અમદાવાદઃ ગુજરાતમાં ટૂંક સમયમાં ચિત્તાનું આગમન થશે. જે બાદ રાજ્યમાં સિંહ, દીપડા, વાઘ અને ચિત્તા એમ ચારેયની હાજરી જોવા મળશે. રાજ્યમાં ચિત્તાને લાવવા નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી (NTCA) એ મંજૂરી આપી છે. આવનારા દિવસોમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે બન્નીના વિસ્તારમાં પ્રથમ તબક્કે 3 થી 4 ચિત્તાઓને મુક્ત કરવા માટે વનવિભાગ દ્વારા યુદ્ધના ધોરણે આખરી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જે અંતર્ગત ભાવનગરના વેળાવદર અને ભાલ વિસ્તારમાંથી આશરે 500 કાળિયારને કચ્છના બન્ની ગ્રાસલેન્ડ વિસ્તારમાં છોડવામાં આવશે.
કેમ લેવામાં આવ્યો નિર્ણય
સૂત્રોએ જણાવ્યું હતું કે, બન્નીમાં હાલમાં મોટા હિંસક પ્રાણીઓને નભાવી રાખવા માટે શિકારની સંખ્યા પૂરતી નથી. આવાસની તૈયારીના ભાગરૂપે અગાઉથી જ ચિત્તલ અને સાબર જેવી પ્રજાતિઓ ત્યાં છોડી છે અને હવે તેઓ કાળિયાર પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે, જે ચિત્તાનો સૌથી મનપસંદ શિકાર માનવામાં આવે છે.

કાળિયારની ક્યાં છે સૌથી વધુ વસતી
કેન્દ્ર અને ગુજરાત સરકાર સંયુક્ત રીતે બન્ની ગ્રાસેલન્ડમાં ચિત્તાઓ માટે ભારતનું પ્રથમ કેપ્ટિવ બ્રીડિંગ એન્ડ કન્ઝર્વેશન સેન્ટર વિકસાવી રહ્યા છે. કાળિયાર વલ્લભીપુર, સિહોર, ધોલેરા, વેળાવદર અને સમગ્ર ભાલ વિસ્તારના 32 ગામોમાં જોવા મળે છે, અને નવીનતમ ગણતરી મુજબ તેમની વસ્તી આશરે 6,300 ની આસપાસ છે.
બન્નીની ઈકો સિસ્ટમ થશે મજબૂત
સૂત્રોએ જણાવ્યું હતું કે, અમને કેન્દ્ર સરકાર તરફથી કાળિયારને બન્નીમાં સ્થળાંતર કરવાની મંજૂરી મળી ગઈ છે. ભાવનગરના રેવન્યુ વિસ્તારોમાં રહેતા કાળિયારો માનવીય દખલગીરીનો સામનો કરી રહ્યા છે. આ નિર્ણય બંને પક્ષે ફાયદાકારક સાબિત થશે. કારણ કે કાળિયારને નવું આવાસ મળશે અને સાથે જ બન્નીની ઇકોસિસ્ટમ મજબૂત થશે.
આ ઉપરાંત સૂત્રોએ ઉમેર્યું કે, બન્નીની ઘાસભૂમિની ઇકોસિસ્ટમ ભાલ વિસ્તારને ઘણી મળતી આવે છે. રેવન્યુ વિસ્તારોમાં રહેતા કાળિયારો પર અનેક પ્રકારના જોખમો છે, જેમાં રખડતા શ્વાનોના હુમલા, ધોલેરાની આસપાસ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ, મીઠાના અગરોનું વિસ્તરણ અને ખેતીની જમીનનું બિન-ખેતીમાં રૂપાંતર સામેલ છે.
બન્નીમાં ક્યારે આવશે ચિત્તા
ચિત્તાઓની પ્રથમ બેચ જેમાં ત્રણ ચિત્તા સામેલ છે, તેઓ ચોમાસા દરમિયાન બન્ની પહોંચે તેવી સંભાવના છે. આ પ્રાણીઓ હાલમાં કુનો ખાતે એક વિશેષ સુવિધામાં ફરજિયાત ક્વોરેન્ટાઇન અને આઇસોલેશન પ્રક્રિયામાંથી પસાર થઈ રહ્યા છે. આ ઉપરાંત દક્ષિણ આફ્રિકાથી પણ ચિત્તાઓ લાવવાની યોજના છે.
614 હેક્ટરમાં ચિત્તા સંરક્ષણ સેન્ટર કરાયું છે તૈયાર
બન્ની પંથકમાં વનવિભાગ દ્વારા હાલમાં 614 હેક્ટરમાં અત્યાધુનિક ‘ચિત્તા સંરક્ષણ સેન્ટર’ એટલે કે, બ્રીડિંગ એન્ડ કન્ઝર્વેશન સેન્ટર ઊભું કરવામાં આવ્યું છે. કચ્છમાં આ પ્રોજેક્ટ માટેની માળખાકીય સુવિધાઓ અગાઉથી જ સજ્જ હતી, પરંતુ રાષ્ટ્રીય વાઘ સંરક્ષણ સત્તામંડળ કુનોમાં ચિત્તાઓની વસ્તી સ્થિર થવાની રાહ જોઈ રહ્યું હતું. હવે ગ્રીન સિગ્નલ મળતાં જ કચ્છ માટે પ્રવાસન અને પર્યાવરણ ક્ષેત્રે નવો ઈતિહાસ રચવાનો માર્ગ મોકળો બન્યો છે.
ગાંડા બાવળ દૂર કરવાની કામગીરી છે શરૂ
સૂત્રો મુજબ 614 હેક્ટરના સંરક્ષણ વિસ્તારની હદ વધારીને 20,000 હેક્ટર કરવા માટેની વહીવટી પરવાનગી પણ મળી ચૂકી છે. ભવિષ્યમાં ચિત્તાઓની સંખ્યા વધારી શકાય તે હેતુથી આ વિસ્તારમાંથી ચોમાસા પૂર્વે જ બિનઉપયોગી ગાંડા બાવળો દૂર કરવાની કામગીરી મોટા પાયે શરૂ કરી દેવાઈ છે.