જેતપુર: જૂનાગઢ ખાતે મહાશિવરાત્રીનો મેળો માણી પરત ફરી રહેલા મિત્રોની કારને જેતલસર નજીક ડિવાઈડર અને બ્રિજની રેલિંગ સાથે ધડાકાભેર અથડાતા કારમાં સવાર બે યુવતીઓ અને એક યુવક સહિત કુલ ત્રણ લોકોના કરુણ મોત નીપજ્યા હતા, જ્યારે અન્ય એક યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. અકસ્માત એટલો ગંભીર હતો કે કારના બે ટુકડા થઈ ગયા હતા. આ બનાવ મામલે મૃતક યુવતીના પિતાએ સાગર પરમાર નામના શખ્સ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે.
બનાવની વિગતો અનુસાર, જામકંડોરણાના રાયડી ગામના રહીશ હરેશભાઈ બગડાએ નોંધાવેલી ફરિયાદ મુજબ, તેમની ૨૦ વર્ષીય પુત્રી મુસ્કાન ઉર્ફે ભૂરી તેના મિત્રો અરુણ વાળા, જયદીપ ચૌહાણ, અમીષ પરમાર અને સાગર પરમાર સાથે ૧૪ ફેબ્રુઆરીના રોજ જૂનાગઢ મેળો કરવા ગઈ હતી. ૧૫ ફેબ્રુઆરીની વહેલી સવારે આશરે સાડા છ વાગ્યે જ્યારે તેઓ જૂનાગઢથી જેતપુર પરત ફરી રહ્યા હતા, ત્યારે જેતલસર પાસેના બાયપાસ રેલવે બ્રિજ પર કારના ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો.
પોલીસ ફરિયાદમાં જણાવ્યા અનુસાર, કારનો ચાલક સાગર પરમાર ગાડી પૂરપાટ ઝડપે અને ગફલતભરી રીતે ચલાવી રહ્યો હતો. કાર સીધી બ્રિજની રેલિંગ સાથે ભટકાવતા મુસ્કાન બગડા અને અરુણ વાળાનું ઘટનાસ્થળે જ ગંભીર ઈજાઓ થવાને કારણે મોત નીપજ્યું હતું. જ્યારે ગંભીર રીતે ઘાયલ જયદીપ ચૌહાણનું સારવાર દરમિયાન મોત થયું હતું. અન્ય એક મિત્ર અમીષ પરમારને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા હાલ તેની સારવાર ચાલી રહી છે.
આ ઘટના અંગે મૃતક મુસ્કાનના પિતા હરેશભાઈએ જેતપુર તાલુકા પોલીસ મથકે કાર ચાલક સાગર પરમાર વિરુદ્ધ માનવ જિંદગી જોખમાય તે રીતે બેદરકારીપૂર્વક વાહન ચલાવવા બદલ ગુનો નોંધાવ્યો છે. પુત્રીની અંતિમક્રિયા પૂર્ણ કર્યા બાદ પિતાએ ન્યાયની માંગ સાથે પોલીસ ફરિયાદ આપી હતી. હાલ પોલીસે આ મામલે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.