Fri Jul 24 2026

Logo

ભુજમાં ચકચાર: જૈન સંસ્થાના સેવાભાવી વૃદ્ધ સંચાલકની ઘાતકી હત્યા, પૈસાની લેતી-દેતીમાં ખેલાયો ખૂની ખેલ

2026-04-09 14:07:00
Author: Mumbai samachar Team
Article Image

ભુજઃ ભુજમાં માનવતાના કાર્યો કરતી જાણીતી સંસ્થાના વૃદ્ધ સંચાલકની મધરાત્રે તેમના જ ઘરમાં કરપીણ હત્યા થતાં કચ્છ સહીત બૃહદ કચ્છમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે. ભુજના વાણિયાવાડ વિસ્તારમાં એકલવાયું જીવન જીવતા ૭૧ વર્ષીય રશ્મિકુમાર કનકલાલ શાહ (ભુલાણી)ની નાણાંની લેતી-દેતીના વિવાદમાં અનાજ-કરિયાણાના એક વેપારીએ હત્યા કરી નાખી હતી. ચોકાવનારી બાબત એ છે કે, હત્યા કર્યાના ચાર કલાક બાદ આરોપી વેપારી સામેથી પોલીસ મથકે હાજર થયો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ, ગત શનિવારે મોડી રાત્રે અઢી વાગ્યાના અરસામાં ભુજ 'એ' ડિવિઝન પોલીસ મથકે ૪૮ વર્ષીય નિલેશ હસમુખલાલ શાહ નામના શખ્સે આવીને "મેં રશ્મિભાઈનું ખૂન કરી નાખ્યું છે" તેવી કબૂલાત કરતાં પોલીસ બેડામાં દોડધામ મચી ગઈ હતી. આરોપી નિલેશ ભુજની મુંદરા રિલોકેશન સાઇટ પાસે આવેલા પ્રમુખસ્વામી નગરમાં રહે છે અને ત્યાં ભાગ્યલક્ષ્મી પ્રોવિઝન સ્ટોર નામની દુકાન ચલાવે છે.

પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, મૃતક રશ્મિભાઈ 'સાધર્મિક ચેરિટેબલ ટ્રસ્ટ' ચલાવતા હતા, જે અંતર્ગત જરૂરતમંદ પરિવારોને માત્ર રૂ. ૫૦૦માં રાશન કીટ આપવામાં આવતી હતી. આ સેવાકાર્ય માટે તેઓ નિલેશની દુકાનેથી જ અનાજ ખરીદતા હતા. ગત રાત્રે સાડા નવ વાગ્યે નિલેશ બાકી નાણાંની ઉઘરાણી માટે રશ્મિભાઈના વાણિયાવાડ સ્થિત 'અષ્ટાપદ બિલ્ડિંગ'ના ફ્લેટ પર પહોંચ્યો હતો. ત્યાં નાણાં બાબતે બોલાચાલી થતાં નિલેશે આવેશમાં આવી પહેલા પાણીની મેટલની બોટલ અને ત્યારબાદ ઘરમાં પડેલા દસ્તા વડે રશ્મિભાઈના માથા પર  વાર કરીને તેમને મોતને ઘાટ ઉતારી દીધા હતા.

હત્યા કર્યા બાદ આરોપીએ ગુનાના પુરાવા નાશ કરવા માટે ઘરમાં લાગેલા સીસીટીવી કેમેરાનું ડીવીઆર કાઢી લીધું હતું. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, હત્યા કર્યા બાદના ચાર કલાક દરમિયાન આરોપી રઝળતો રહ્યો હતો અને તેણે ડીવીઆર તેમજ પોતાનો મોબાઈલ ફોન હમીરસર તળાવમાં ફેંકી દીધા હોવાની આશંકા છે. પોલીસ હાલ આ પુરાવાઓ રિકવર કરવા તજવીજ હાથ ધરી રહી છે.
દરમ્યાન, સ્થાનિક વેપારી આલમમાં ચર્ચાઈ રહ્યું છે કે, નિલેશ શાહ છેલ્લા કેટલાક સમયથી આર્થિક રીતે પાયમાલ થઈ ગયો હતો અને માનસિક રીતે પરેશાન રહેતો હતો. તેણે પોતાની દુકાન પણ અચાનક બંધ કરી દીધી હતી. બીજી તરફ, રશ્મિભાઈ શાહ અપરિણીત હતા અને સેવાકીય પ્રવૃત્તિઓમાં સક્રિય રહેતા હોવાથી તેમની હત્યાના સમાચાર સાંભળી જૈન સમાજ અને સ્નેહીજનોમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે.

હાલ પોલીસે મૃતકના ભાઈ પંકજભાઈ શાહની ફરિયાદના આધારે ગુનો નોંધી આરોપીની અટકાયત કરી છે અને ઘટના સ્થળનું પંચનામું કરી તપાસ હાથ ધરી છે.

(ઉત્સવ વૈદ્ય)