ આખરે તેણે પોલીસનો સંપર્ક કર્યો હતો.

જે બાદ આરોપીઓ યુવકની કાર ભાયલી કેનાલ રોડ પર છોડીને પોતાના ફ્લેટ પર ભાગી ગયા હતા. ગોત્રી પોલીસે ગણતરીના કલાકોમાં જ ફ્લેટ પર દરોડો પાડીને યુવક અને યુવતીને પકડી લીધા હતા. જ્યારે આ કાવતરામાં સામેલ યુવતીનો પૂર્વ પતિ ફરાર થઈ ગયો હતો, જેને ઝડપવાના ચક્રો ગતિમાન કર્યા હતા.