Sun Jun 14 2026

Logo

ભાવનગરના તળાજાની બેંકોમા અધધધ રૂ.૩૦૦ કરોડનું સોનુ પડ્યું હોવાનો અંદાજ, સોનું ગીરવે મૂકી લેવાય છે લોન

2026-06-13 19:43:19
Author: Pooja Shah
Article Image

ભાવનગરઃ  જિલ્લાના તળાજા પંથકની સમૃદ્ધ ખેતીને કારણે આર્થિક રીતે સમૃદ્ધ છે તો બીજી તરફ આ વિસ્તારના રહીશોએ પોતાનું સોનુ ગીરવે મૂકીને લોન પણ લીધી છે. રાષ્ટ્રીયકૃત,સહકારી,ખાનગી બેંકો મળી અહીં ૧૨ બેંકો કાર્યરત છે જે સોના ઉપર ધિરાણ કરેછે. બેંકોના સંચાલકો સાથેવાત કરતા તેઓના અંદાજ મુજબ એક એક બેંકમાં કમસે કમ ૨૫ કરોડ રૂપિયા નું સોનુ ગીરવે મુકવામાં આવ્યું છે.

જમીનો, કોમર્શિયલ મિલ્કતોના જે સોદાઓ પડી રહ્યા છે એ જોતાં તળાજા પંથક આર્થિક રીતે ઘણો જ સમૃદ્ધ માનવામાં આવે છે, તેની સામે બીજી વાસ્તવિકતા એ પણ છે જેમાં હજારો પરિવારોએ પોતાનું કિંમતી સોનુ ગીરવે મૂકીને લોન લેવાની ફરજ પડી હોય.

બેંકો દ્વારા ગોલ્ડ લોનની ગ્રાહકોને આકર્ષવા ખાસ જાહેરાત પણ કરવામાં આવે છે. કારણ કે સોનુ ગીરવે મુકો એટલે તેની કિંમત અંકાઇ ગયા બાદ ગ્રાહકોને તાત્કાલિક ધિરાણ પણ આપી દેવામાં આવે છે. બેંકના સૂત્રોએ જણાવ્યું હતું કે તળાજા પંથકમાં ગોલ્ડ લોનનું ધિરાણ પણ ઉંચું છે. સામાન્ય બેંકો કહી શકાય તેવી બેંકોએ કમસે કમ ૨૫ કરોડ રૂપિયાનું ધિરાણ કર્યાનો અંદાજ છે. મોટી ખાનગી બેંકો, રાષ્ટ્રીયકૃત બેંકોનું ગોલ્ડ પરનું ધિરાણનો આંકડો ઘણો જ મોટો હોઇ શકે છે. જેમા કમસેકમ  રૂ.૩૦૦ કરોડનું ધિરાણ કર્યાનો અંદાઝ લગાવવામાં આવે છે.

એક બેન્કના મેનેજર અને તેના કર્મચારી એ જણાવ્યું હતુ કે અમે જિલ્લાની અન્ય બેંકોમા પણ કામ કરેલ છે. મહુવા, શિહોરમાં ઉદ્યોગકારોને લઈ મોટી રકમના ટ્રાન્જેક્શન હોય શકે પરંતુ નાના ગ્રાહકોની સંખ્યા અને તેના દ્વારા થતા ટ્રાન્જેક્શનની સરેરાશ કાઢવામાં આવે તો જિલ્લામાં તળાજા નું સ્થાન અને બેંકનો ધંધો સારો કહી શકાય.

પોલીસ લોક દરબાર ભરે ત્યારે ભલે ખાનગી વ્યાજ વટાવ વાળા ની ફરિયાદ ન થતી હોય, પરંતુ અહીં ખાનગી ધિરાણ આપવાવાળાની સંખ્યા ઘણી મોટી છે. ૧%થી લઈ જેની જેવી ત્રેવડ હોય તેવું વ્યાજ વસૂલવામા આવે છે. તેમાંના પણ અનેક લોકો સોના પર ધિરાણ આપે છે.

અનેક વ્યક્તિઓ એવા છે જે મોંઘા મોબાઈલથી લઈ ટૂ વહીલર,ફોર વહીલર લોન દ્વારા મેળવે છે. બજારમા મોંઘા મોબાઈલ, ફોર વહીલર, ટુ વહીલર લઈને એન્ટ્રી નાખતા બે પાંચ મહીનામાં જ હપ્તાઓ ભરી ન શકવાના કારણે ગીરવે મૂકીને તેના પર પણ ધિરાણ લે છે. ૧૫-૨૦ લાખની ફોર વ્હીલર ગીરવે મૂકી તેના પર પાંચ-સાત લાખનું ધિરાણ મેળવનાર વધી રહ્યા છે, જેને લઈ આ ધંધો હવે વધી રહ્યો છે.