Thu Jul 23 2026

Logo

સુરતમાં કઈ ખાડી ઓવરફલો થતાં સ્કૂલોમાં જાહેર કરવી પડી રજા, બીજી શું કરાઈ જાહેરાત

2026-07-22 13:26:00
Author: Mayur Patel
Article Image

સુરતઃ શહેરમાં થોડા દિવસો પહેલા ભારે વરસાદના કારણે ખાડીઓ ઓવરફ્લો થઈ હતી. આ દરમિયાન આજે સવારથી ફરી સુરતમાં વરસાદ ધબધબાટી બોલાવી રહ્યો છે. સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના આંકડા પ્રમાણે સવારે 6 થી બપોરના 12 સુધીમાં પલસાણામાં 4.88 ઇંચ, મહુવામાં 4.29 ઇંચ, અંબિકામાં 3.07 ઇંચ, બારડોલીમાં 2.52 ઇંચ ,ઉમરપાડામાં 1.97 ઇંચ, કામરેજમાં 1.73 ઇંચ, માંડવામાં 0.79 ઇંચ, અરેઠમાં 0.59 ઇંચ, ચોર્યાસીમાં 0.39 ઇંચ વરસાદ  પડ્યો છે. સુરતની ભેદવાડ ખાડી ઓવરફલો થતાં ઠેર ઠેર શહેરમાં પાણી ભરાયા છે અને ભારે વરસાદ અને રેડ એલર્ટની આગાહીને પગલે જિલ્લા શિક્ષણાધિકારીએ શાળાઓમાં રજા જાહેર કરી હતી. આ ઉપરાંત લોકોને કામ સિવાય ઘરની બહાર ન નીકળવાની તથા સાવચેતી રાખવા જણાવાયું છે.

સુરતમાં વરસાદના કારણ ફરી એક વખત પૂર જેવી સ્થિતિ છે.  કાંકરા ખાડીનું વોટર લેવલ વધતાં સંજયનગર વિસ્તારમાં પૂરનું જોખમ ઉભું થયું છે. આથી, મહાનગરપાલિકાના કર્મચારીઓ સ્પીકર દ્વારા લોકોને સલામત સ્થળે ખસી જવા અપીલ કરવામાં આવી હતી. સુરતમાં પુર જેવી સ્થિતિ ઉભી થાય તો બચાવ કામગીરી માટે NDRF અને ફાયર વિભાગને સ્ટેન્ડ-બાય રાખવામાં આવ્યા છે.  આ ઉપરાંત જરૂર પડે ત્યારે લોકોને ખસેડવા માટે બે રેસ્ક્યુ ટીમ અને વાહનો તૈનાત કરાયા છે.

સુરતમાં વહેલી સવારથી વરસાદની તોફાની બેટિંગથી તાપી કોઝવે ઑવરફ્લો થયો છે.  સુરતમાં પડી રહેલા વરસાદને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા જોખમી વિસ્તારોમાં બોટ તૈનાત કરવામાં આવી છે. શહેરના લિંબાયત, કાંગારુ સર્કલ, પુણા પાટીયા, ડીંડોલી રોડ ખાડી બ્રિજ, સણીયા ગામ, મીઠી ખાડી અને ગીતા નગર ડુંભાલ જેવા વિસ્તારોમાં બોટ સાથે ફાયર બ્રિગેડની ટીમો તૈયાર રાખવામાં આવી છે.

હવામાન ખાતાએ આજેનવસારી અને વલસાડમાં કેટલાક સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. સુરત, ડાંગ, તાપી અને દમણ, દાદરા-નગર હવેલીમાં અતિભારે વરસાદ પડી શકે છે. પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ તેમજ સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને બોટાદમાં કેટલાક સ્થળોએ ભારે વરસાદની આગાહી કરી છે.