Fri May 01 2026

Logo

બ્રેકિંગ ન્યૂઝ : 21 March 2026 દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો

2026-03-21 08:15:00
Author: Mumbaisamachar Team
Article Image

દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો. રાજકારણ, વેપાર, રમતગમત, મનોરંજન અને ટેકનોલોજી સહિતના તમામ ક્ષેત્રની ઝડપી અને સચોટ માહિતી માટે અહીં અપડેટ રહો.

Live Updates

2026-03-21 21:53:24

માતા વૈષ્ણો દેવીના દર્શન માટે શ્રદ્ધાળુઓની ભારે ભીડ, યાત્રા સ્થગિત કરવામાં આવી

ચૈત્ર નવરાત્રીને કારણે જમ્મુ કાશ્મીરના માતા વૈષ્ણો દેવીના દર્શન માટે શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે. જેમાં શનિવારે બપોર સુધીમાં 39,000 વધુ શ્રદ્ધાળુઓ દર્શન કર્યા છે. જોકે, શ્રદ્ધાળુઓ વધતી ભીડના લીધે હાલ પુરતી યાત્રા અટકાવી દેવામાં આવી છે.

2026-03-21 21:14:55

ભારતના દિગ્ગજ રેલી ડ્રાઇવર હરિ સિંહ માલદીવમાં ગુમ, શોધખોળ શરુ

ભારતના દિગ્ગજ રેલી ડ્રાઇવર હરિ સિંહ માલદીવમાં એક સ્પીડ બોટ અકસ્માત બાદ ગુમ થયા હોવાના અહેવાલો પ્રકાશમાં આવ્યા છે. આ અકસ્માત 19 માર્ચના રોજ થયો હતો. આ સ્પીડ બોટમાં રેમન્ડ ગ્રુપના ચેરમેન ગૌતમ સિંઘાનિયા પણ હતા. જેમને મામુલી ઈજા થઈ હતી. તે સારવાર બાદ મુંબઈ પરત ફર્યા છે.

2026-03-21 19:52:47

ઈરાનને 22 દેશોએ સામૂહિક પત્ર લખી હોર્મુઝ સ્ટ્રેટ ખોલવા અપીલ કરી

અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધના લીધે પશ્ચિમ એશિયામાં કટોકટી સર્જાઈ છે. તેમાં પણ ઈરાન દ્વારા હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરી દેતા ક્રુડ ઓઈલ અને એલપીજીનો પુરવઠો પણ અન્ય દેશો પાસે ઘટી રહ્યો છે.  જેના લીધે હવે 22 દેશોએ સામૂહિક રીતે ઈરાનને તાત્કાલિક હુમલા બંધ કરવા અને હોર્મુઝ સ્ટ્રેટને ફરીથી ખોલવા અપીલ કરી છે. આ દેશોમાં યુએઈ, યુકે, ફ્રાન્સ, જર્મની, જાપાન, દક્ષિણ કોરિયા અને ઓસ્ટ્રેલિયા જેવી અનેક મોટી વૈશ્વિક શક્તિઓનો સમાવેશ થાય છે.

2026-03-21 19:09:41

દેશમાં હોટલ- રેસ્ટોરન્ટ ઉદ્યોગને રાહત, કોમર્શિયલ LPG સિલિન્ડરનો પુરવઠો 20 ટકા સુધી વધારાયો

દેશમાં સતત વધી રહેલી કોમર્શિયલ LPG સિલિન્ડરની વધતી તંગી વચ્ચે કેન્દ્ર સરકારે મોટો નિર્ણય લીધો છે. જેમાં કેન્દ્ર સરકારે હવે  કોમર્શિયલ LPG સિલિન્ડરનો પુરવઠો 20 ટકા સુધી વધારવાનો નિર્ણય લીધો છે.

2026-03-21 18:00:49

ભારત અને ચીન વચ્ચે એર ચાઈના પણ ફ્લાઈટ સેવા શરુ કરશે

ભારત અને ચીન વચ્ચે ગત વર્ષે એર ઇન્ડિયાએ  શરુ થયેલી ફલાઈટ સેવા બાદ હવે એર ચાઈના પણ ફલાઈટ સેવા શરુ કરશે. આ અંગે ચીનના વિદેશ મંત્રાલયે જણાવ્યું છે કે  એર ચાઈના બેઇજિંગ અને દિલ્હી વચ્ચે સીધી ફ્લાઇટ્સ ફરી શરૂ કરી રહી છે, આ પગલાને તેણે બંને દેશો વચ્ચે મુસાફરી, વેપાર અને વિશ્વાસ વધારવા તરફ એક મહત્વપૂર્ણ પગલું ગણાવ્યું છે

2026-03-21 16:40:23

ઈરાને કહ્યું ક્રુડ ઓઈલનો વધારાનો જથ્થો નથી, વૈશ્વિક બજારમાં અનિશ્ચિતાઓ વધી

અમેરિકા અને ઈરાન વચ્ચેના યુદ્ધ અને હોર્મુઝ સ્ટ્રેટ પર ઈરાનના કબજા બાદ વિશ્વના ક્રુડ ઓઈલ પુરવઠો ઘટી રહ્યો છે. આ દરમિયાન અમેરિકાએ  ઈરાન પર ક્રુડ ઓઈલ સપ્લાય પર મુકેલા પ્રતિબંધમાં આંશિક છુટ આપી છે. જોકે, તેની બાદ ઈરાને સ્પષ્ટ કરી દીધું છે તેની પાસે ક્રુડ ઓઈલનો વધારાનો જથ્થો નથી. જેના લીધે ક્રુડ ઓઈલના વૈશ્વિક બજારમાં અનિશ્ચિતાઓ વધી છે.

2026-03-21 16:01:30

હવાઈ મુસાફરીના નવા નિયમ બાદ સરકાર અને એરલાઈન કંપનીઓ વચ્ચે વિવાદ વકર્યો

દેશમાં હવાઈ મુસાફરી અંગે સરકારે જાહેર  કરેલા નિયમ બાદ હવે સરકાર અને એરલાઈન કંપનીઓ વચ્ચે વિવાદ ઉભો થયો છે. જેમાં કેન્દ્ર સરકારે એરલાઈન્સને  દરેક ફ્લાઈટમાં 60 ટકા સીટ મુસાફરોને ફ્રીમાં એલોટ કરવાનો નિયમ બનાવ્યો છે. જોકે, એરલાઈન કંપનીઓએ હવે તેનો વિરોધ શરુ કર્યો 
 

2026-03-21 15:25:52

યુદ્ધ વચ્ચે ઈરાનના રાષ્ટ્રપતિએ મુસ્લિમ દેશોને ઇદની શુભેચ્છાઓ પાઠવી

અમેરિકા-ઈઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધનો આજે 22મો દિવસ છે. જોકે, શનિવારે દુનિયાના અનેક દેશોમાં ઈદ ઉજવવામાં આવી રહી છે. આ દરમિયાન ઈરાનના  રાષ્ટ્રપતિ ડૉ. મસૂદ પેઝેશ્કિઆને ચાલી રહેલા યુદ્ધ વચ્ચે તમામ મુસ્લિમ રાષ્ટ્રોને સંબોધીને એક પત્ર લખ્યો છે. આ પત્રમાં તેમણે મુસ્લિમ દેશોને પોતાના ભાઈઓ અને પાડોશીઓ ગણાવ્યા છે. પેઝેશ્કિઆને આગળ કહ્યું,  તમે અમારા ભાઈઓ છો તમારી સાથે કોઈ વિવાદ નથી. પેઝેશ્કિઆનનો આ સંદેશ મુસ્લિમ રાષ્ટ્રો સાથે એકતા માટે હાકલ કરે છે.  તેમણે તમામ મુસ્લિમ દેશોને ઈદની શુભેચ્છાઓ પણ પાઠવી છે.

2026-03-21 11:57:39

પંજાબના કેબિનેટ પ્રધાન લાલજીત સિંહ ભુલ્લરે આપ્યું રાજીનામું

પંજાબ CM મુખ્ય પ્રધાન ભગવંત માનને કેબિનેટ પ્રધાન લાલજીત સિંહ ભુલ્લરના રાજીનામાનો સ્વીકાર કરી લીધો છે. સૂત્રોના જણાવ્યાં પ્રમાણે પરિવહન અને જેલનો હવાલો સંભાળતા કેબિનેટ પ્રધાન લાલજીત ભુલ્લર પર વેરહાઉસના ડીએમ ગગનદીપ સિંહને તેમના નિવાસસ્થાને બોલાવીને શારીરિક હુમલો કર્યો હોવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો.

2026-03-21 09:24:48

છેલ્લા 24 કલાકમાં ગીર ગઢડામાં સૌથી વધુ કમોસમી વરસાદ

રાજ્યના વાતાવરણમાં આવેલા પલટાના કારણે ચૈત્ર મહિનામાં ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં ગીર ગઢડામાં સૌથી વધુ વરસાદ નોંધાયો હતો. ગીર ગઢડામાં 2.6 ઇંચ અને ઉનામાં 0.43 ઇંચ કમોસમી વરસાદ નોંધાયો હતો. આ સિવાય રાજ્યમાં ક્યાંય વરસાદ નોંધાયો નહોતો.

2026-03-21 08:17:28

ઈરાને અમેરિકા પર કર્યો મિસાઈલ હુમલો

ન્યૂ યોર્કઃ મધ્યપૂર્વમાં ઈરાન અને અમેરિકા-ઇઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધને 21 દિવસ થઈ ગયાં છે. અમેરિકાના આર્મી બેઝ પર ઈરાને મિસાઈલ હુમલો કર્યો છે. ઈરાને હિંદ મહાસાગરમાં સ્થિત યુએસ-બ્રિટિશ સંયુક્ત લશ્કરી બેઝ 'ડિએગો ગાર્સિયા' પર બે લાંબા અંતરની બેલિસ્ટિક મિસાઇલો છોડી હોવાનું જાણવા મળ્યું છે. જેમાંથી એક નિષ્ફળ ગઈ અને બીજી મિસાઈલને અમેરિકન યુદ્ધ જહાજની SM-3 ઇન્ટરસેપ્ટર મિસાઇલ દ્વારા હવામાં જ તોડી પાડવામાં આવી હતી.