અમદાવાદમાં ભારે સુરક્ષા બંદોબસ્ત વચ્ચે નીકળેલી પ્રભુ જગન્નાથની પરંપરાગત રથયાત્રા દરમિયાન આજે બે અલગ-અલગ વિસ્તારોમાં હંગામો અને મારામારીના બનાવો સામે આવ્યા છે. જેમાં રથ ખેંચવા બાબતે અને પ્રસાદ બાબતે બબાલ થઇ હોવાનું સામે આવ્યું છે. રથયાત્રાના રૂટ પર આવેલા પ્રેમ દરવાજા પાસે પ્રસાદ લેવા જેવી નજીવી બાબતે બે મહિલાઓ વચ્ચે શરૂ થયેલી બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા બંને પરિવારો આમને-સામને આવી ગયા હતા.
જ્યારે બીજી તરફ, રથયાત્રા શરૂઆતથી જ એકથી દોઢ કલાક મોડી ચાલી રહી હોવાથી ઘીકાંટા પાસે પોલીસ જ્યારે રથને ઝડપથી મંદિર તરફ રવાના કરવાના પ્રયાસો કરી રહી હતી, બરાબર તે જ સમયે રથ ખેંચવાની બાબતે એક સ્થાનિક યુવક અને ખલાસીઓ વચ્ચે હિંસક ઝપાઝપી થઈ હતી. આ બંને સંવેદનશીલ ઘટનાઓ વખતે સ્થળ પર તૈનાત પોલીસ કાફલાએ તાત્કાલિક એક્શનમાં આવીને લોકોને છોડાવ્યા હતા અને મોટી અનિચ્છનીય ઘટના ટાળીને રથયાત્રાને સુરક્ષિત આગળ ધપાવી હતી.
પ્રેમ દરવાજા મારામારી મામલે પોલીસનું નિવેદન
અમદાવાદની રથયાત્રા દરમિયાન મારામારીના વાયરલ વીડિયો મામલે પોલીસનું કહેવું છે કે આ બનાવમાં એક જ સમાજની બે મહિલાઓ વચ્ચે પ્રસાદ લેવા બાબતે ઝગડો અને ઝપાઝપી થઇ હતી, જે દરમિયાન એક મહિલાના પતિનો હાથ બીજી મહિલાને અડી જતાં પુરુષ સાથે પણ ઝપાઝપી થઈ હતી. આ આખો મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. પોલીસે સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
રાત્રે 9.15 વાગ્યે ધી કાંટા પાસે ફરી મામલો બિચક્યો
પ્રેમ દરવાજા પાસે બનેલી ઘટના માંડ શાંત પડી હતી ત્યાં રાત્રિના સમયે રથયાત્રા જ્યારે ઘી કાંટા વિસ્તારમાંથી પસાર થઈ રહી હતી ત્યારે ફરી એકવાર વાતાવરણ તંગ બન્યું હતું. રાત્રે અંદાજે 9.15 વાગ્યાના સુમારે ધી કાંટા પાસે ફરીથી રથ ખેંચવાની બાબત જ વિવાદનું મુખ્ય કારણ બની હતી. એક યુવક અને ખલાસીઓ વચ્ચે રથ આગળ વધારવા કે દોરડું પકડવા બાબતે તકરાર થઈ હતી, જે મિનિટોમાં જ મારામારીમાં ફેરવાઈ ગઈ હતી. એક જ દિવસમાં બીજી વાર મારામારી થતાં રથયાત્રાના રૂટ પર તણાવનો માહોલ જોવા મળ્યો હતો.
149મી રથયાત્રામાં 10 લાખ ભક્તો ઉમટ્યા
ભારે જનમેદની અને બે અલગ-અલગ વિસ્તારોમાં (પ્રેમ દરવાજા અને ઘી કાંટા) સામાન્ય બાબતોમાં થયેલી હિંસક તકરારો છતાં, તૈનાત પોલીસ કાફલાએ તાત્કાલિક એક્શન લીધા હતા. પોલીસે સમયસર પરિસ્થિતિ પર કાબૂ મેળવીને કોઈ મોટી અનિચ્છનીય ઘટના બનવા દીધી ન હતી, જેના કારણે 149મી રથયાત્રા શાંતિપૂર્ણ અને સુરક્ષિત રીતે સંપન્ન થઈ હતી. ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્રજી રથમાં સવાર થઈ જમાલપુર નિજ મંદિરથી સવારે 7:30 વાગ્યે નગરચર્યાએ નીકળ્યા હતા. જ્યારે રાત્રે 10 વાગ્યા આસપાસ ત્રણેય રથ નિજ મંદિર પરત ફર્યા હતા