ચેન્નઇઃ લખનઊ (20 ઓવરમાં 8/203)નો અહીં રવિવારે ચેન્નઈ (19.2 ઓવરમાં 5/208) સામે પાંચ વિકેટે પરાજય થયો અને 11 મૅચમાંથી આઠ મૅચ હારી જનારી પ્લે-ઑફની રેસની બહાર થઈ ગઈ હતી. બીજી તરફ, ચેન્નઈ 12 પૉઇન્ટ સાથે પાંચમા નંબરે હતું. 36 રનમાં લખનઊ (lukhnow)ની ત્રણ વિકેટ લેનાર જૅમી ઓવર્ટનને મૅન ઑફ ધ મૅચનો પુરસ્કાર અપાયો હતો. આ મેચમાં ચેન્નઈના
ચેન્નઈની ટીમને 27 વર્ષીય બૅટ્સમૅન ઉર્વિલ પટેલ (23 બૉલમાં આઠ સિક્સર અને બે ફોરની મદદથી 65 રન)ની ફટકાબાજીએ આસાન વિજય અપાવ્યો હતો. તેને શાનદાર ઇનિંગ્સ દરમિયાન જીવતદાન મળ્યું હતું. મહેસાણામાં જન્મેલા ઉર્વિલ મુકેશ પટેલે ચેન્નઈની ટીમને હૅટ-ટ્રિક વિજય મેળવવામાં મોટું યોગદાન આપ્યું છે. તેણે કૅપ્ટન ગાયકવાડ (42 રન) સાથે બીજી વિકેટ માટે 81 રનની ભાગીદારી કરી હતી. સંજુ સૅમસને 28 રન અને કાર્તિક શર્માએ 20 રન બનાવ્યા હતા. મૅચની અંતિમ પળોમાં ચેન્નઈના પ્રશાંત વીર (17 અણનમ, 12 બૉલ, બે સિક્સર) અને શિવમ દુબે (15 અણનમ, સાત બૉલ, બે સિક્સર)એ થોડા બૉલ સુધી સંઘર્ષ કર્યા બાદ છેવટની ક્ષણોમાં ફટકાબાજી કરીને ચેન્નઈને વિજય અપાવી જ દીધો હતો. લખનઊના દિગ્વેશ રાઠી અને શાહબાઝ અહમદે બે-બે વિકેટ લીધી હતી.
દરેક ટીમે કુલ 14-14 લીગ મૅચ રમવાની છે. એક જીત બદલ ટીમને બે પૉઇન્ટ મળે છે. લખનઊની હવે માત્ર ત્રણ મૅચ બાકી છે. રવિવારની મૅચ બાદ ટીમોની સ્થિત આ મુજબ હતીઃ (1) હૈદરાબાદઃ 14 પૉઇન્ટ, (2) ગુજરાતઃ 14, (3) પંજાબઃ 13, (4) બેંગ્લૂરુઃ 12, (5) ચેન્નઈઃ 12, (6) રાજસ્થાનઃ 12 (7) કોલકાતાઃ 9, (8) દિલ્હીઃ 8, (9) મુંબઈઃ 6 અને (10) લખનઊઃ 6.
એ પહેલાં, લખનઊએ બૅટિંગ મળ્યા બાદ 20 ઓવરમાં આઠ વિકેટના ભોગે બનાવેલા 203 રનના સન્માનજનક સ્કોર સાથે દાવ પૂરો કર્યો હતો. જૉસ ઇંગ્લિસ (85 રન, 33 બૉલ, છ સિક્સર, દસ ફોર)એ ઓપનિંગમાં મિચલ માર્શ (10 બૉલમાં 10 રન) સાથે 77 રનની ભાગીદારીથી 200-પ્લસના સ્કોર માટે મજબૂત પાયો નાખી આપ્યો હતો અને પછીથી નીચલા મિડલ-ઑર્ડરમાં શાહબાઝ અહમદ (43 નૉટઆઉટ, પચીસ બૉલ, ત્રણ સિક્સર, ત્રણ ફોર)એ રનમશીનને વેગ આપીને ટીમના ટોટલને 200 પાર કરાવ્યું જ હતું. 20મી ઓવર ચેન્નઈના પેસ બોલર અંશુલ કમ્બોજે કરી હતી જેના ચોથા-પાંચમા બૉલમાં અનુક્રમે હિમ્મત સિંહ અને મોહમ્મદ શમીએ વિકેટ ગુમાવી હતી અને કમ્બોજને હૅટ-ટ્રિક મળે એવી સ્થિતિ સર્જાઈ હતી.
જોકે શાહબાઝે ઇનિંગ્સના અંતિમ બૉલ પર છગ્ગો ફટકારીને લખનઊનો સ્કોર 203 રન પર પહોંચાડી દીધો હતો. ચેન્નઈના જૅમી ઑવર્ટને ત્રણ, કમ્બોજે બે અને નૂર અહમદે એક વિકેટ લીધી હતી.