સુરતઃ શહેરમાં વધુ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો હતો. એક વર્ષ પહેલા લવ મેરેજ કરનારું કપલ એનિવર્સરીના બીજા દિવસે મૃત હાલતમાં મળ્યું હતું. કાકા કેક લાવ્યા હતા પરંતુ ભત્રીજાએ બીજા દિવસે કેક કાપવાનું જણાવ્યું હતું.
શું છે મામલો
સુરતના ડભોલી ચાર રસ્તા ખાતે આવેલી કિસ્મત કોલોનીમાં થોડા સમય અગાઉ જ પ્રેમ લગ્ન કરનાર યુવાનની લાશ રૂમમાં પંખા પર લટકતી મળી આવી હતી, જ્યારે તેની પત્નિની લાશ બેડ પરથી મળી આવી હતી. પરિવારના સભ્યો પતિ અને પત્નિની લાશને ઉચકીને નીચેના ભાગે લઈ આવ્યા હતા. પતિએ પત્નિને ગળે ટુંપો આપીને મોતને ઘાટ ઉતારી દીધા બાદ પોતે પણ આત્મહત્યા કરી હોવાનું માનવામાં આવી રહ્યું છે. પોસ્ટ મોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું સાચું કારણ સામે આવશે.
મૂળ ભાવનગરના મહુવાના વતની અને હાલ ડભોલી ચાર રસ્તા પાસે રહેતો 23 વર્ષીય યુવક લિફ્ટ રિપેરિંગનું કામ કાજ કરતો હતો. એક વર્ષ પહેલા તેણે પ્રેમ લગ્ન કર્યા હતા. યુવકની પત્નિ રહસ્યમય સંજોગોમાં મૃત હાલતમાં મળી આવી હતી. જ્યારે યુવકે પંખા સાથે કપડું બાંધીને ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો હતો. પરિવારના સભ્યોને જાણ થતાં રૂમમાં દોડી ગયા હતા પણ પોલીસને જાણ કર્યા વગર બંનેની લાશ ઉતારીને ઘરના નીચેના ભાગે લઈ આવ્યા હત અને બાદમાં પોલીસને જાણ કરી હતી.
પોલીસ પહોંચી ત્યારે પરિવારજનોએ જણાવ્યું કે, યુવકની લાશ પંખાની સાથે લટકેલી હતી જ્યારે તેની પત્નિની લાશ બેડ પર હતી. જેથી પ્રાથમિક તબક્કે એવું યુવકે પહેલા પત્નિને ગળે ટુંપો આપીને હત્યા કરી હશે અને બાદમાં પોતે પણ કપડું પંખાની સાથે બાંધીને આત્મહત્યા કરી લીધી હશે તેમ માનવામાં આવી રહ્યું છે. પોલીસે ફોન કોલ્સ અને ચેટ્સના આધારે કોઈ કૌટુંબિક વિવાદ કે અન્ય કોઈ તણાવ હતો કે કેમ તે દિશામાં તપાસ શરૂ કરી હતી.