નવી દિલ્હીઃ કોક્રોચ જનતા પાર્ટીની અભિજીતે વડા પ્રધાન મોદીને સીધો પડકાર ફેંક્યો હતો. તેણે કહ્યું કે, તાકાત હોય તો તમારી ડીગ્રી લોકોને બતાવો. એક મીડિયા હાઉસને આપેલા પોડકાસ્ટમાં અભિજીતે પોતાના પર થઈ રહેલા વ્યક્તિગત હુમલા, શિક્ષણ વિભાગના સુધારા અને ભવિષ્યની વ્યૂહરચના અંગે ખુલ્લીને વાત કરી હતી.
પોતાના શિક્ષણ અને ડિગ્રી પર થઈ રહેલા આક્ષેપો તથા દાખલ કરાયેલી RTI અંગે સ્પષ્ટતા આપતા અભિજીત દીપકે જણાવ્યું હતું કે, હું મારી એજ્યુકેશન લોન અને સ્કોલરશિપના લેટર્સ જાહેર કરવા સંપૂર્ણ તૈયાર છું. પરંતુ હું વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પણ વિનંતી કરું છું કે તેઓ પણ દેશની જનતા સામે પોતાની ડિગ્રી બતાવે.
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાને લઈ શું કહ્યું
શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા અને નવા સુધારા બિલ પસાર થવા અંગે પૂછાયેલા સવાલના જવાબમાં તેમણે કહ્યું કે તેમની મુખ્ય માંગ શિક્ષણ પ્રધાનના રાજીનામાની હતી જે પૂર્ણ થઈ છે. પરંતુ કેન્દ્ર સરકારે નવા શિક્ષણ પ્રધાન તરીકે પ્રહલાદ જોશીની પસંદગી કરી તેની સામે તેમણે સખત વિરોધ દર્શાવ્યો હતો. તેમણે આરોપ લગાવ્યો હતો કે પ્રહલાદ જોશીએ ભૂતકાળમાં બિલકિસ બાનોના દોષિતોનું સ્વાગત કર્યું હતું તેમણે સવાલ ઉઠાવ્યો હતો કે દેશની સગીર વિદ્યાર્થિનીઓ આવા નેતા પાસેથી શું અપેક્ષા રાખી શકે? આ ઉપરાંત, તેમણે આંદોલન દરમિયાન પીડિત અને આત્મહત્યા કરનારા વિદ્યાર્થીઓના પરિવારોને રૂ. એક કરોડનું વળતર આપવાની માંગનો ફરીથી ઉલ્લેખ કર્યો હતો.
આ ઉપરાંત પોડકાસ્ટમાં તેણે આંદોલનમાં હિંસા અને અસામાજિક તત્વો ઘૂસી જવાની ઘટનાઓ અંગે તેમણે દિલ્હી પોલીસ અને ગૃહ મંત્રાલય પર આકરા પ્રહારો કર્યા હતા. અભિજીતે કહ્યું, જંતર-મંતર જેવા સંવેદનશીલ સ્થળે જ્યાં વગર ચેકિંગે કોઈને જવા દેવાતા નથી, ત્યાં 2100 જેટલા અસામાજિક તત્વો કે ગુનેગારો કેવી રીતે પહોંચ્યા? આંદોલનને હિંસક બતાવી શકાય તે માટે દિલ્હી પોલીસે 19 જુલાઈની રાત્રે જ જંતર-મંતર પાછળ પથ્થરોથી ભરેલો ટ્રક અને તૂટેલી કાર ઊભી રાખી હતી.
શિક્ષણ પદ્ધતિ સુધારવા શું કર્યા સૂચન
અભિજીતે દેશમાં શિક્ષણ પદ્ધતિ સુધારવા માટે કેટલાક મહત્વના મુદ્દાઓ રજૂ કર્યા હતા. તેણે કહ્યું, આજે પહેલા-બીજા ધોરણથી જ રૂ. 1 થી 1.50 લાખની ફી લેવાય છે, જે મહિને 30 થી 40 હજાર કમાતા સામાન્ય પરિવાર માટે અફોર્ડેબલ નથી. જેમ રાજકીય પક્ષો પોતાના મોટા કાર્યાલયો બનાવે છે, તેમ સરકારી શાળાઓનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને શિક્ષકોની ભરતી વધારવી જોઈએ. પ્રાઈવેટ શાળાઓની લૂંટ અટકાવવા ફી કેપિંગ આવશ્યક છે. અભિજીતે સ્પષ્ટ કર્યું કે ગરીબ અને વંચિત બાળકોને શિક્ષણ આપવા માટે અનામત જરૂરી છે. પરંતુ પૈસા લઈને અપાતા મેનેજમેન્ટ કોટા સામે શા માટે કોઈ વિરોધ નથી કરતું?
રાજકીય પક્ષ બનાવવા અંગે શું કહ્યું?
ભવિષ્યમાં રાજકીય પક્ષ બનાવવા અંગેના સવાલ પર તેમણે કહ્યું કે, સીજેપીનો કોઈ રાજકીય પક્ષ બનાવવાનો ઈરાદો નથી. તેઓ માત્ર એક 'પ્રેશર ગ્રુપ'તરીકે કામ કરતા રહેશે. અભિજીતે દેશના રાજકારણ અને સીબીઆઈ-ઈડીના રાજકીય ઉપયોગ સામે નિરાશા વ્યક્ત કરી હતી.
આ ઉપરાંત આરએસએસ દ્વારા તેમના આંદોલનને દેશવિરોધી ગણાવવા અંગે તેમણે કહ્યું કે, જે વિચારધારાએ મહાત્મા ગાંધીની હત્યા કરી હતી તેમને કોઈને પણ દેશવિરોધી કહેવાનો નૈતિક અધિકાર નથી.