Fri Jun 12 2026

Logo

બ્રેકિંગ ન્યૂઝ: 12 June 2026 દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો

2026-06-12 08:03:00
Author: Mumbai Samachar Team
Article Image

દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો. રાજકારણ, વેપાર, રમતગમત, મનોરંજન અને ટેકનોલોજી સહિતના તમામ ક્ષેત્રની ઝડપી અને સચોટ માહિતી માટે અહીં અપડેટ રહો.

Live Updates

2026-06-12 13:46:30

ભૂપેન્દ્ર પટેલ, હર્ષ સંઘવીએ વિજય રૂપાણીની પ્રથમ પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ પાઠવી

અમદાવાદ વિમાન દુર્ઘટનાને આજે એક વર્ષ થયું છે. આ દુર્ઘટનામાં રાજ્યમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું નિધન થયું હતું. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ વિજય રૂપાણીની પ્રથમ પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ પાઠવી હતી. ભૂપેન્દ્ર પટેલે લખ્યું, ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની પુણ્યતિથિએ તેમને ભાવભરી સ્મરણાંજલિ અર્પણ કરું છું. સ્વ. વિજયભાઈનું સૌમ્ય, સંવેદનશીલ અને સાદગીભર્યું વ્યક્તિત્વ, ગુજરાતની વિકાસયાત્રામાં પારદર્શક અને નિર્ણાયક નેતૃત્વ થકી તેઓએ આપેલું યોગદાન, તેમજ ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ તરીકે તેમની કામગીરી સદૈવ સ્મરણીય રહેશે. જ્યારે હર્ષ સંઘવીએ લખ્યું, રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી, ગુજરાત ભાજપના વરિષ્ઠ નેતા, વિનમ્ર વ્યક્તિત્વ આદરણીય વિજયભાઈ રૂપાણીજીની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ.

2026-06-12 11:51:27

ચોટીલા પોલીસ સ્ટેશનના PI, PSI સહિત 4 પોલીસકર્મી સસ્પેન્ડ

ચોટીલા પોલીસ સ્ટેશનના પી.આઈ. જે.એન.સોલંકી, પીએસઆઈ બી.એન.ગલચર અને અન્ય બે પોલીસકર્મીઓ દિલીપભાઈ મંજરીયા તથા નરેન્દ્રસિંહ પરમારને ફરજમાં બેદરકારી અને ગંભીર આક્ષેપોના પગલે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. બે દિવસ પહેલા  એક હોટલ પર વિજિલન્સ ટીમે આકસ્મિક દરોડા પાડ્યા હતા. આ દરોડા દરમિયાન હોટલમાંથી કેમિકલનો જથ્થો મળી આવ્યો હતો. આ સમગ્ર મામલામાં ચોટીલા પોલીસની ભૂમિકા શંકાસ્પદ જણાતા અને ફરજમાં બેદરકારી દાખવવા બદલ આ કાર્યવાહી કરવામાં આવી છે.

2026-06-12 10:15:01

નિશાનેબાજ જસપાલ રાણાનું 49 વર્ષની વયે હાર્ટ એટેકથી નિધન

જાણીતા ભારતીય નિશાનેબાજ જસપાલ રાણાનું 49 વર્ષની વયે હાર્ટ એટેકથી નિધન થયું હતું. તેઓ મનુ ભાકરના કોચ હતા.

2026-06-12 08:57:03

પેટ્રોલ-ડીઝલ પર સરકારનો મોટો નિર્ણય, ખરીદવાની લિમિટ નક્કી; આ લોકોને નહીં મળે પેટ્રોલ પંપથી ડીઝલ

સરકારે દેશમાં ઈંધણના વેચાણ અને વિતરણને લઈને એક ખૂબ જ મહત્વનો નિર્ણય લીધો છે. સરકાર તરફથી બહાર પાડવામાં આવેલા નવા જાહેરનામા (નોટિફિકેશન) મુજબ, હવે રિટેલ આઉટલેટ પરથી મોટર સ્પિરિટ (પેટ્રોલ) અને હાઈ-સ્પીડ ડીઝલ (HSD)ના વેચાણ પર નવા પ્રતિબંધો લાદવામાં આવ્યા છે. આ નવા નિયમો હેઠળ, કોઈ પણ વાહન અથવા ગ્રાહક એક દિવસમાં પેટ્રોલ પંપ પરથી 200 લીટરથી વધુ હાઈ-સ્પીડ ડીઝલ ખરીદી શકશે નહીં. આ સાથે જ કોમર્શિયલ (વ્યાપારી) અને સંસ્થાકીય ગ્રાહકો માટે સીધા રિટેલ પેટ્રોલ પંપ પરથી ઈંધણ ખરીદવા પર રોક લગાવી દેવામાં આવી છે. આ આખી વ્યવસ્થા શરૂઆતના તબક્કે આગામી 90 દિવસ સુધી લાગુ રહેશે.

2026-06-12 08:04:51

અમદાવાદ વિમાન દુર્ઘટનાને એક વર્ષ પૂર્ણ

અમદાવાદ વિમાન દુર્ઘટનાને આજે એક વર્ષ પૂર્ણ થયું છે.અમદાવાદથી લંડન જઈ રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટ AI-171 બપોરે 1.38 વાગ્યાની આસપાસ ટેક-ઓફ કર્યાની 32 સેકન્ડની અંદર જ ક્રેશ થઈ હતી અને પ્રચંડ વિસ્ફોટ સાથે આગના ગોળામાં ફેરવાઈ ગઈ હતી.  પ્લેન ક્રેશમાં 260 લોકોના મોત થયા હતા, જેમાં 180 ભારતીય મુસાફરો, ક્રૂ મેમ્બર્સના 19 સભ્ય, આશરે 50 બ્રિટિશ નાગરિકો, પોર્ટુગીઝ અને કેનેડિયન નાગરિકો પણ સામેલ હતા.