Fri Sep 04 2026

Logo

ભુજના આકાશમાં દેખાયેલી ઝગમતી વસ્તુઓ એલઈડી ફુગ્ગા હોવાની પોલીસની સ્પષ્ટતા

2026-03-07 16:51:53
Author: Pooja Shah
ભુજના આકાશમાં દેખાયેલી ઝગમતી વસ્તુઓ એલઈડી ફુગ્ગા હોવાની પોલીસની સ્પષ્ટતા

ભુજઃ સંવેદનશીલ માનવામાં આવતા કચ્છના ભુજમાં સ્થાનિક શુક્રવારે આકાશમાં ચમકતા પદાર્થો દેખાયા હતા. જેના કારણે લોકોમાં ઉત્સુકતા સાથે ઉચાટ પણ જોવા મળ્યો હતો. ઘણા રહેવાસીઓએ આ ઘટનાના વીડિયો તેમના મોબાઇલ ફોન પર રેકોર્ડ કર્યા હતા, અને ક્લિપ્સ ઝડપથી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ હતી, જેના કારણે સમગ્ર શહેરમાં ચર્ચા શરૂ થઈ હતી. 

શુક્રવારે રાત્રે આશરે પોણા દસ વાગ્યાના અરસામાં ભુજ શહેરના આકાશમાં એકસાથે ૫૦થી વધુ ચળકતા, ડ્રોન જેવા દેખાતા ભેદી પદાર્થો એક હારમાળામાં ઉડતા જોવા મળ્યા હતા. આ પદાર્થો ખાસ કરીને ભુજના કેમ્પ વિસ્તાર, સરપટ નાકા અને ભીડ નાકા આસપાસના વિસ્તારોમાં સ્પષ્ટપણે દેખાયા હતા. 

જોકે, સ્થાનિક પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી પ્રાથમિક તપાસ દરમિયાન રહસ્ય ઉકેલાઈ ગયું હતું. અધિકારીઓએ તપાસ બાદ જણાવ્યું હતું કે  લાઇટ્સ ખરેખર ભૂજના પ્રાગ મહેલમાં આયોજિત એક સમારોહ દરમિયાન છોડવામાં આવેલા એલઈડી ફુગ્ગાને લીધે જોવા મળી હતી. 

એવું જાણવા મળ્યું હતું કે કાર્યક્રમની ઉજવણીના ભાગ રૂપે પ્રકાશિત ફુગ્ગાઓ આકાશમાં છોડવામાં આવ્યા હતા, અને ચમકતા ફુગ્ગાઓએ આકાશમાં અજાણી લાઇટ્સ ફરતી હોવાનું લાગી રહ્યું હતું. આ કાર્યક્રમનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં કાર્યક્રમ દરમિયાન ફુગ્ગાઓ છોડવામાં આવ્યા હોવાનું જણાઈ આવ્યું હતું.

પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે ચિંતાનું કોઈ કારણ નથી અને આ ઘટના કોઈ ખગોળીય પ્રવૃત્તિ કે અજાણી ઉડતી વસ્તુ સાથે સંબંધિત નથી.