નવી દિલ્હીઃ દેશમાં મોસમનો બેવડો મિજાજ જોવા મળી રહ્યો છે. ક્યાંક ભીષણ ગરમીથી લોકો પરેશાન છે તો ક્યાંક આંધી, વરસાદે કહેર મચાવ્યો છે. હવામાન વિભાગ મુજબ 16 મેની આસપાસ દક્ષિણ-પશ્ચિમ ચોમાસું આંદામાન સાગર અને દક્ષિણ બંગાળની ખાડીના કેટલાક ભાગોમાં આગળ વધી શકે છે. આ સાથે જ, આ અઠવાડિયા દરમિયાન ઉત્તર-પશ્ચિમ, પશ્ચિમ અને મધ્ય ભારતના કેટલાક ભાગોમાં આગામી કેટલાક દિવસો સુધી ભીષણ હીટવેવની સ્થિતિ યથાવત રહેવાની શક્યતા છે. આ દરમિયાન, લોકોને બપોરના સમયે તડકામાં નીકળવાનું ટાળવા અને પૂરતા પ્રમાણમાં પાણી પીવાની સલાહ આપવામાં આવી છે. ઉત્તર-પૂર્વ ભારતમાં 13 થી 19 મે દરમિયાન ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે પુડુચેરી, કરાઈકલ, કેરળ, તમિલનાડુ, અને દક્ષિણ કર્ણાટકમાં 13 થી 17 મે વચ્ચે ઘણા સ્થળોએ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.
ગુજરાતમાં કેવું રહેશે હવામાન
હવામાન વિભાગની આગાહી પ્રમાણે, ગુજરાતમાં આજે કચ્છ અને સુરેન્દ્રનગરમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. અહીં આગ ઓકતી ગરમી પડવાની આગાહી છે. આ સાથે દ્વારકા, રાજકોટ, અમરેલી, બોટાદ, અમદાવાદ, વડોદરા, ગાંધીનગર, પાટણ, બનાસકાંઠામાં યલો એલર્ટ સાથે હીટવેવની આગાહી આપવામાં આવી છે. ગુજરાતના અનેક વિસ્તારોમાં આગામી બે દિવસ 41થી 45 ડિગ્રી તાપમાન રહેવાનું અનુમાન છે. 48 કલાક બાદ પવનની દિશા બદલાઈ શકે છે. 48 કલાક બાદ ધીમે ધીમે બેથી ચાર ડિગ્રી તાપમાન ઓછું થઈ શકે છે.
આ વર્ષે ચોમાસાની શરૂઆત પહેલાં જ પૂર્વ-ચોમાસાની હવામાન પ્રવૃત્તિ જોવા મળી રહી છે. દક્ષિણ બંગાળની ખાડી અને આંદામાન અને નિકોબાર ક્ષેત્રમાં ચોમાસાની પ્રવૃત્તિના પ્રારંભિક સંકેતોએ સમગ્ર દક્ષિણ ભારતમાં હવામાન પરિસ્થિતિઓમાં ઝડપથી ફેરફાર કર્યા છે. કેરળ, તમિલનાડુ અને કર્ણાટકના કેટલાક ભાગોમાં ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. દરમિયાન, ઉત્તરપૂર્વ ભારતમાં, સતત વાદળછાયું વાતાવરણ અને વરસાદે ઉનાળાની ગરમીની તીવ્રતાને ઓછી કરવામાં મદદ કરી છે. તેનાથી વિપરીત, રાજસ્થાન, ગુજરાત અને મધ્યપ્રદેશના કેટલાક પ્રદેશોમાં હીટવેવની સ્થિતિ યથાવત છે.
હવામાનશાસ્ત્રીઓ માને છે કે, બંગાળની ખાડી અને અરબી સમુદ્રની આસપાસ વિકસિત હવામાન પ્રણાલીઓ સમગ્ર ઉત્તર ભારતની હવામાન પેટર્નને પ્રભાવિત કરી રહી છે. પરિણામે, જ્યારે લોકો ભીષણ ગરમીથી થોડી રાહતની અપેક્ષા રાખી શકે છે, ત્યારે વીજળી, કરા પડવા અને અચાનક હવામાન બગડવાનું જોખમ એક સાથે વધ્યું છે.
બંગાળની ખાડીમાં હવાનું હળવું દબાણ સક્રિય થયું છે. જેના પગલે માછીમારોને 14 થી 18 મે દરમિયાન દક્ષિણ-પશ્ચિમ બંગાળની ખાડી, આંદામાન સમુદ્ર અને મધ્ય બંગાળની ખાડીમાં ન જવાની સલાહ આપવામાં આવી છે. આ વિસ્તારોમાં 40-50 કિમીથી લઈને 60 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.
દિલ્હીમાં આજે હળવો છૂટોછવાયો વરસાદ પડી શકે છે. ઉત્તર પ્રદેશના અનેક જિલ્લામાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. આ દરમિયાન 30 થી 60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. બિહારમાં 14 થી 17 મે સુધી હળવો વરસાદ અને આંધી-તોફાન રહેશે. હિમાચલ પ્રદેસમાં 15 અને 16 મેના રોજ વરસાદ અને ઊંચાણવાળા વિસ્તારમાં બરફ વર્ષા થઈ શકે છે.
રાજસ્થાનમાં ભીષણ ગરમી અને લૂનો પ્રકોપ જોવા મળશે. હવામાન વિભાગે પશ્ચિમ રાજસ્થાનમાં 15 મે સુધી તથા અન્ય વિસ્તારમાં 18 મે સુધી હીટવેવનું એલર્ટ જાહેર કર્યું છે. પંજાબમાં બેવડું વાતાવરણ જોવા મળશે. અનેક વિસ્તારમાં ગાજવીજ સાથે હળવો વરસાદ અને ભારે પવન ફૂંકાશે. જ્યારે બોર્ડર વિસ્તારમાં આંધીની અસર જોવા મળશે.