Wed Jul 01 2026

Logo

મૃગીકુંડમાં સાધુઓની વચ્ચે ઘૂસી કીર્તિ પટેલે ડૂબકી લગાવતા વિવાદ, કહ્યું- શું હું સનાતની નથી?

2026-02-16 09:30:00
Author: Mayur Patel
Article Image

 

જૂનાગઢઃ ગરવા ગિરનારની ગોદમાં યોજાયેલા ભવનાથ મેળાની મહાશિવરાત્રિના દિવસે પૂર્ણાહુતિ થઈ હતી. મુખ્ય માર્ગ પર રવેડી નીકળ્યા બાદ ભવનાથ મંદિર ખાતે મધ રાત્રે હર હર મહાદેવના નાદ સાથે મૃગીકુંડમાં નાગા સાધુઓ એ શાહી સ્નાન કર્યું હતું. આ દરમિયાન કીર્તિ પટેલે મૃગીકુંડમાં સાધુઓની વચ્ચે ઘૂસી ડૂબકી લગાવતાં વિવાદ સર્જાયો હતો. 

શું હું સનાતની નથી? - કીર્તિ પટેલ

સાધુઓ સાથે મૃગીકુંડમાં સ્નાન કરતી વખતે તેણે હર હર મહાદેવના નારા લગાવ્યા હતા. તંત્રને આ અંગે જાણ થતાં તેને તાત્કાલિક ત્યાંથી દૂર કરવામાં આવી હતી. તેને હટાવવામાં આવતાં તેણે કહ્યું કે શું હું સનાતની નથી. ઉપરાંત મીડિયાને કહ્યું કે, ટીઆરપી લેવા પાછળ પડી જાવ છો. 
આ ઘટના બાદ નાયબ કલેકટરે કહ્યું, સાધુ-સંતો સાથે નિયમો બાબતે ચર્ચા કરશે. જો કોઈ ગેરકાયદે કે ધાર્મિક લાગણી દુભાય તેવું કૃત્ય થયું હશે તો કીર્તિ પટેલ સામે કાર્યવાહી કરાશે.

સાધુઓની વચ્ચે જ કીર્તિ પટેલ ડૂબકી લગાવી

મહાશિવરાત્રિના મેળાના અંતિમ દિવસે રવેડી સમયે જ ભગવા કપડા સાથે કીર્તિ પટેલ ભવનાથમાં પહોંચી હતી. રવેડી પૂર્ણ થયા બાદ મૃગીકુંડમાં સાધુઓનું શાહી સ્નાન શરૂ થતા ત્યાં પણ પહોંચી જતા વિવાદ સર્જાયો છે. સાધુઓની વચ્ચે જ કીર્તિ પટેલ ડૂબકી લગાવતી જોવા મળી હતી. જેના પર તંત્રનું ધ્યાન પડતા જ તેને તાત્કાલીક દૂર કરવામાં આવી હતી.

કીર્તિ પર નોંધાયા છે 10 ગુના

સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર કીર્તિ પટેલ પર 10 ગુનો નોંધાયા છે. ડીસેમ્બર 2025માં કીર્તિ પટેલની પાસા હેઠળ અટકાયત કરી જેલમાં ધકેલી દેવાઈ હતી. એક મહિનો સુધી જેલમાં રહ્યા બાદ તે બહાર આવી હતી.  ઇન્સ્ટાગ્રામ પર 13 લાખ ફોલોઅર્સ ધરાવતી કીર્તિ પટેલ વિરુદ્ધ પાસા એક્ટ હેઠળ કાર્યવાહી થઈ છે. તેના પર લોકોને બદનામ કરવા, ખંડણી અને અન્ય ક્રિમિનલ પ્રવૃત્તિઓમાં સામેલ થવાનો આરોપ છે. કીર્તિ પટેલ વિરુદ્ધ સુરત, ગાંધીનગર, પાટણ અને જૂનાગઢમાં કેસ નોંધાયેલા છે.

એક સમયે હતી ફેશન ડિઝાઈનર

કીર્તિ પટેલ  સોશ્યલ મીડિયામાં ખૂબ પોપ્યુલર છે. કીર્તિ પટેલ એક સમયે ફેશન ડિઝાઇનર હતી ત્યારબાદ તેમણે કોમેડી વીડિયો બનાવી અને યૂટ્યુબ અને ટીકટોકમાં ઝંપલાવ્યું હતું. જેમાં તેમને ખાસ્સી એવી લોકપ્રિયતા મળી હતી. કીર્તિ પટેલ ખૂબ જ ટીકટોકમાં વાયરલ થયા બાદ એક સોશિયલ મીડિયા ઇન્ફ્લ્યુઅન્સર બની ગઈ હતી. શરૂઆતમાં માત્ર કોમેડી વીડિયો બનાવતી કીર્તિ પટેલ હવે વધારે વિવાદોથી ઘેરાયેલી રહે છે.

કીર્તિ પટેલના વિવાદોઃ મહાશિવરાત્રિ પર ભવનાથના મેળામાં સાધુઓ સાથે મૃગીકુંડમાં સ્નાન કરવાનો કીર્તિ પટેલનો વિવાદ પહેલો નથી. આ પહેલા પણ તે ઘણા વિવાદમાં આવી ચુકી છે.

ખજૂરભાઈ સાથે પણ લઈ ચુકી છે પંગો

કીર્તિ પટેલ અને ખજૂરભાઈ નામના યુટ્યૂબર્સ વચ્ચે થોડા સમય પહેલા કોઈ મુદ્દાને લઈ માથાકૂટ થઈ હતી. આ પ્રકરણમાં દિનેશ સોલંકીએ પોતાની ચેનલ પર ખજૂરભાઈની ફેવર અને કીર્તિ પટેલના વિરોધમાં આપત્તિજનક વીડિયો અને પોસ્ટ મૂકતો હતો. આ પોસ્ટને લઈ યુટ્યૂબર રોયલ રાજા ઉર્ફે દિનેશ સોલંકી ચર્ચામાં આવ્યો હતો. દિનેશ સોલંકીનું અપહરણ કરવામાં આવ્યું હતું. જે બાદ આરોપીઓ તેને એક ગોળના રાબડા પર લઈ ગયા હતા, જ્યાં તેનાં કપડાં ઉતારી નગ્ન કરી, ઊંધો સુવડાવી ઢોરમાર માર્યો હતો. હુમલા દરમિયાન આરોપીઓએ કીર્તિ પટેલને વીડિયો કૉલ કર્યો હતો. આ વીડિયો કોલમાં કીર્તિએ કહ્યું કે, રોયલ રાજાની મૂછ અને વાળ સારાં નથી લાગતાં, કાપી નાંખો. કીર્તિના આદેશ બાદ હુમલાખોરોએ મારી મૂંછ અને વાળ કાપી નાખ્યાં હતાં. આ વિવાદ ખૂબ ચગ્યો હતો.

ઋષિભારતીના રૂમમાં ઘૂસીને બનાવ્યો હતો વીડિયો

અમદાવાદના સરખેજમાં આવેલા ભારતી આશ્રમનો વિવાદ થોડા સમય પહેલા સામે આવ્યો હતો. આશ્રમમાં હરિહરાનંદ બાપુએ કમાન સંભાળી બન્ને શિષ્યોને પદ પરથી હટાવતાં આમને સામને ચોંકાવનારા આરોપ પ્રતિઆરોપ કર્યા હતા.આ બધાની વચ્ચે વિવાદિત સોશિયલ મીડિયા ફેમ કીર્તિ પટેલે ઋષિભારતીના રૂમમાં ઘૂસીને અંગત સામાન ફંફોળી વીડિયો બનાવ્યો હતો.

જૂનાગઢમાં ભેસાણના નવા બસ સ્ટેશન પાસે રહેતા જમનભાઈ બાવાભાઈ ભાયાણી સામે કીર્તિ પટેલ વીડિયો બનાવીને માર મારવાની ધમકી આપ્યા બાદ તેને માર મારવા સુરતથી સાથીદારો સાથે પહોંચી હતી. કીર્તિ પટેલ સામે પોલીસે ગુનો દાખલ કર્યો હતો. જોકે પોલીસ સમયસર પહોંચી જતાં મોટી માથાકૂટ થાય તે પહેલા જ કીર્તિને તેના સાથીદારો સાથે ઝડપી પાડવામાં આવી હતી.