Fri Jun 19 2026

Logo

સૌરાષ્ટ્રમાં સિંહોએ વધુ એક યુવકને ફાડી ખાધો, માત્ર માથું બચ્યું, બાકીનાં અંગો સિંહ ખાઈ ગયા

2026-06-19 10:20:00
Author: Vimal Prajapati
Article Image

ભાવનગરઃ ગુજરાતમાં સિંહોના માનવ વસ્તી તરફ વધતા વસવાટ અને હુમલાની ઘટનાઓએ ચિંતા વધારી દીધી છે. અમરેલી જિલ્લામાં એક પરપ્રાંતીય મજૂર પર સિંહના જીવલેણ હુમલાના બીજા જ દિવસે, પાડોશી જિલ્લા ભાવનગરમાંથી પણ આવી જ એક હૃદયકંપાવનારી ઘટના સામે આવી છે. ભાવનગરના મહુવા તાલુકામાં સિંહના કથિત હુમલામાં એક 34 વર્ષીય યુવકનું મોત નીપજ્યું છે, જેને પગલે સમગ્ર પંથકમાં ભયનો માહોલ વ્યાપી ગયો છે.

 

ઝાડીઓમાંથી માત્ર માથું અને હાડપિંજર મળ્યા

આ ચોંકાવનારી ઘટના મહુવા તાલુકાના ગઢડા ગામની છે. મૃતકની ઓળખ 34 વર્ષીય નાગજીભાઈ પ્રેમજીભાઈ ગુજરીયા તરીકે થઈ છે, જેઓ અહીં મજૂરી કામ કરતો હતો. મંગળવારે રાત્રે કામ પરથી પરત ન ફરતા પરિવારજનો અને સ્થાનિકોએ તેમની શોધખોળ શરૂ કરી હતી. બુધવારે સવારે આશરે 10:30 વાગ્યે પ્રખ્યાત પિંગળેશ્વર મહાદેવ મંદિર તરફ જતા રસ્તા નજીક ઝાડીઓમાંથી નાગજીભાઈના કપડાં અને શરીરના અવશેષો મળી આવ્યા હતા. વન વિભાગના જણાવ્યા અનુસાર, ઘટનાસ્થળેથી માત્ર તેમનું માથું અને હાડપિંજરના કેટલાક ભાગો જ મળી આવ્યા છે, જ્યારે બાકીનું શરીર સિંહો દ્વારા ખાઈ જવામાં આવ્યું હોવાની આશંકા છે.

વન વિભાગ દ્વારા તપાસનો ધમધમાટ

આ ઘટના શેત્રુંજી ફોરેસ્ટ ડિવિઝન હેઠળની મહુવા વાઇલ્ડલાઇફ રેન્જમાં બની છે. ડેપ્યુટી કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ્સ ચિરાગ અમીને જણાવ્યું કે, ‘પ્રાથમિક તપાસ અને પુરાવાઓ સિંહના હુમલા તરફ ઈશારો કરે છે. જોકે, આ મોત પાછળના ચોક્કસ સંજોગો અને કારણો જાણવા માટે વિગતવાર તપાસ હાથ ધરવામાં આવી રહી છે’

24 કલાકમાં બીજી ઘટના બની

આ અગાઉ સોમવારે રાત્રે જ અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના કોવાયા ગામમાં સિંહના હુમલાની આવી જ એક ઘટના બની હતી. ત્યાં એક સ્થાનિક રેસ્ટોરન્ટમાં રસોઈયા તરીકે કામ કરતા ઉત્તરાખંડના પરપ્રાંતીય મજૂર પ્રકાશ ચંદ્રનો ક્ષત-વિક્ષત મૃતદેહ મળી આવ્યો હતો. જ્યારે હવે ભાવનગરમાં સિંહે માનવ પર હુમલો કરીને શિકાર કર્યો હોવાનું પ્રકાશમાં આવ્યું છે. સિંહોના રહેણાંક વિસ્તારોની નજીક સળંગ બે દિવસમાં બનેલી આ હુમલાની ઘટનાઓથી વન્યજીવ નિષ્ણાતો અને સંરક્ષણવાદીઓ પણ ચોંકી ઉઠ્યા છે.