Wed Jul 01 2026

Logo

બોલેરોના નટ-બોલ્ટ ખોલ્યા ને પોલીસ ચોંકી ઉઠી! તબેલામાંથી દારૂની 1056 બોટલો ઝડપાઇ

2026-02-16 16:34:00
Author: Devayat Khatana
Article Image

વેળાવદર ભાલ: ગુજરાતમાં દારૂબંધી છે પણ દારૂબંધીના ધજાગરા ઉડાડતા અનેક કિસ્સા પ્રકાશમાં આવતા રહે છે. 
ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચની પેરોલ ફર્લો સ્ક્વોડને બાતમી મળી હતી કે રાજસ્થાનથી એક બોલેરો પીકઅપ ગાડીમાં વિદેશી દારૂનો જથ્થો લાવી એક તબેલામાં છુપાવવામાં આવ્યો છે. આ બાતમીના આધારે પોલીસે નીરમાના પાટિયા પાસે વોચ ગોઠવી હતી અને રાત્રિના સમયે ખેતાખાટલી ગામે વિજયભાઈ મેરના તબેલામાં દરોડો પાડ્યો હતો. જ્યાં તપાસ કરતા સફેદ કલરની નંબર પ્લેટ વગરની શંકાસ્પદ બોલેરો પીકઅપ ગાડી મળી આવી હતી.

પોલીસે તબેલાની ઘેરાબંધી કરી ગાડીમાં બેઠેલા ડ્રાઈવર ભજનલાલ સુખરામ વરાડ (રહે. રાજસ્થાન) ને ઝડપી લીધો હતો. પ્રથમ દ્રષ્ટિએ ગાડી ખાલી જણાતી હતી, પરંતુ ઝીણવટભરી તપાસ દરમિયાન પાછળના ડાઘા (બોડી) નીચે ખાસ પ્રકારના નટ-બોલ્ટ ફિટ કરેલા જોવા મળ્યા હતા. આ નટ-બોલ્ટ ખોલતા અંદરથી એક અત્યાધુનિક 'ચોરખાનું' મળી આવ્યું હતું, જેમાં મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો છુપાવવામાં આવ્યો હતો.

ચોરખાનામાંથી અંગ્રેજી દારૂની કુલ 1056 સીલપેક બોટલો મળી આવી હતી, જેની કિંમત ₹3,29,472 અંકાય છે. પોલીસે દારૂના જથ્થા ઉપરાંત ₹8 લાખની બોલેરો ગાડી અને મોબાઈલ ફોન મળી કુલ ₹11,34,472 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. ડ્રાઈવરની પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે આ જથ્થો રાજસ્થાનના સાંચોરના સુરેશ ભાખરારામે મોકલ્યો હતો અને ભાવનગરના વિજય મેર તથા નિતેશ પરમારને પહોંચાડવાનો હતો.

ભાવનગર ગ્રામ્ય પોલીસે આ મામલે પકડાયેલા ડ્રાઈવર સહિત કુલ ચાર શખ્સો સામે પ્રોહિબિશન એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ કેસમાં દારૂ મોકલનાર અને મંગાવનાર અન્ય ત્રણ આરોપીઓને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. આ સફળ કામગીરીને પગલે સ્થાનિક બુટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે.