Thu Jul 23 2026

Logo

ભુજના જંગલમાં ચાલતા હાઈપ્રોફાઈલ જુગારધામ પર SMCની ટીમ ત્રાટકી, ₹ 45 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત

2026-07-03 10:01:00
Author: Mumbai Samachar Team
Article Image

ભુજઃ ગાંધીનગરની સ્ટેટ મોનિટરિંગ સેલની ટુકડીએ ભુજની ભાગોળે સેડાતા અને ભારાપર વચ્ચે આવેલા જંગલ વિસ્તારમાં ચાલતી એક મોટી જુગાર ક્લબ પર ત્રાટકીને સપાટો બોલાવ્યો છે. રાજ્યસ્તરની પોલીસે સ્થળ પરથી ધાણી-પાસાનો જુગાર રમતા ૭ અઠંગ ખેલીઓને રૂપિયા ૯.૩૬ લાખની રોકડ રકમ સાથે ઝડપી પાડ્યા છે, જ્યારે દરોડા દરમિયાન ૮ શખ્સો નાસી છૂટવામાં સફળ રહ્યા હતા. પોલીસે રોકડા રૂપિયા ઉપરાંત થાર, ટેમ્પો ટ્રેક્સ અને બોલેરો સહિત રૂપિયા ૩૨.૮૦ લાખની કિંમતના ૯ વાહનો અને ૯ મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા ૪૫.૨૭ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, આ જુગાર ક્લબ અંજારના અબ્બાસ ઈબ્રાહિમ શેખ અને જુસબશા જમનશા શેખ તથા ભુજના મનીષ હરિલાલ રાજગોર નામના કુખ્યાત બુટલેગરો અને જુગારીઓની ત્રિપુટીએ ભાગીદારીમાં શરૂ કરી હતી. દરોડા દરમિયાન સંચાલક જુસબશા શેખ પકડાઈ ગયો હતો, જ્યારે અબ્બાસ અને મનીષ નાસી છૂટ્યા હતા. પકડાયેલા અન્ય ખેલીઓમાં આદિપુરના ભીમજી વાણિયા, સાંતલપુરના ધનજી ગોલકર, લાકડીયાના મુરાદ મીર અને ભુજના મહેબુબ બાયડ તથા મોહન રાજગોરનો સમાવેશ થાય છે. આ ખેલીઓ પૂર્વ કચ્છ તેમજ પાટણના સાંતલપુર અને લાકડીયાથી ખાસ જુગાર રમવા આવ્યા હતા. 

ઝડપાયેલા આરોપીઓ અને વચેટિયાઓનો મોટો ગુનાહિત ઇતિહાસ બહાર આવ્યો છે. મુખ્ય સંચાલક મનીષ રાજગોર અગાઉ ૨૦૧૯માં નાગોરની સીમમાં જુગાર ક્લબ ચલાવતા પકડાયો હતો અને વર્ષ ૨૦૨૨માં માધાપર ખાતે એક યુવકની હત્યાના પ્રયાસના ગુનામાં પણ સંડોવાયેલો હતો. આવી જ રીતે પકડાયેલો આદિપુરનો ભીમજી વાણિયા અને લાકડીયાનો મુરાદ મીર પણ અગાઉ અનેકવાર જુગાર ક્લબ ચલાવતા કે જુગાર રમતા સ્ટેટ વિજિલન્સ અને સ્થાનિક પોલીસના હાથે ચડી ચૂક્યા છે.

બીજી તરફ, સ્થાનિક માનકૂવા પોલીસ સ્ટેશનની હદમાં લાંબા સમયથી આટલી મોટી જુગાર ક્લબ ધમધમતી હોવા છતાં સ્થાનિક પોલીસ અજાણ હોવાથી તંત્રની ઘોર નિષ્ક્રિયતા અને બેદરકારી છતી થઈ છે. આ સફળ દરોડા બાદ બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડીયાએ લાલ આંખ કરી છે અને માનકૂવા પોલીસ મથકના  જવાબદાર બીટ જમાદારથી લઈને પીઆઈ સુધીના સ્ટાફ સામે શિક્ષાત્મક પગલાં લેવાય તેવી પ્રબળ સંભાવના સેવાઈ રહી છે.

(ઉત્સવ વૈદ્ય)