Wed Jun 17 2026

Logo

રાપરની સગીરાના ગેરકાયદે ધર્મપરિવર્તન અને નિકાહ કેસમાં મોટી સફળતા: અજમેર દરગાહના કાઝીની રાજસ્થાનથી ધરપકડ

2026-06-17 15:23:00
Author: mumbai samachar team
Article Image

ભુજ: કચ્છના વાગડ પંથકના રાપરની એક સગીર વયની બાળકીનું ગેરકાયદેસર રીતે ધર્મપરિવર્તન કરાવી તેના નિકાહ પઢાવી દેવાના આંતરરાજ્ય રેકેટનો પર્દાફાશ કરવામાં રાપર પોલીસને મોટી સફળતા સાંપડી છે. સગીરાના નિકાહ કરાવી આપનાર મુખ્ય સુત્રધાર અને રાજસ્થાનની સુપ્રસિદ્ધ અજમેર દરગાહના કાઝી મોહમદ રમજાનની પોલીસે અજમેર ખાતેથી ધરપકડ કરી છે. આ ચકચારી કેસમાં ધર્મ સ્વાતંત્ર્ય વિરોધી કાયદા (લવ જેહાદ વિરોધી કાયદો) હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી છે.

પોલીસના સત્તાવાર સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ, રાપર પંથકની એક સગીરાને લલચાવી, ફોસલાવીને અથવા તો ડરાવી-ધમકાવીને અપહરણ કરી રાજસ્થાનના અજમેર ખાતે લઈ જવામાં આવી હતી. ત્યાં કોઈ પણ કાયદાકીય પ્રક્રિયા કે મંજૂરી વિના સગીરાનું બળજબરીપૂર્વક ધર્મપરિવર્તન કરાવી તેના નિકાહ પઢાવી દેવાયા હતા. આ મામલે રાપર પોલીસ મથકે ગુનો નોંધાયા બાદ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. આ ગુનાના મુખ્ય આરોપી જાહીન અબ્દુલ ચૌહાણની પોલીસે અગાઉ જ ધરપકડ કરી લીધી હતી.

મુખ્ય આરોપીની સઘન પૂછપરછ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે રાપર પોલીસની એક ખાસ ટીમ રાજસ્થાનના અજમેર ખાતે રવાના થઈ હતી. પોલીસે ત્યાં સ્થાનિક સ્તરે ઓપરેશન હાથ ધરીને ગેરકાયદેસર નિકાહ પઢાવનાર અજમેર દરગાહના કાઝી મોહમદ રમજાનને દબોચી લીધો હતો અને તેને કાયદાના સકંજામાં લઈને રાપર લઈ આવી છે. પોલીસે પકડાયેલા કાઝી વિરૂદ્ધ અપહરણ તેમજ ગુજરાત ધર્મ સ્વાતંત્રય (સુધારા) અધિનિયમની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ આંતરરાજ્ય રેકેટમાં અન્ય કયા સ્થાનિક કે બહારના શખ્સોની સંડોવણી છે અને ભૂતકાળમાં આવા કેટલા કૃત્યો આચરવામાં આવ્યા છે, તે દિશામાં પોલીસે રિમાન્ડ મેળવવાની તજવીજ સાથે સઘન તપાસ શરૂ કરી છે.

(ઉત્સવ વૈદ્ય)