અમદાવાદઃ ગુજરાતમાં અકસ્માતનો સિલસિલો વણથંભ્યો રહ્યો હતો. દાહોદ-અમદાવાદ હાઈવે પર લીમખેડાના ઢઢેલા ગામ પાસે અકસ્માત સર્જાયો હતો. ડ્રાયવરે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર ડિવાઇડર બાદ વીજળીના થાંભલા સાથે અથડાઈ હતી. જેમાં ત્રણ લોકોના મોત થયા હતા. અકસ્માત બાદ લાશોને ટ્રેકટરથી ખેંચીને બહાર કાઢવામાં આવી હતી.

કેવી રીતે બની ઘટના
મળતી વિગત એસયુવી કાર લીમખેડા પાસેના ઢેઢલા ટર્નિંગ પાસે વળાંક લેતી વખતે ડિવાઈડર સાથે અથડાઈ હતી. જે બાદ થાંભલા સાથે અથડાતા કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો. જે થાંભલા સાથે કાર અથડાઈ હતી તેના પણ ટુકડા થઈ ગયા હતા. અકસ્માતમાં બે લોકોના ઘટના સ્થળે જ્યારે એકનું સારવારમાં મોત થયું હતું.
અકસ્માતની જાણ થતાં આજુબાજુનાં લોકો ભેગા થઈ ગયા હતા. તેમજ પોલીસને જાણ કરવામાં આવી હતી. સ્થાનિકોએ અકસ્માત સ્થળેથી વીડિયો પણ બનાવ્યો હતો. જેમાં એક યુવક કારના પાર્ટ્સ દૂર દૂર સુધી ખેતમાં ફેલાયેલા હોવાનું કહેતો સાંભળવા મળે છે. ઉપરાંત એન્જિન પણ 100 ફૂટ દૂર પડ્યું હોવાનં કહેતો સાંભળવા મળે છે.
બે દિવસ પહેલા જેતપુરના જેતલસર જંક્શન રેલવે બ્રિજ પર પણ આવો જ અકસ્માત સર્જાયો હતો.જેમાં જૂનાગઢના ભવનાથના શિવરાત્રિ મેળામાંથી દર્શન કરીને પરત ફરી રહેલા ચાર પૈકી ત્રણ મિત્રોના કરૂણ મોત થયા હતા. કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો અને બે ટુકડા થઇ ગયા હતા. બનાવની જાણ થતાં પોલીસ પહોંચી હતી. મૃતદેહોને પીએમ અર્થે તેમજ બનાવમાં ઘાયલ એક યુવકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો હતો. કાર જેતલસર જંકશન રેલવે બ્રિજ પરથી પસાર થઈ રહી હતી ત્યારે ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો. પરિણામે, કાર સીધી પુલ સાથે ધડાકાભેર અથડાઈ હતી. અકસ્માતમાં કારના બે ટુકડા થઈને ફંગોળાઈ ગયા હતા. આ અકસ્માતને પગલે હાઈવે પર વાહનવ્યવહાર ખોરવાઈ ગયો હતો અને ભારે ટ્રાફિકજામ સર્જાયો હતો. બનાવની જાણ થતા જેતપુર તાલુકા પોલીસ પહોંચી હતી. પોલીસે ક્રેનની મદદથી રસ્તા પરથી કારના વિખરાયેલા ભાગોને હટાવીને ટ્રાફિક પૂર્વવત કરાવ્યો હતો.