મુંબઈ: મિત્રો સાથે ફરવા નીકળેલા ભિવંડીના 17 વર્ષના સગીરનું મૃત્યુ થયું હોવાની ઘટના સામે આવી હતી. કલવા સ્ટેશન નજીક સગીર દરવાજા પર ઊભો હતો ત્યારે અચાનક હાથ છટકી જતાં તે નીચે પટકાયો હતો. મૃતકની ઓળખ મોહંમદ ફાઝીલ શફીક અન્સારી તરીકે થઇ હોઇ તે ભિવંડીના બાલા કંપાઉન્ડ વિસ્તારનો રહેવાસી હતો.
ભિવંડીથી નીકળેલા ફાઝીલ અન્સારી અને તેના મિત્રો ટ્રેન પકડીને કલ્યાણ સ્ટેશન આવ્યા હતા અને ત્યાંથી તેઓ મુંબઈ આવી રહ્યા હતા. ફાઝીલ દરવાજા પર ઊભો રહીને પ્રવાસ કરી રહ્યો હતો અને કલ્યાણ સ્ટેશન નજીક તેનો હાથ છટકી જતાં તે ટ્રેનમાંથી નીચે પડી ગયો હતો, જેમાં તેના માથામાં ગંભીર ઇજા પહોંચી હતી.
રેલવે પ્રોટેક્શન ફોર્સ (આરપીએફ)ની મદદથી ફાઝીલને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો, જ્યાં ડોક્ટરોએ તપાસીને તેને મૃત જાહેર કર્યો હતો. ફાઝીલના મૃતદેહને ત્યાર બાદ પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો હતો. ત્યાર બાદ મૃતદેહ તેમના પરિવારનો સોંપાયો હતો, એમ પોલીસે જણાવ્યું હતું.