Fri May 01 2026

Logo

બ્રેકિંગ ન્યૂઝ : 16 March 2026 દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો

2026-03-16 08:24:00
Author: Mumbaisamachar Team
Article Image

દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો. રાજકારણ, વેપાર, રમતગમત, મનોરંજન અને ટેકનોલોજી સહિતના તમામ ક્ષેત્રની ઝડપી અને સચોટ માહિતી માટે અહીં અપડેટ કરો.

Live Updates

2026-03-16 22:15:13

બિહારમાં રાજ્યસભાની તમામ પાંચ બેઠક પર એનડીએની જીત

બિહારમાં સોમવારે યોજાયેલી રાજયસભાની પાંચ બેઠકો માટેની ચૂંટણીમાં એનડીએ તમામ પર વિજય મેળવ્યો છે. આ ચૂંટણીના મતદાનમાં વિપક્ષી મહાગઠબંધનના ચાર ધારાસભ્યોની ગેરહાજરીથી  રાજકીય સમીકરણ બદલાયું હતું. તેનો ફાયદો એનડીએને થયો છે.

2026-03-16 21:28:06

તેલના સંકટ વચ્ચે આઈઈએ આપ્યું મહત્ત્વનું નિવેદન

ઈરાન દ્વારા હોર્મુઝ સ્ટ્રેટમાં નાકાબંધી પછી વધતા તેલના સંકટને કારણે ઈન્ટરનેશનલ એનર્જી એજન્સીના પ્રમુખ ફાતિહ બિરોલે કહ્યું છે કે જરુરિયાત વખતે સભ્ય દેશ પોતાના કટોકટીના તેલ સ્ટોકને જારી કરી શકે છે. ક્રૂડ ઓઈલના ઐતિહાસિક સ્ટોક જારી કર્યા પછી પણ આઈઈએ પાસે લગભગ 1.4 અબજ બેરલ સ્ટોક બચશે.

2026-03-16 20:20:35

હોર્મુઝમાંથી જહાજની સુરક્ષિત રવાનગી માટે ઈરાને મૂકી શરત

ઈરાન-અમેરિકાના યુદ્ધની વચ્ચે ઈરાનએ યુક્તિપૂર્વક હોર્મુઝ સ્ટ્રેટમાંથી અવરજવર કરનારા જહાજોને અટકાવ્યા છે, જેમાં ભારતીય જહાજોને સુરક્ષિત રીતે રવાના કરવામાં આવ્યા છે, પરંતુ હવે ભારતએ જપ્ત કરેલા ઈરાનના જહાજોને છોડવા બદલ હોર્મુઝમાં સુરક્ષિત પેસેજ રાખવાની ઈરાનએ શરત મૂકી હોવાના અહેવાલ.

2026-03-16 20:11:15

ઈરાનમાં ભારતીય માટે નવી એડવાઈઝરી

પશ્ચિમ એશિયા વધતા તણાવ વચ્ચે ભારતે ઈરાનમાં રહેલા ભારતીય નાગરિકો માટે મહત્ત્વની એડવાઈઝરી જારી કરી છે. ભારતીય દૂતાવાસે કહ્યું છે કે અત્યારના કટોકટીભર્યા સંજોગોમાં ભારતીય નાગરિકો દૂતાવાસની મંજૂરી વિના જમીનના માર્ગે સરહદ પાર કરવાની કોશિશ કરે નહીં, જેને લઈ અનેક સમસ્યા ઊભી થઈ શકે છે.

2026-03-16 19:22:01

ઈરાનના હુમલામાં અત્યાર સુધીમાં સાત લોકોએ જીવ ગુમાવ્યાઃ યુએઈ

યુએઈના સંરક્ષણ મંત્રાલયે કહ્યું કે આજે છ મિસાઈલ અને 21 ડ્રોનને તોડી પાડ્યા છે. એક્સ પર જણાવતા મંત્રાલયે લખ્યું છે ઈરાનના અત્યાર સુધીના હુમલામાં 304 બેલેસ્ટિક હુમલા, 15 ક્રૂઝ મિસાઈલ અને 1,627 ડ્રોન એટેક કર્યા, જેમાં સાત લોકોએ જીવ ગુમાવ્યા છે, જ્યારે 145 લોકો ઘાયલ થયા છે.

2026-03-16 18:48:09

વૈશ્વિક પુરવઠા માટે ઈરાનના ઓઈલ જહાજોને મંજૂરીઃ અમેરિકા

અમેરિકાના ટ્રેઝરી સચિવ સ્કોટ બેસન્ટે દાવો કર્યો છે કે વૈશ્વિક સ્તરે ઓઈલના પુરવઠો જાળવી રાખવા માટે અમેરિકા ઈરાનના ઓઈલ જહાજોને હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થવાની મંજૂરી આપી છે. ભારત અને ચીનના જહાજ સહિત સૌથી વધુ સંખ્યામાં જહાજો અહીંથી પસાર થઈ રહ્યા છે તેમ જ આગામી દિવસોમાં તેની સંખ્યા પણ વધશે. ટ્રમ્પ પ્રશાસનનું પ્રાથમિક લક્ષ્ય ઈરાનની લશ્કરી ક્ષમતાઓ અને દરિયાઈ શક્તિઓને નબળી પાડવાની સાથે નાશ કરવાનું છે.

2026-03-16 18:47:33

પુણેમાં રખડતા શ્વાનોએ કરેલા હુમલામાં મહિલાનું મૃત્યુ

પુણે જિલ્લામાં રખડતા શ્વાનોએ કરેલા હુમલામાં ઘવાયેલી 33 વર્ષની મહિલાનું મૃત્યુ થયું હોવાનું પોલીસે જણાવ્યું હતું. રવિવારે મોડી રાતના બે વાગ્યાની આસપાસ આ ઘટના બની હતી, જેમાં મૃત્યુ પામેલી મહિલાની ઓળખ શોભા વાઘમારે તરીકે થઇ હતી. પુણે-નાશિક હાઇવેને અડીને આવેલા ચાકણ વિસ્તારમાં સર્વિસ રોડ પરથી શોભા વાઘમારે પગપાળા જઇ રહી હતી. એ સમયે રસ્તા પર કોઇ હાજર નહોતું અને અચાનક રખડતા શ્વાનોએ તેના પર હુમલો કર્યો હતો. શ્વાનોના હુમલામાં ગંભીર રીતે ઘવાયેલી શોભા વાઘમારેનું ઘટનાસ્થળે મોત થયું હતું. વાઘમારેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા બાદ પોલીસે આ પ્રકરણે એડીઆર દાખલ કરીને તપાસ આદરી હતી. 

2026-03-16 18:42:46

પશ્ચિમ બંગાળમાં ભાજપે 144  ઉમેદવારોની યાદી જાહેર કરી, મમતા બેનર્જી વિરુદ્ધ સુવેન્દુ અધિકારી મેદાનમાં

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી માટે ભાજપે  144  ઉમેદવારોની પોતાની પ્રથમ યાદી જાહેર કરી છે. ભાજપે મુખ્યમંત્રી મમતા બેનર્જી  વિરુદ્ધ ફાયરબ્રાન્ડ નેતા સુવેન્દુ અધિકારીને મેદાનમાં ઉતાર્યા છે. મમતા બેનર્જી ભવાનીપુરના વર્તમાન ધારાસભ્ય છે અને સુવેન્દુ અધિકારીને આ બેઠક પરથી ચૂંટણી લડવા માટે ટિકિટ આપવામાં આવી છે. સુવેન્દુ અધિકારી  નંદીગ્રામથી પણ ચૂંટણી લડશે. જે મતવિસ્તારના હાલમાં ધારાસભ્ય પણ છે.

2026-03-16 17:42:11

ભારત માટે રાહતના સમાચાર, શિવાલિક ગેસ લઈને ગુજરાતના મુન્દ્રા પોર્ટ પર પહોંચ્યું

અમેરિકા-ઇઝરાયલ અને ઈરાન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. ત્યારે ભારતનું એલપીજી જહાજ શિવાલિક કતારથી સુરક્ષિત રીતે ગુજરાતના મુન્દ્રા પોર્ટ પર પહોંચ્યું છે. આ અંગે મળતી માહિતી મુજબ શિવાલિક' જહાજ પર લગભગ 46,000 મેટ્રિક ટન LPG છે. જેમાંથી આશરે 32.4 લાખ ઘરેલુ ગેસ સિલિન્ડર ભરી શકાય છે.

2026-03-16 17:04:02

મિડલ ઇસ્ટમાં તણાવ વચ્ચે એર ઇન્ડિયાએ  દુબઈની તમામ ફલાઈટો રદ કરી

મિડલ ઇસ્ટમાં અમેરિકા ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ દરમિયાન એર ઇન્ડિયાએ આજે દુબઈની તમામ ફલાઈટો રદ કરી છે. તેમજ જણાવ્યું છે કે એરઇન્ડિયા એકસપ્રેસની અબુ ધાબી, રસ અલ ખેમાહ અને શારજાહ માટે નિર્ધારિત ફ્લાઈટ યથાવત રહેશે.

2026-03-16 16:40:07

બિહારમાં મહાગઠબંધનને ઝટકો

બિહાર રાજ્યસભાની ચૂંટણી માટે અત્યાર સુધીમાં મતદાન થયું નથી, તેનાથી મહાગઠબંધનને સૌથી મોટો ઝટકો છે. એનડીએના તમામ વિધાનસભ્યોએ મતદાન કર્યું છે, જ્યારે મહાગઠબંધનના ચાર વિધાનસભ્ય સંપર્ક બહાર છે.

2026-03-16 16:31:28

ગુજરાત સરકારની સ્પષ્ટતા, ઘરેલુ LPG સિલિન્ડરનો પૂરતો પુરવઠો ઉપલબ્ધ

ગુજરાતમાં એલપીજી સિલિન્ડરની સ્થિતી અંગે સરકારે સ્પષ્ટતા કરી છે.  આ અંગે અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોનો વિભાગના અધિક મુખ્ય સચિવ  મોના ખંધારે જણાવ્યું હતું કે રાજ્યમાં નાગરિકો માટે  ઘરેલુ LPG સિલિન્ડરનો પૂરતો પુરવઠો ઉપલબ્ધ છે. તેમજ  બફર સ્ટોકમાં પણ સતત વધારો થઇ રહ્યો છે.

2026-03-16 16:07:14

સંસદમાં હંગામા મુદ્દે પૂર્વ પીએમએ સોનિયા ગાંધીને લખ્યો પત્ર

સંસદની કાર્યવાહી વખતે વિપક્ષના જોરદાર વિરોધ પ્રદર્શન અને હંગામાને લઈ પૂર્વ વડા પ્રધાન અને રાજ્યસભાના સાંસદ એચડી દેવગૌડાએ સોનિયા ગાંધીને પત્ર લખીને કોંગ્રેસની ગતિવિધિઓની આકરી ટીકા કરી.

2026-03-16 16:05:29

અમેરિકા અને ઈરાન યુદ્ધ વચ્ચે કેન્દ્ર સરકારની સ્પષ્ટતા, ઇંધણનો પુરતો જથ્થો ઉપલબ્ધ

મિડલ ઇસ્ટમાં અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધના લીધે ક્રુડ ઓઈલ અને એલપીજીના પુરવઠાને અસર થઈ છે. ત્યારે કેન્દ્ર સરકારે સ્પષ્ટતા કરી છે કે દેશમાં પુરતી માત્રામાં એલપીજી-પીએનજી અને ક્રુડ ઓઈલ ઉપલબ્ધ છે. આ અંગે પેટ્રોલિયમ મંત્રાલયના સંયુક્ત સચિવ સુજાતા શર્માએ અનેક રાજ્યોમાં કોર્મશિયલ ગેસ સિલિન્ડરનું વિતરણ શરુ કરવામાં આવ્યું છે.

2026-03-16 15:50:53

ભારતની જીપીએસ સિસ્ટમ 'સંકટ'માં

ભારતની સ્વદેશી જીપીએસ NavIC અથવા 'નાવિક' સિસ્ટમ ગંભીર સંકટ તોળાઈ રહ્યું છે. 11 સેટેલાઈટ્સમાંથી ત્રણ જ કામ કરી રહ્યા છે, જ્યારે એમાંથી એક ગમે ત્યારે બંધ થઇ શકે.

2026-03-16 15:33:50

ડોનાલ્ડ ટ્રમ્પે હોર્મુઝ સ્ટ્રેટ પર સમર્થન લઈને નાટો દેશોને ચેતવ્યા

અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે નાટોના સહયોગીને  ચેતવણી આપી છે. ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે જો સહયોગી દેશ હોર્મુઝ સ્ટ્રેટને સુરક્ષિત રાખવામાં મદદ નહી કરે તો તેનું ભવિષ્ય ખુબ જ ખરાબ હશે.

2026-03-16 15:13:43

ન્યૂ યોર્ક દિલ્હી ફ્લાઈટનું આયર્લેન્ડમાં ઈમરજન્સી લેન્ડિંગ

એર ઈન્ડિયાની ન્યૂ યોર્ક-દિલ્હી ફ્લાઈટ AI102 શંકાસ્પદ ખામીને કારણે સુરક્ષાના કારણસર આયર્લેન્ડમાં કરવામાં આવ્યું ઈમરજન્સી લેન્ડિંગ. વિમાનમાં લગભગ 300 પ્રવાસી અને ક્રૂ સહિતના સ્ટાફે સુરક્ષિત લેન્ડિંગ કર્યા પછી લીધો રાહતનો શ્વાસ.

2026-03-16 14:21:22

રાજ્યસભામાં એલપીજી મુદ્દે હંગામો

ઈરાન યુદ્ધને કારણે ઊભા થયેલા સંકટ મુદ્દે રાજ્યસભામાં આજે જોરદાર હંગામો થયો. કોંગ્રેસના પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ દેશમાં એલપીજીની અછત મુદ્દે ચિંતા વ્યક્ત કરી અને કાળાબજારને રોકવામાં સરકાર નિષ્ફળ રહી હોવાનો આરોપ લગાવ્યો, જ્યારે એનો જવાબ આપતા કેન્દ્રીય પ્રધાન જેપી નડ્ડાએ કહ્યું કે વિપક્ષ સંકટની સ્થિતિમાં સરકારની સાથે રહેવાને બદલે અરાજકતા ફેલાવવાનો કરે છે પ્રયાસ.

2026-03-16 14:14:32

હોર્મુઝ મુદ્દે ટ્રમ્પ એકલા પડ્યા

હોર્મુઝ સ્ટ્રેટમાં સુરક્ષાના નામે યુદ્ધજહાજ મોકલવાની ભલામણ મુદ્દે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પડ્યા એકલા. ટ્રમ્પની અપીલને સાથી રાષ્ટ્રો પૈકી જાપાન, ઓસ્ટ્રેલિયા, દક્ષિણ કોરિયા વગેરેએ ફગાવતા કહ્યું કે આ લશ્કરી અભિયાનમાં અમે જોડાઈશું નહીં.

2026-03-16 13:01:54

બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી સંદર્ભે હાઇકોર્ટનો ચુકાદો

બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી સંદર્ભે હાઇકોર્ટે એક મહત્વનો ચુકાદો આપ્યો છે. હાઇકોર્ટે પૂર્વ ક્રિકેટર કિરણ મોરે, અમુલ જીકાર, અનંત ઇન્દુલકર, અમર પેટીવાલાને બરોડા ક્રિકેટ એસોસિએશનના હોદ્દેદારો માટેની ચૂંટણી લડવા અયોગ્ય જાહેર કર્યા છે.

2026-03-16 11:16:47

સુરતમાં અમદાવાદની સેવન્થ ડે જેવી ઘટના

સુરતમાં સેવન્થ ડે જેવી ઘટના બની હતી. શહેરના પાંડેસરા વિસ્તારમાં ચાર વિદ્યાર્થીઓએ એક વિદ્યાર્થી પર છરી વડે હુમલો કર્યો હતો. ઘટનાને લઈ ચકચાર મચી ગઈ હતી.

2026-03-16 10:15:06

ગોંડલના વાતાવરણમાં આવ્યો પલટો

હવામાન વિભાગની આગાહી મુજબ, ગોંડલના વાતાવરણમાં પલટો આવ્યો છે. સવારથી જ વાદળછાયું વાતાવરણ છે. જેના કારણે ખેડૂતોની ચિંતા વધી ગઈ છે.

2026-03-16 08:27:36

સ્ટ્રેટ ઓફ હોર્મુઝને ખોલવા માટે અમેરિકાએ કમર કસી

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા તણાવની અસર ખાસ કરીને દરિયાઈ વેપાર પર જોવા મળી રહી છે. ત્યારે હવે અમેરિકી રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સ્ટ્રેટ ઓફ હોર્મુઝને ખોલવા માટેની તૈયારી કરતાં નજરે ચડયા છે. આ માટે ટ્રમ્પ એક વૈશ્વિક ગઠબંધન બંવવની વિચારણા કરી રહ્યા છે, જેમાં સમાવેશ થનાર દેશોના જહાજોને કાઢવા માટે અમેરિકા યુદ્ધ જહાજ મોકલી શકે છે. જો કે આ યોજનામાં હજુ સુધી કોઈ પણ દેશે હોંકારો ભણ્યો નથી.

2026-03-16 08:27:06

ઓડિશાની SCB મેડિકલ કોલેજમાં આગ, 10ના મોત

કટકઃ સોમવારે વહેલી સવારે ઓડિશાના કટકમાં એસસીબી મેડિકલ કોલેજ અને હોસ્પિટલના ટ્રોમા કેર વિભાગમાં ભીષણ આગ લાગવાથી ગભરાટ ફેલાયો હતો. સૂત્રોના જણાવ્યાં પ્રમાણે આગની આ ઘટનામાં 10 લોકોના મોત થયા છે. રાજ્યના મુખ્ય પ્રધાન મોહન માઝી હોસ્પિટલની પહોંચ્ચીને દર્દીઓ સાથે વાત કરી હતી.

2026-03-16 08:25:58

નેપાળમાં પેટ્રોલ-ડીઝલ અને ગેસ સિલિન્ડર થયા મોંઘા


મધ્યપૂર્વમાં ચાલી રહેલા યુદ્ધની અસર અનેક દેશો પર થઈ રહી છે. નેપાળમાં પણ પેટ્રોલ-ડીઝલ અને ગેસ સિલિન્ડરના ભાવમાં વધારે થયો છે. નેપાળ ઓઈલ નિગમે પેટ્રોલના ભાવમાં 31 રૂપિયા,  ડીઝલના ભાવમાં 54 રૂપિયા અને ગેસ સિલિન્ડરના ભાવમાં 296 રૂપિયાનો વધારો કર્યો છે. ક્રુડ ઓઈલની અછતના કારણે પેટ્રોલ-ડીઝલ અને ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો થયો છે.