Thu Jul 23 2026

Logo

માંજલપુરમાં ભાજપની મોટી 'સરપ્રાઈઝ'! ચર્ચામાં નહોતું એ સતીષ પટેલનું નામ આવતા સૌ કોઈ ચોંક્યા!

2026-07-10 19:50:12
Author: Mumbai Samachar Team
Article Image

વડોદરા/ગાંધીનગરઃ ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ની તાસીર હંમેશાં સરપ્રાઈઝ આપવાની રહી છે. મુદ્દો પછી રાષ્ટ્રીયસ્તરનો હોય કે સ્થાનિક હોય. વડોદરાની માંજલપુર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી માટે ભાજપે ઉમેદવારનું નામ જાહેર કરવામાં આ જ યુક્તિ અપનાવી હતી. જેનું નામ ચર્ચામાં હતું એના કરતા જે નામ સામે આવ્યું એના પર સૌથી વધારે સરપ્રાઈઝ થયું છે. 
પક્ષના આ પ્રકારના અણધાર્યા નિર્ણયથી જેને ટિકિટની આશા હતી એમની ઈચ્છા પર ઠંડું પાણી રેડાઈ ગયું છે. આજે પાટનગર ગાંધીનગર ખાતે ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આ નામ ચર્ચાયું હોવાનું કેટલાક કદાવર નેતાઓ માની રહ્યા છે. એ પહેલા ગુરૂવારે મોડી રાત્રે જ ભાજપ હાઈકમાન્ડ દ્વારા સતીષ પટેલનું નામ જાહેર કરી દેવામાં આવ્યું હતું. આ નામ સામે આવતા અનેક લોકોને સરપ્રાઈઝ લાગી હતી. 

નામ અગાઉથી નક્કી હતું?
નામ સામે આવતા જ વડોદરાના રાજકારણમાં ચોમાસાની ઠંડકમાં ઉનાળા જેવો ગરમાવો આવી ગયો છે. માહોલ એવો છે કે, વડોદરાના પૂર્વ ધારાસભ્ય યોગેશ પટેલનું જૂનું નિવેદન ફરી ચર્ચામાં આવી ગયું હતું. સોશિયલ મીડિયામાં એ વાયુવેગે ફેલાતા રાજકીય લોબીમાં એક અલગ પ્રકારનો ગણગણાટ શરૂ થઈ ગયો હતો. આ પછી વાત મુખ્ય કાર્યાલય સુધી પહોંચી હતી જ્યાંથી નામની ચર્ચા કરવામાં આવી હોવાનું માનવામાં આવી રહ્યું છે. 

જોકે કોર્પોરેશનની ચૂંટણી વખતે પૂર્વ ધારાસભ્ય યોગેશ પટેલ કેટલીક માગ પણ ઊઠાવી હતી. માંજલપુરની બેઠક માટે ભાજપે એક સેન્સ પ્રક્રિયા શરૂ કરી હતી. જેમાં ઘણા નામ ચર્ચામાં હતા. 104 જેટલા સ્થાનિક અગ્રણીઓ તથા કાર્યકર્તાઓએ ટિકિટ માટે રસ દાખવ્યો હતો. આજે પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં કેટલાક નામ નક્કી મનાતા હતા. એના પછી વાત એવી સામે આવી કે, કેટલાક નામની પેનલ તૈયાર કરીને હાઈકમાન્ડને દિલ્હી મોકલાશે. પણ આ બેઠક પહેલા જ એક ઉમેદવારનું નામ ફાઈનલ થઈ ગયું હતું. આ કારણે અમુક કાર્યકર્તા અને અગ્રણી નેતા નિરાશ થયા હતા. 

નિરાશ થયેલાનું શું?
ચર્ચા એવી પણ હતી કે, સેન્સ પ્રક્રિયા માત્ર એક 'પ્રોસેસ' હતી. ઉમેદવારની પસંદગીને લઈને ફરીવાર આંતરિક અસંતોષને વેગ મળી રહ્યો છે. તો બીજી તરફ પક્ષની પારદર્શિતા સામે પણ સવાલ ઊભા થી રહ્યા છે. ટિકિટ ન મળતા કેટલાક ઉમેદવારો તથા સમર્થકોમાં એવી ચર્ચા છે કે, વ્હાલા-દવલાની પોલિસી ચાલુ થઈ ગઈ છે. ઉમેદવારનું નામ તો અગાઉથી જ નક્કી હતું. 
સમાન તકની વાતો વચ્ચે જાણીતા કરતા માનીતાને વધારે પસંદગી મળી રહેતી હોય છે. નામ ફાઈનલ થઈ જતા હવે ચૂંટણીનો ગણગણાટ શરૂ થઈ ગયો છે. ભાજપ આ પછી હવે પ્રચાર ઝુંબેશમાં શું રણનીતિ અપનાવશે એના પર સૌની નજર રહેલી છે આ સિવાય કદાવર અને અગ્રણી ગણાતા નેતાને કેવી રીતે ફરી મનાવશે એ જોવાનું છે.