Fri Apr 17 2026

Logo

મુંબઈના મેયરની કાર પરની લાલ-બ્લુ લાઈટથી વિવાદ છેવટે લાઈટ હટાવી દેવામાં આવી...

2026-03-15 22:31:20
Author: Sapna Desai
Article Image

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ:  વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સરકારે દેશમાંથી ‘વીઆઈપી’ સંસ્કૃતિને તિલાંજલી આપવા માટે સામાન્ય સરકારી વાહનો પર લાલ લાઈટ, નામના બોર્ડ અને ધ્વજ જેવા ચિહ્ન બેસાડવા પર નવ વર્ષ પહેલા પ્રતિબંધ મુક્યો હતો ત્યારે   મુંબઈ મહાનગરપાલિકામાં ૪૪ વર્ષ બાદ સત્તા મેળવનારા ભાજપના મેયર રીતુ તાવડે દ્વારા જ આ નિયમનું ઉલ્લંઘન થતા ચોતરફથી ભાજપની ટીકા થતા ખુદ રાજ્યના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને મેયર રીતુ તાવડેના સમર્થનમાં આગળ આવીને સ્પષ્ટતા કરવાની નોબત આવી હતી.

મુંબઈના મેયરને મુંબઈ મહાનગરપાલિકા તરફથી ઉપલબ્ધ કરવામાં આવેલા સત્તાવાર વાહન  પર લાલ અને બ્લુ કલરની લાઈટને લઈને ભારે વિવાદ થયો હતો અને મેયર રીતુ તાવડે ફરી એક વખત વિવાદનું કેન્દ્ર બની ગયા હતા. અગાઉ વીઆઈપીઓની કાર પર બેસાડવામાં આવતી લાલ લાઈટને હટાવીને વીઆઈપી કલ્ચર બંધ કરી દેવામાં આવ્યું હોવા છતાં મેયરને આપવામાં આવેલી નવી કારના બોનેટ પર લાલ અને બ્લુ કાર લાગેલી હોવાને  મુદ્દે ભારે વિવાદ થતા ખુદ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને સ્પષ્ટતા કરવી પડી હતી. 

મુંબઈના મેયર રીતુ તાવડેને  મહાનગરપાલિકા પ્રશાસન તરફથી નવી આપવામાં આવેલી કાર પર લાલ અને બ્લુ લાઈટ બેસાડવામાં આવતા વિવાદ નિર્માણ થયો હતો. આ બાબતે સોશ્યલ મિડિયા સહિત અખબારમાં અહેવાલ આવ્યા બાદ રાજકીય સ્તરે પણ મેયર અને ભાજપની ભારે ટીકા થઈ હતી. એ બાદ પાલિકા પ્રશાસને મેયર સહિત  પાલિકા ઉચ્ચ પદાધિકારીઓના વાહન પરથી લાઈટ હટાવી દીધી હતી. તેમ જ આ સંદર્ભ પ્રશાસને પણ સ્પષ્ટતા કરી હતી.

કેન્દ્ર સરકારે સામાન્ય સરકારી વાહનો પર લાલ લાઈટ લગાડવા પર પ્રતિબંધ મુક્યો છે. જોકે ભાજપની સત્તા મુંબઈ મહાનગરપાલિકા પર આવતાની સાથે જ નિયમની ઐસીકી તૈસી કરીને મેયર સહિત તમામ પદાધિકારીઓના વાહનની આગળની બાજુએ બ્લુ અને લાલ લાઈટ બેસાડવામાં આવી હતી, તેના પર  ભારે ટીકા થઈ હતી.

એમા મેયરનો કોઈ વાંક નથી: ફડણવીસ
મેયરની ગાડી પરની લાઈટને મુદ્દે સોશ્યલ મિડિયા અને અખબારોમાં ભારે ટીકા થવાની સાથે જ ભાજપની પણ બદનામી થવાને ડરે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને ખુદને મેયરની તરફેણમાં ઝુકાવવું પડયું હતું. પક્ષની બદનામીને ડરે મુખ્ય પ્રધાને મોડેથી સ્પષ્ટતા કરી હતી કે આમાં મેયરનો  કોઈ દોષ નથી. કારણ વગર તેમને બદનામ કરવામાં આવી રહ્યા છે. તેમને નિયમોની જાણ છે. એમ પણ લાઈટ વાહનની છત પર નહીં પણ બોનેટ પર બેસાડવામાં આવી હતી.

વિપક્ષે આડે આડ લીધા
મેયરની ગાડી પર બેસાડવામાં આવેલી લાલ અને બ્લુ લાઈટને મુદ્દે વિપક્ષે પણ આકરી ટીકા કરી હતી. પાલિકામાં ઉદ્ધવની શિવસેનાના વિરોધપક્ષ નેતા અને  ભૂતપૂર્વ મેયર કિશોરી પેડણેકરે મેયરની ટીકા કરતા કહ્યું હતું કે તેઓ લાલ બત્તીની લાલચને રોકી શકયા નહીં. હું પણ મેયર હતી અને તેમને નિયમ સમજાવવામાં આવ્યા હતા, તે મુજબ તેઓએ પ્રોટોકોલનું પાલન કર્યું હતું પણ નવા ચૂંટાયેલા મેયર પ્રોટોકોલ બાબતે પૂરતી માહિતી લીધી નથી એવું જણાઈ આવે છે.

ગાડી પર લાઈટ બેસાડવાને મુદ્દે  નિયમ શું છે?
ભારત સરકારના ૧ મે, ૨૦૧૭ના ગેઝટ ઍક્ટ મુજબ સામાન્ય સરકારી વાહનો પર લાલ લાઈટ, નામનું બોર્ડ, ઝંડો અથવા કોઈ પણ અધિકાર દર્શાવનારા ચિહ્ન લગાડવા પર પ્રતિબંધ છે.  ફ્કત ફાયરબ્રિગેડ, પોલીસ, સંરક્ષણ દળ, અધસૈનિક દળ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેવા આપનારાવાહનોને વિશેષ પરિસ્થિતિમાં લાલ, બ્લુ, સફેદ અને રંગબેરંગી લાઈટ લગાડવાની મંજૂરી છે. વાહન કાયદેસરના કામ માટે તહેનાત ના હોય તો તેમને લાઈટ બેસાડવાની છૂટ નથી. આ નિયમનું ઉલ્લંઘન થાય તો પ્રશાસન આકરી કાર્યવાહી કરી શકે છે.