Thu May 14 2026

Logo

બ્રેકિંગ ન્યૂઝ :13 May 2026 દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો

2026-05-13 07:57:31
Author: Mumbai Samachar Team
Article Image

દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો. રાજકારણ, વેપાર, રમતગમત, મનોરંજન અને ટેકનોલોજી સહિતના તમામ ક્ષેત્રની ઝડપી અને સચોટ માહિતી માટે અહીં અપડેટ રહો.

Live Updates

2026-05-13 22:35:10

પુરુષોની ટીમમાં મહિલા કોચઃ ટેસ્ટના ઇતિહાસમાં પ્રથમ બનાવ

ઇંગ્લૅન્ડના ક્રિકેટ બોર્ડે નૅશનલ ટેસ્ટ ટીમના ફીલ્ડિંગ-કોચ તરીકે ઇંગ્લૅન્ડની જ ભૂતપૂર્વ મહિલા વિકેટકીપર સારા ટેલરની નિયુક્તિ કરી છે. મેન્સ ટેસ્ટ ટીમમાં કોઈ મહિલાને કોચ તરીકે નીમવામાં આવી હોય એવો આ પહેલો જ કિસ્સો છે. 37 વર્ષની સારા 226 આંતરરાષ્ટ્રીય મૅચ રમી હતી અને તે મહિલા જગતની શ્રેષ્ઠ વિકેટકીપર્સમાં ગણાય છે. તે ચોથી જૂને ન્યૂ ઝીલૅન્ડ સામે શરૂ થનારી સિરીઝની પ્રથમ ટેસ્ટથી બેન સ્ટૉક્સની કૅપ્ટન્સીવાળી ઇંગ્લૅન્ડની ટીમને ફીલ્ડિંગમાં કોચિંગ આપશે.

2026-05-13 22:05:41

કેન્દ્ર સરકારે સીબીઆઈ ડિરેક્ટર પ્રવીણ સૂદનો કાર્યકાળ ફરી એક વર્ષ માટે લંબાવ્યો

કેન્દ્ર સરકારે સીબીઆઈના ડિરેક્ટર પદ માટે ચર્ચા કર્યા બાદ આજે સીબીઆઈ ડિરેક્ટર પ્રવીણ સૂદનો કાર્યકાળ ફરી એક વર્ષ માટે લંબાવ્યો છે. પ્રવીણ સૂદ 25 મે, 2023 ના રોજ બે વર્ષના કાર્યકાળ માટે સીબીઆઈ ડિરેક્ટર તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો. જ્યારે તેમને વર્ષ 2025માં એક વર્ષનો કાર્યકાળ વધારવામાં આવ્યો હતો. જ્યારે બીજી વાર કાર્યકાળ વધારાતા તે હવે વર્ષ 2027 સુધી આ પદ પર રહેશે.

2026-05-13 21:22:34

અમૂલ બાદ હવે મધર ડેરીએ પણ દૂધના ભાવમાં લિટરે રૂપિયા 2 સુધીનો વધારો કર્યો

દેશમાં સતત વધી રહેલી  મોંધવારી વચ્ચે  દૂધના ભાવમાં પણ વધારો થયો છે. અમૂલ બાદ હવે  મધર ડેરીએ પણ દૂધના ભાવમાં વધારો કરવાની જાહેરાત કરી છે. કંપનીએ દૂધના ભાવમાં પ્રતિ લિટર રૂપિયા 2 સુધીનો વધારો કર્યો છે. નવા ભાવ 14 મેથી અમલમાં આવશે.

2026-05-13 20:50:21

બેંગ્લૂરુ ટૉસ જીત્યું, બન્ને ટીમમાં ફેરફાર

કોલકાતા સામે રાયપુરમાં વરસાદના વિઘ્ન બાદ શરૂ થયેલી 20-20 ઓવરની મૅચ માટે બેંગ્લૂરુએ ટૉસ જીતીને પ્રથમ ફીલ્ડિંગ કરવાનું નક્કી કર્યું છે. કૅપ્ટન રજત પાટીદારના જણાવ્યા મુજબ તેની ટીમમાં રોમારિયો શેફર્ડના સ્થાને વેન્કટેશ ઐયરને ટીમમાં સમાવાયો છે. બીજું, સુયશ શર્માના સ્થાને જૅકબ ડફીને ફરી ટીમમાં સ્થાન મળ્યું છે. કૅપ્ટન રહાણેએ કહ્યું છે કે કોલકાતાની ટીમમાં ઈજાગ્રસ્ત વરુણ ચક્રવર્તીના સ્થાને વિદર્ભના નવા પેસ બોલર સૌરભ દુબેને ડેબ્યૂ કરવાની તક મળી છે.

2026-05-13 20:11:46

8.30 વાગ્યે ટૉસ, 8.45 વાગ્યે મૅચનો આરંભઃ 20-20 ઓવર રમાશે

છત્તીસગઢના રાયપુરમાં વરસાદને કારણે બેંગ્લૂરુ-કોલકાતા વચ્ચેની મૅચ શરૂ નથી થઈ શકી, પરંતુ એક અપડેટ આવ્યું છે જે મુજબ 8.30 વાગ્યે ટૉસ થશે અને 8.45 વાગ્યે પહેલો બૉલ ફેંકવામાં આવશે. હાલની સ્થિતિ મુજબ આ મૅચમાં 20-20 ઓવર રાખવાનું નક્કી કરાયું છે.

2026-05-13 20:00:51

કંડલા પોર્ટ પર જહાજમાં ઝેરી ગેસની અસરથી ત્રણ શ્રમિકોના મોત

કચ્છના કંડલા પોર્ટ પર જહાજમાં દુર્ઘટના સર્જાઇ છે. જેમાં દીનદયાલ પોર્ટ (કંડલા) પરની જેટી નંબર-13 પર લાંગરવામાં આવેલા લાકડા ભરેલા એક જહાજમાં કામ કરી રહેલા ત્રણ શ્રમિકોના ઝેરી ગેસની અસરને કારણે શંકાસ્પદ મોત નીપજ્યા છે. આ ઘટનાને પગલે પોર્ટ પર કામ કરતા મજૂરોમાં ભારે ફફડાટ અને રોષ જોવા મળી રહ્યો છે.

2026-05-13 20:00:24

સીએમ વિજયને સમર્થન આપનારા વિદ્રોહી ધારાસભ્યોને AIADMKએ પદ પરથી દૂર કર્યા

તમિલનાડુમાં સીએમ થલાપતિ વિજયને વિધાનસભા ગૃહના બહુમત સાબિત કરવા સમર્થન આપનારા એઆઇએડીએમકેના વિદ્રોહી ધારાસભ્યોને પક્ષે તેમના પદ પરથી દૂર કર્યા છે. જેમાં એઆઇએડીએમકેના પ્રમુખ પલાની સ્વામીએ એસ.પી. વેલુમાણી અને સી.વી. શનમુગમ સહિત અનેક નેતાઓ વિરુદ્ઘ કાર્યવાહી કરી હતી.

2026-05-13 19:23:21

રાયપુરમાં વરસાદને લીધે આઉટફીલ્ડ ભીનું, બેંગ્લૂરુ-કોલકાતા મૅચ વિલંબમાં

ડિફેન્ડિંગ ચૅમ્પિયન બેંગ્લૂરૂ અને ત્રણ ટાઇટલ જીતી ચૂકેલા કોલકાતા વચ્ચે છત્તીસગઢના રાયપુરમાં આજે આઇપીએલની 57મી મૅચ છે, પરંતુ વરસાદ પડવાને કારણે આઉટફીલ્ડ હજી ભીનું હોવાથી ટૉસ નથી થઈ શક્યો. જો વધુ વરસાદ નહીં પડે તો અમ્પાયરો રાત્રે 8.15 વાગ્યે પિચ અને મેદાનનું નિરીક્ષણ કરશે અને ક્યારે મૅચ શરૂ કરવી અને કેટલી ઓવર રાખવી એ નક્કી કરશે. ટૉસ મહત્ત્વનો બની રહેશે. સામાન્ય રીતે ટૉસ જીતનારી ટીમ ફીલ્ડિંગ પસંદ કરે છે અને તેના જીતવાના વધુ ચાન્સ હોય છે. જોકે મુંબઈ-રાજસ્થાન મૅચમાં એવું નહોતું બન્યું. રાજસ્થાનની ટીમ ટૉસ હારી ગઈ હતી, પ્રથમ બૅટિંગ કરી હતી અને એ મૅચ રાજસ્થાને જ જીતી લીધી હતી. આજની મૅચની બેમાંથી એક ટીમ બેંગ્લૂરુ 14 પૉઇન્ટ સાથે બીજા નંબરે છે, જ્યારે નવ પૉઇન્ટ ધરાવતી કોલકાતાની ટીમ આઠમા નંબરે છે અને પ્લે-ઑફ માટે ઝઝૂમી રહી છે.

2026-05-13 19:12:04

મિડલ ઈસ્ટમાં તણાવ વચ્ચે અમેરિકા IRGCના ફાયનાન્સિયલ નેટવર્કને તોડવા સક્રિય

મિડલ ઈસ્ટમાં ઈરાન અને અમેરિકા વચ્ચે સંઘર્ષ ચાલી રહ્યો છે. જેમાં હવે અમેરિકાએ ઈરાનના સૈન્ય આઇઆરજીસીના (IRGC)નેટવર્કને તોડવા નવી રણનીતિ અપનાવી છે. જેમાં યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે આઇઆરજીસીના ફાયનાન્સિયલ નેટવર્ક સુધી પહોંચાડતી માહિતી માટે 15 મિલિયન ડોલર( 143 કરોડ ભારતીય રૂપિયા) સુધીના ઇનામની જાહેરાત કરી છે.

2026-05-13 17:37:32

NEET પેપર લીક કેસમાં મોટો ખુલાસો, 10 વિદ્યાર્થીઓને સંભિવત પેપર્સ  વેચ્યા હતા

દેશના NEET પેપર લીક કેસની સીબીઆઇ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. આ દરમિયાન આરોપી દિનેશે મોટો ખુલાસો કર્યો છે. દિનેશે 10 વિદ્યાર્થીઓને  સંભિવત(Guess Paper)સવાલો સાથેના પેપર્સ  વેચ્યા હતા. તેમની પાસેથી રોકડા નાણાં લીધા હતા. દિનેશે પોતાના નાણાં નીકાળવા માટે આ પેપર્સ વેચ્યા હતા.

2026-05-13 16:53:53

આરબીઆઈ ગવર્નરનું મોટું  નિવેદન, ક્રુડ ઓઈલ મોંધુ રહેશે તો પેટ્રોલ ડીઝલના ભાવ વધશે

દેશમાં પીએમ મોદીની ઇંધણ બચાવવાની અપીલ વચ્ચે આરબીઆઈ ગવર્નર સંજય મલ્હોત્રાએ મોટું નિવેદન આપ્યું છે.તેમણે કહ્યું છે કે જો મિડલ ઇસ્ટમાં તણાવ નહી ઘટે અને ક્રુડ ઓઈલ મોંધુ રહેશે તો દેશમાં ઇંધણના ભાવમાં વધારો અનિવાર્ય છે. મિડલ ઇસ્ટ સંઘર્ષ દેશની ઉર્જા બચત પર દબાણ વધારી રહ્યો છે.

2026-05-13 16:08:29

એર ઈન્ડિયાએ દૈનિક ફ્લાઇટની સંખ્યા ઘટાડી, 100 ફલાઈટ રદ

એર ઈન્ડિયાએ દૈનિક ફ્લાઇટની સંખ્યામાં ઘટાડો કરવાનો મોટો નિર્ણય લીધો છે. જેમાં અનેક આંતરરાષ્ટ્રીય રૂટ પર ફ્લાઇટ સેવા સ્થગિત કરશે.ફ્લાઇટમાં જૂન માસ સુધી તબક્કાવાર કાપ મૂકવામાં આવશે. તેમજ અનેક શહેરો માટે ફલાઇટની સંખ્યા ઘટાડવામાં આવશે. એર ઈન્ડિયાએ 100 ફ્લાઇટ રદ કરી છે.

2026-05-13 16:07:31

20 મેના હડતાળ પર જશે કેમિસ્ટ

આગામી 20 મેના દેશભરના લગભગ 12.4 લાખથી વધુ કેમિસ્ટ હડતાળ પર જશે, જેને કારણે દેશમાં દવાના વેચાણ પર અસર થઈ શકે છે. ઓનલાઈન દવાઓના વધતા વેચાણ અને ડિસ્કાઉન્ટ આપનાર ઈ-ફાર્મસી કંપનીઓની સામે હડતાળ પર જવાની જાહેરાત કરી.

2026-05-13 15:28:39

પશ્ચિમ બંગાળના સીએમ સુવેન્દુ અધિકારી ભવાનીપુર બેઠક જાળવી રાખશે, નંદીગ્રામ પરથી રાજીનામું આપશે

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારીએ જાહેરાત કરી કે તે ભવાનીપુર વિધાનસભા બેઠક જાળવી રાખશે. આ બેઠક પરથી તેમણે મમતા બેનર્જીને 15,000 મતથી  હરાવ્યા હતા. જોકે, તેમણે બીજી જીતેલી નંદીગ્રામ બેઠક પરથી રાજીનામું આપશે.

2026-05-13 13:32:15

બિરેન વૈષ્ણવે ગુજરાતના લોકાયુક્ત તરીકે શપથ લીધા

ગુજરાતના રાજ્યપાલ  આચાર્ય દેવવ્રતેગાંધીનગર સ્થિત લોકભવન ખાતે સેવાનિવૃત્ત ન્યાયમૂર્તિ બિરેન વૈષ્ણવને ગુજરાત રાજ્યના લોકાયુક્ત તરીકેના શપથ લેવડાવ્યા હતા. આ શપથવિધિ સમારોહમાં મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ, વિધાનસભાના અધ્યક્ષ  શંકરભાઈ ચૌધરી, નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવી,  પ્રધાન મંડળના સભ્યો તેમજ વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

2026-05-13 12:15:49

સુપ્રીમ કોર્ટ પહોંચ્યું FAIMA, પૂર્વ જજની અધ્યક્ષતાવાળી સમિતિ પાસે રિ-એક્ઝામની માંગ

નીટ યુજી પરીક્ષા રદ થયા બાદ ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા મેડિકલ એસોસિએશન (FAIMA) એ સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવ્યા છે. તેમણે માંગ કરી છે કે નીટ અંડર ગ્રેજ્યુએટની રી-એક્ઝામ સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જજની દેખરેખ હેઠળ બનેલી સમિતિના નેતૃત્વમાં કરાવવામાં આવે.

2026-05-13 10:56:57

મંદિર હોય કે મસ્જિદ જોરથી નહીં વાગે લાઉડસ્પીકરઃ શુભેન્દુનો આદેશ

પશ્ચિમ બંગાળમાં સત્તા પરિવર્તનની સાથે જ લાઉડસ્પીકરના નિયમો અંગે નવી ગાઈડલાઈન્સ જાહેર કરવામાં આવી છે. શુભેન્દુ અધિકારીએ સરકારે પોલીસ વિભાગને નિર્દેશ આપ્યો છે કે કોઈ પણ ધાર્મિક સ્થળ, પૂજા કે જાહેર કાર્યક્રમોમાં હાઈકોર્ટના માપદંડોનું ઉલ્લંઘન સહન કરવામાં આવશે નહીં.

2026-05-13 10:28:27

સુરતથી બાબરા જતી બસ પલટી

બોટાદના ગઢડા રોડ પર ખાનગી લકઝરી બસ પલટી ખાતા 15 લોકોને ગંભીર ઈજા પહોંચી હતી. આ બસ સુરતથી બાબરા જઈ રહી હતી. ઈજાગ્રસ્તોને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતાં. ગઢડા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને વધુ તપાસ હાથ ધરી હતી.

2026-05-13 09:50:02

મીડિયા પર લાલઘૂમ થયા ડોનાલ્ડ ટ્રમ્પ

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે મીડિયા પર નિશાન સાધતા કહ્યું કે, મીડિયા યુદ્ધમાં ઈરાનને ખોટી દિશા આપી રહ્યું છે અને તેની મદદ કરી રહ્યું છે. તેમણે દાવો કર્યો હતો કે ઈરાનની આર્મી, નેવી અને એરફોર્સ સંપૂર્ણપણે નબળી પડી ગઈ છે અને અમેરિકા કોઈપણ સંજોગોમાં આ યુદ્ધ જીતશે.

2026-05-13 08:20:16

રાજ્યમાં 72 IAS અધિકારીઓની બદલી

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂરી થયા બાદ રાજ્યમાં ફરી બદલીનો દોર શરૂ થયો છે. 72 IAS અધિકારીઓની બદલી કરવામાં આવી છે.