Wed Jul 01 2026

Logo

ભાવનગર કોર્પોરેશનના રૂપિયા 509. 23 કરોડના વિકાસ કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ...

2026-02-14 22:23:36
Author: Chandrakant Kanoja
Article Image

ભાવનગર: ભાવનગર શહેરના સર્વાંગી વિકાસ, આધુનિકીકરણ તથા આંતરમાળખાકીય સુવિધાઓમાં નોંધપાત્ર વધારો કરવા માટે ભાવનગર મહાનગરપાલિકા દ્વારા કુલ રૂ. ૫૦૯.૨૩ કરોડના વિવિધ વિકાસ કામો, જેમાં રૂ. ૧૪૦.૮૩ કરોડના ખર્ચે ૩૫ વિકાસ કામોના ખાતમુહૂર્ત તથા રૂ. ૩૬૮.૪૦ કરોડના ખર્ચે ૧ વિકાસ કાર્યનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં નાયબ મુખ્યપ્રધાન હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

શહેરને મળેલ નવી બસો ભાવનગરની લાઇફલાઇન બનશે

આ પ્રસંગે હર્ષ સંઘવી એ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારની મહત્વાકાંક્ષી PM e-Bus Sewa યોજના હેઠળ ભાવનગર શહેરમાં શહેરી પરિવહન વ્યવસ્થાને સુદ્રઢ, સ્માર્ટ અને પ્રદૂષણમુક્ત બનાવવા માટે ૫૦ ઈલેક્ટ્રિક બસો ફાળવવામાં આવી છે. આ પ્રોજેક્ટ અંતર્ગત અધેવાડા ખાતે બસોના સંચાલન અને મેન્ટેનન્સ માટે અત્યાધુનિક ડેપોનું નિર્માણ પૂર્ણ કરવામાં આવ્યું છે. આ યોજનાના ફેઝ-૨ અંતર્ગત ઈલેક્ટ્રિક બસ સેવા શરૂ કરનાર ભાવનગર મહાનગરપાલિકા ગુજરાતનું સૌપ્રથમ શહેર બનવાનું ગૌરવ પ્રાપ્ત કરી રહ્યું છે. શહેરને મળેલ નવી બસો ભાવનગરની લાઇફલાઇન બનશે. 

ભાવનગરના નાગરિકો વતી વડાપ્રધાન  નરેન્દ્ર  મોદીની આભાર વ્યક્ત કરતા તેમણે વધુમાં જણાવ્યું હતું કે ઉનાળાની ગરમીમાં એ.સી.બસો નાગરિકોને શીતળતા આપશે તેમજ તકલીફ પાડવા દેશે નહીં.  બસોને તથા ભાવનગરને  સ્વરછ રાખવા તેમજ દીકરીઓ રમતગમત ક્ષેત્રે આગળ વધે તેઓ સંકલ્પ કરવા જણાવ્યું હતું.

ભાવનગર સહિતના આસપાસના ગામડાઓને આવરી લેશે

આ તકે કેબિનેટ કૃષિ પ્રધાન જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે PM e-Bus Sewa યોજના હેઠળ રૂ. ૧૮.૨૪ કરોડના ખર્ચે સિવિલ તથા ઈલેક્ટ્રિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવામાં આવ્યું છે તેમજ અંદાજિત રૂ. ૩૫૦ કરોડનો ખર્ચ (૧૨ વર્ષ માટે ૫૦ બસોના સંચાલન અને મેન્ટેનન્સ માટે) થશે. કેન્દ્ર સરકારશ્રી તરફથી ૧૨ વર્ષ દરમિયાન રૂ. ૧૦૩ કરોડની ગ્રાન્ટ મળશે. વધુમાં જણાવ્યું હતું કે બસ ભાડાના દર નાગરિકોને પોસાય તેવા રાહતદરે નક્કી કરાયા છે.

જેમાં ૫ કિ.મી. સુધીના ₹ ૧૦/- ના નજીવા દરે મુસાફરી કરી શકશે. વધુમાં જણાવ્યું હતું કે કેન્દ્ર-રાજ્ય સરકારના સહયોગથી ભાવનગરમાં આધુનિક ઈ-બસ સેવાનો પ્રારંભ થઇ રહ્યો છે ત્યારે ભાવનગર સહિતના આસપાસના ગામડાઓને આવરી લેશે એ મુજબનું આયોજન કરવામાં આવ્યું છે.

આ યોજનાથી આસપાસના ગામડાઓના વિદ્યાર્થીઓ, નોકરીયાત વર્ગ અને મજૂરોને શહેરમાં આવવા-જવા માટે સસ્તી અને સુરક્ષિત પરિવહન સુવિધા મળશે. અંદાજે ૩૦૦૦થી વધુ નાગરિકો દરરોજ આ સેવાનો લાભ મળશે.