Tue Aug 18 2026

Logo

રાજસ્થાનના દૌસામાં ચાયવાલાઝના સ્થાપક રોહિત શર્માએ આપઘાત કર્યો

2026-08-02 18:02:40
Author: Chandrakant Kanoja
Article Image

દૌસા: રાજસ્થાનના દૌસાથી એક મોટા સમાચાર પ્રકાશમાં આવ્યા છે. જેમાં 'ચાયવાલાઝ'  સ્ટાર્ટઅપના સ્થાપક રોહિત શર્માએ  દૌસા સ્થિત પોતાના નિવાસસ્થાને આપઘાત કર્યો છે.30 વર્ષીય રોહિત શર્માનો મૃતદેહ રૂમમાં શનિવારે લટકતી હાલતમાં મળી આવ્યો હતો.

આત્મહત્યાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી

આ અંગે કોતવાલી પોલીસના જણાવ્યા અનુસાર, પરિવારના સભ્યોએ દરવાજો તોડીને તેમને નીચે ઉતાર્યા અને તાત્કાલિક જિલ્લા હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા. પોસ્ટમોર્ટમ બાદ તેમના મૃતદેહને પરિવારને સોંપવામાં આવ્યો છે. પોલીસે જણાવ્યું કે આત્મહત્યાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. 

આ ઉપરાંત મળતી માહિતી મુજબ  છ મહિના પૂર્વે જ રોહિતે બધા  આઉટલેટ બંધ કરી દીધા અને આધ્યાત્મિકતા તરફ વળ્યો હતો.તેમજ અનેક ધાર્મિક સ્થળોની મુલાકાત લેતા જોવા મળ્યો હતો. 

સાત વર્ષનો એક પુત્ર

રોહિતના પિતા, હિતેન્દ્ર મોહન શર્મા એક મેડિકલ સ્ટોર ચલાવે છે. જ્યારે  પત્ની એક ખાનગી શાળામાં શિક્ષિકા છે. તેમને સાત વર્ષનો એક પુત્ર છે.

વિવિધ શહેરોમાં સાત ચાયવાલાઝ આઉટલેટ હતા 

ઉલ્લેખનીય છે કે, રોહિત શર્માએ 17 વર્ષની ઉંમરે જયપુરમાં નર્સિંગનો કોર્સ કરતી વખતે પોતાની ઉદ્યોગ સાહસિક યાત્રા શરૂ કરી હતી. તેમણે જયપુરના માનસરોવર વિસ્તારમાં શિપ્રા પથ પર પોતાનું પહેલું ચા આઉટલેટ ખોલ્યું અને બાદમાં બીજું આઉટલેટ શરૂ કર્યું હતું. વિવિધ શહેરોમાં સાત ચાયવાલાઝ આઉટલેટ ખોલ્યા હતા. તેઓ દૌસામાં સામાજિક સેવા પ્રવૃત્તિઓ પણ કરતાં હતા.