Tue May 19 2026

Logo

પોકેટ-રોકેટ ઇશાન કિશનની આતશબાજી, હૈદરાબાદ પ્લે-ઓફ્ફમાં

2026-05-18 23:59:55
Author: Mumbai Samachar Team
Article Image

SRH


ચેન્નઇ: યજમાન ચેન્નઇ સુપર કિંગ્સ (સીએસકે)ની પ્લે-ઓફ્ફમાં પહોંચવાના ચાન્સને મોટો આઘાત લાગ્યો હતો જ્યારે અહીં આજે રમાયેલી સધર્ન ડર્બીમાં સનરાઇઝર્સ હૈદરાબાદ (એસઆરએચ)એ તેને એક ઓવરમાં બાકી હતા ત્યારે પાંચ વિકેટે વિજય મેળવ્યો હતો અને સાથે હૈદરાબાદે પ્લે-ઓફ્ફમાં સ્થાન નિશ્ચિત કરી લીધું હતું. 

હૈદરાબાદ પોતાની સાથે ગુજરાત ટાઇટન્સને પણ પ્લે-ઓફ્ફમાં લઈ ગયું હતું અને હવે ચોથા સ્થાન માટે રસાકસી જામશે.

મહેન્દ્રસિંહ ધોની વિના જ રમવા ઊતરેલી સીએસકેએ આપેલા 181 રનના ટાર્ગેટને ચેઝ કરવા ઊતરેલી હૈદરાબાદની ટીમનો હીરો ઇશાન કિશન (70 રન, 47 બોલ) હતો. તેણે હેન્રીક ક્લાસન (47 રન, 26 બોલ)ની સાથે મળીને પ્લે-ઓફ્ફમાં પોતાની ટીમનું સ્થાન નિશ્ચિત કર્યું હતું.

અગાઉ પેટ કમિન્સે ત્રણ વિકેટ ઝડપીને પોતાની સ્પીડ અને લેન્થ (બોલની લંબાઈ) પરનું અદભુત નિયંત્રણ પ્રદર્શિત કર્યું હતું, પરંતુ સામૂહિક બેટિંગ પ્રદર્શનના જોરે ચેન્નઈ સુપર કિંગ્સે સોમવારે અહીં રમાયેલી આઈપીએલ મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદ સામે 7 વિકેટે 180 રનનો પડકારજનક સ્કોર બનાવ્યો હતો.

હૈદરાબાદના કેપ્ટને (3/28) મેચના મહત્વના વળાંકો પર વિકેટો ઝડપીને એ વાતની ખાતરી કરી હતી કે ઘરઆંગણે રમી રહેલી સીએસકેની ટીમ ટોસ જીતીને બેટિંગ પસંદ કર્યા પછી એકતરફી રીતે મોટો સ્કોર ન બનાવી લે.

સંજુ સેમસને સુપર કિંગ્સને તોફાની શરૂૂઆત અપાવી હતી અને નીતીશ કુમાર રેડ્ડીની ઓવરમાં 6, 4, 4 ફટકારીને પ્રથમ ઓવરમાં જ 17 રન ઝૂડી કાઢ્યા હતા.
સેમસને આગામી ઓવરમાં પ્રફુલ હિંગેની પણ એવી જ ધોલાઈ કરી હતી અને સતત ત્રણ ચોગ્ગા (ચોગ્ગાની હેટ્રિક) ફટકાર્યા હતા. પરંતુ કમિન્સે ત્રીજી ઓવરમાં પોતે બોલિંગમાં આવીને સારી ગતિ સાથે ફૂલ લેન્થ બોલ ફેંક્યો, જેના પર સેમસને મોટો શોટ રમવાનો પ્રયાસ કર્યો અને બોલ વિકેટકીપર ઋશાન કિશનના સુરક્ષિત હાથોમાં કેચ થઈ ગયો.

ઉર્વીલ પટેલે કમિન્સની ઓવરમાં સતત બે સિક્સર ફટકારીને પોતાની હિટિંગ ક્ષમતાની વહેલી ચેતવણી આપી દીધી હતી, પરંતુ સાકિબ હુસૈનના ધીમા બોલ પર મોટો શોટ રમવાના ચક્કરમાં તે થાપ ખાઈ ગયો અને બોલ સ્ટમ્પમાં ઘુસી ગયો.ચેન્નઈના કેપ્ટન ઋતુરાજ ગાયકવાડ અને પ્રભાવશાળી કાર્તિક શર્માએ (32 રન, 19 બોલ) ત્રીજી વિકેટ માટે 42 રનની ભાગીદારી કરીને પોતાની ટીમને મજબૂત સ્થિતિમાં રાખી હતી.

કાર્તિકે હિંગેની ઓવરમાં ઈનસાઈડ-આઉટ ચોગ્ગો અને લેફ્ટ આર્મ રિસ્ટ સ્પિનર શિવાંગ કુમારની ઓવરમાં પુલ કરીને સિક્સર જેવા કેટલાક શાનદાર શોટ્સ ફટકારીને પોતાની ઝડપથી વધી રહેલી પરિપક્વતાની સાબિતી આપી હતી.