Fri Jul 24 2026

Logo

ભચાઉમાં મંદિર પરિસરમાંથી લીલા ગાંજાનું વાવેતર ઝડપાયું, મહંતની ધરપકડ

2026-04-07 14:41:00
Author: Mumbai samachar Team
Article Image

ભુજઃ  કચ્છ જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી નશાખોરીના વધતા જતા દૂષણને  ડામવા માટે પૂર્વ કચ્છ પોલીસ દ્વારા આદરેલી 'નો ડ્રગ્સ ઈન કચ્છ' ઝુંબેશ હેઠળ ભચાઉ પોલીસે શહેરની આઈ માતા હોટેલ નજીક આવેલા એક મંદિરના પરિસરમાં દરોડો પાડી ગેરકાયદેસર રીતે ઉગાડવામાં આવેલા ગાંજાના ૫૯ છોડ સાથે એક મહંતની અટકાયત કરી છે.

પ્રાપ્ત વિગતો મુજબ, પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમારની સૂચના હેઠળ ભચાઉ પોલીસ મથકના પી.આઈ ડી.ડી. ઝાલા અને તેમની ટુકડી પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન પોલીસ હેડ કોન્સ્ટેબલ ઈકબાલ ખાન નાગોરી અને કોન્સ્ટેબલ દિનેશ ગજ્જરને ચોક્કસ બાતમી મળી હતી કે, ભચાઉ શહેર નજીક આવેલી આઈ માતા હોટેલ પાસેના વિસ્તારમાં નશીલા પદાર્થનું વાવેતર કરવામાં આવ્યું છે. બાતમીના આધારે પોલીસે પ્રગટ પહાડી હનુમાન મંદિર પરિસરમાં દરોડો પાડ્યો હતો.

તપાસ દરમિયાન મંદિરના પરિસરમાંથી ગેરકાયદે રીતે ઉગાડવામાં આવેલા લીલા ગાંજાના કુલ ૫૯ છોડ મળી આવ્યા હતા. પોલીસે સ્થળ પરથી વાવેતર કરનાર મહંત લખનગીરી મુનશીલાલની ધરપકડ કરી છે. આ કાર્યવાહીમાં પોલીસે ૫૯ છોડ અને સુકા ગાંજાના જથ્થા સહિત કુલ રૂ. ૩,૫૫,૦૦૦નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

ધાર્મિક સ્થળની આડમાં ચાલી રહેલા આ નશાના કાળા કારોબારનો પર્દાફાશ થતા પંથકમાં ચકચાર મચી ગઈ છે. ભચાઉ પોલીસે આ મામલે નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ (એનડીપીએસ)  એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધીને તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

(ઉત્સવ વૈદ્ય)