Wed Jul 01 2026

Logo

ભુજ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો; 575 કરોડના ડ્રગ્સ કેસમાં 19 આરોપીઓને 20-20 વર્ષની સખત કેદની સજા

2026-07-01 20:27:00
Author: Vimal Prajapati
Article Image

ભુજઃ ભુજની ખાસ અદાલતે દેશની આંતરિક સુરક્ષા અને યુવાધનને બરબાદ કરવાના પાકિસ્તાની ડ્રગ્સ માફિયાઓના મનસૂબા પર પાણી ફેરવતો એક ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. જખૌ દરિયાઈ માર્ગેથી ભારતમાં કુલ રૂપિયા 575 કરોડની કિંમતનું હેરોઇન ડ્રગ્સ ઘુસાડવાના ત્રણ અલગ-અલગ ગુનાઓમાં સંડોવાયેલા 18 પાકિસ્તાની અને 1 અફઘાન નાગરિક સહિત કુલ 19 આરોપીઓને નામદાર અદાલતે 20-20 વર્ષની સખત કેદની સજા ફટકારી છે. આ સાથે જ તમામ ગુનેગારોને વ્યક્તિગત રૂપિયા 2 લાખનો દંડ પણ કરવામાં આવ્યો છે.

ભુજની ત્રીજી અધિક સેશન્સ અને સ્પેશિયલ એન.ડી.પી.એસ. કોર્ટના ન્યાયાધીશ વી. એ. બુદ્ધે આ કેસની સુનાવણી દરમિયાન પ્રોસિક્યુશનના પુરાવાઓને ગ્રાહ્ય રાખ્યા હતા. ચુકાદો આપતી વખતે એક અત્યંત ગંભીર ટિપ્પણી કરતા અદાલતે જણાવ્યું હતું કે, આરોપીઓએ ભારતના યુવાધનને નશાના માર્ગે ધકેલવા જે કૃત્ય કર્યું છે તે કોઈ સામાન્ય ગુનો નથી, પરંતુ રાષ્ટ્રના સામાજિક અને આર્થિક માળખાને નબળું પાડવાનું એક સુનિયોજિત ષડયંત્ર છે. નશાનો કારોબાર માત્ર એક વ્યક્તિગત સમસ્યા નથી, પરંતુ તે સીધી રીતે દેશની આંતરિક સુરક્ષાને પ્રભાવિત કરે છે.

આ સમગ્ર મામલો ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ, ભારતીય કોસ્ટગાર્ડ અને સ્થાનિક પોલીસ દ્વારા સંયુક્ત રીતે ઓપરેશન હાથ ધરીને પકડી પાડવામાં આવેલા ત્રણ અલગ-અલગ કેસ સાથે જોડાયેલો છે. પ્રથમ કેસ ( 6જાન્યુઆરી, 2020)માં ગુજરાત એટીએસની ગુપ્ત બાતમીના આધારે કોસ્ટગાર્ડ અને ભુજ એસ.ઓ.જી.ની ટીમે જખૌના દરિયામાં દરોડો પાડી પાકિસ્તાનના કાપર ક્રીક વિસ્તારમાંથી બોટ લઈને આવેલા 5 પાકિસ્તાની નાગરિકોને ઝડપી લીધા હતા. તેમની પાસેથી રૂપિયા 175 કરોડની કિંમતનું આશરે 35 કિલો હેરોઇન મળી આવ્યું હતું. આ કેસમાં પકડાયેલા ઇસ્માઇલ મોહમદ જામ, અનીશ ઇશા ભટી, અબુબકર હાસમ કુંગરા અને અશરફ ઉસ્માન ભટી સહિતના પાકિસ્તાનીઓને સજા ફટકારવામાં આવી છે.

બીજા કેસની વાત કરવામાં આવે તો, (15 એપ્રિલ, 2021)માં પાકિસ્તાનના હૈદરી પોર્ટ પરથી બોટમાં હેરોઇન ભરીને જખૌ દરિયા કિનારે ડિલિવરી આપવાની ફિરાકમાં રહેલી વધુ એક શંકાસ્પદ પાકિસ્તાની બોટને સુરક્ષા એજન્સીઓએ આંતરી હતી. આ બોટમાંથી મુર્તઝા, યામીન, મુસ્તફા, નસરૂલ્લા, હુસૈન, સાલેમામદ, મહમંદ યાસીન અને રફીક આમદ નામના 8 પાકિસ્તાની નાગરિકોને રૂપિયા 150 કરોડના 30 કિલો હેરોઇનના જથ્થા સાથે કસ્ટડીમાં લેવાયા હતા.

તૃતીય કેસ (8 ઓક્ટોબર, 2022)માં હૈદરી પોર્ટથી જખૌ દરિયાઈ સરહદમાં ઘુસણખોરી કરી રહેલી વધુ એક બોટમાંથી અલી મોહમદ, મમતાજ હારુન, શેર મોહમદ, મોતીયા ઇદ્રીશ, ઇબ્રાહીમ યુસુફ અને જાહીદ અબ્દુલ્લા નામના 6 પાકિસ્તાનીઓને રૂપિયા 250 કરોડના 50 કિલોગ્રામ હેરોઇન સાથે દબોચી લેવાયા હતા. આ કેસની તપાસ દરમિયાન આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ નેટવર્કના તાર અફઘાનિસ્તાન સાથે જોડાયા હોવાનું ખુલ્યું હતું, જેને પગલે અફઘાન નાગરિક 'હેકમતુલ્લા નુરુઉલ્લાહ'ની પણ ધરપકડ કરવામાં આવી હતી.

અદાલતે તમામ 19 ગુનેગારોને એન.ડી.પી.એસ. એક્ટની કલમ 8(સી) અને કલમ 23(સી) હેઠળ દોષિત ઠેરવ્યા છે. અદાલતે પોતાના આદેશમાં સ્પષ્ટ કર્યું છે કે, આરોપીઓએ બંને કલમો હેઠળની 20-20 વર્ષની સજાઓ એકસાથે ભોગવવાની નથી, પરંતુ એક સજા પૂર્ણ થયા બાદ બીજી સજા ભોગવવાની રહેશે (અલગ-અલગ ભોગવવાની રહેશે). કોર્ટના આ કડક વલણને કારણે ડ્રગ્સ માફિયાઓ લાંબા સમય સુધી જેલના સળિયા પાછળ ધકેલાઈ ગયા છે, જે સરહદી રાજ્ય ગુજરાતમાં ડ્રગ્સ નેટવર્ક તોડી પાડવા તરફ એક મોટું અને નિર્ણાયક પગલું માનવામાં આવી રહ્યું છે.

(ઉત્સવ વૈદ્ય)