ભરૂચઃ ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ દ્વારા રાષ્ટ્રીય રક્ષિત સ્મારક ભરૂચની જામા મસ્જિદમાં જૈન અને હિન્દુ દેવી-દેવતાઓની મૂર્તિઓ મળ્યાના અહેવાલો બાદ આજે મોટી સંખ્યામાં જૈન-હિન્દુ સમાજના લોકો એકઠા થાય તેવી સંભાવના છે. આ દરમિયાન કોઈ તણાવનો માહોલ ઊભો ન થાય તે માટે ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (એએસઆઈ)એ સંરક્ષણની માગણી કરતા પોલીસે ચાંપતો બંદોબસ્ત ગોઠવી દીધો હોવાની માહિતી સૂત્રોએ આપી હતી. આ સાથે જિલ્લા કલેક્ટર કચેરીએ પણ સૂચનાઓ આપી હોવાની માહિતી સૂત્રોએ આપી હતી.
છેલ્લા કેટલાક દિવસોમાં, એક સામાજિક-ધાર્મિક જૂથ દાવો કરી રહ્યું છે કે મસ્જિદમાં હિન્દુ અને જૈન મૂર્તિઓ અને અવશેષો મળી આવ્યા છે અને તેમને વધુ રક્ષણ અને જાળવણીની જરૂર છે.
આ માટે લગભગ 5000 જેટલા જૈન-હિન્દુ સમાજના લોકો 15મી જૂન, સોમવારે હૉસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે એકત્ર થાય તેવી અપેક્ષા છે. અહીંથી તેઓ કલેક્ટર ઓફિસે જઈ આ મૂર્તિઓ અને અવશેષોની યોગ્ય જાળવણી માટેની માગણી કરતું નિવેદન રજૂ કરશે, તેમ ધાર્મિક જૂથના સૂત્રોએ જણાવ્યું હતું. એક અહેવાલમાં તેમણે જણાવ્યું હતું કે અમે શાંતિ ડહોળવા કે મસ્જિદમાં થતી ધાર્મિક પ્રવૃત્તિઓને કોઈ ખલેલ પહોંચાડવા માગતા નથી.
ભરૂચના મુક્તાનંદ સ્વામીએ જામા મસ્જિદના ભોંયરાનો વીડીયો જાહેર કર્યો | JamaMasjid | Hindu Temple ભરૂચની ઐતિહાસિક જામા મસ્જિદ વિવાદ મામલે આજે એક ચોંકાવનારો વળાંક આવ્યો છે. સંત સમાજના મુક્તાનંદ સ્વામીએ એક વીડિયો જાહેર કરીને મસ્જિદના ભોંયરામાં મૂર્તિઓ હોવાનો સનસનાટીભર્યો દાવો કર્યો… pic.twitter.com/Q7bfmY9STd
— Mumbai Samachar Official (@Samachar_Mumbai) June 13, 2026
જ્યારે બીજી બાજુ જામા મસ્જિદના ટ્રસ્ટીઓ દ્વારા એએસઆઈને આજના મેળાવડા મામલે ચિંતા વ્યક્ત કરતો પત્ર લખવામાં આવ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. આ રજૂઆતને ધ્યાનમાં લઈ એએસઆઈએ ભરૂચ કલેક્ટરને પત્ર લખીને જણાવ્યું હતું કે કેન્દ્રીય રીતે સંરક્ષિત સ્મારક પર મેળાવડાને બોલાવતા વીડિયો સોશિયલ મીડિયા પર ફરતા થઈ રહ્યા છે. એએસઆઈ એ પોતાના પત્રમાં જણાવ્યું હતું કે મસ્જિદ સંવેદનશીલ હોવાથી, અનિચ્છનીય ઘટનાઓ બનવાની શક્યતા છે.
વધુમાં જણાવવામાં આવ્યું હતું કે આવા મેળાવડા સાંપ્રદાયિક સૌહાર્દને અસર કરી શકે છે અને સંરક્ષિત માળખાને ભૌતિક નુકસાન પહોંચાડી શકે છે. તેમણે જિલ્લા વહીવટીતંત્રને સ્મારકની સુરક્ષા માટે યોગ્ય વ્યવસ્થા કરવા વિનંતી કરી હતી, તેવી માહિતી અહેવાલો દ્વારા મળી હતી. ત્યારબાદ કલેક્ટરે જાહેરનામું બહાર પાડી લોકોને એએસઆઈના નિયમોને આધીન રહેવા અને પોલીસની સૂચનાઓને અનુસરવા કહ્યું હતું, તેમ અહેવાલો જણાવે છે. આ મામલે ભરૂચ પોલીસ વિભાગ કે કલેક્ટર કચેરીનો સીધો સંપર્ક થઈ શક્યો નથી.