Thu Apr 30 2026

Logo

કથા કોલાજઃ મારી મા મુશ્તરીબાઈ ફૈઝાબાદની એક જાણીતી તવાયફ હતી...

2026-03-19 10:01:00
Author: Kajal oza Vaidya
Article Image

 

કાજલ ઓઝા-વૈદ્ય

નામ: બેગમ અખ્તર (અખ્તરીબાઈ ફૈઝાબાદી)
સમય: 30 ઓક્ટોબર, 1974
સ્થળ: (વાડીલાલ સારાભાઈ હૉસ્પિટલ) અમદાવાદ 
ઉંમર:  60 વર્ષ

અમદાવાદની એ સાંજ મારા જીવનની આખરી સાંજ બની રહેશે એવું મેં ક્યારેય વિચાર્યું નહોતું. કાર્યક્રમ ઘણા સમય પહેલાં નિશ્ચિત થયો હતો, પણ મારી તબિયત સારી નહોતી રહેતી એટલે સહુ વિચાર કરતા હતા કે આ કાર્યક્રમમાં મારે જવું જોઈએ કે નહીં. આ પહેલાં મને બે હાર્ટ એટેક આવી ચૂક્યા હતા. ડૉક્ટરે જીવનશૈલી બદલવા માટે ખૂબ હિદાયત કરી હતી, પણ હું એમ ડરતાં ડરતાં ન જીવી શકું, મૃત્યુ તો આવશે જ, આજે નહીં તો કાલે... એથી જિંદગીના જેટલાં વર્ષ બચ્યાં છે એટલાં વર્ષ ભય અને સંકોચ સાથે તો નહીં જીવી શકાય... શરાબ, તમાકુ, મિત્રો, મહેફિલ અને સંગીત! આ જ તો મારા અસ્તિત્વનો પર્યાય છે, એ ન હોય તો જીવવાનો મતલબ જ શું છે? 

બેગમ અખ્તરનું નામ લેવાય એની સાથે જ એકાદી ગઝલ કે ઠુમરી તમારા દિલ-ઔ-દિમાગમાં આપોઆપ ગૂંજવા ન માંડે તો બેગમ અખ્તરની હયાતિનો કોઈ મતલબ જ નથી! આજે વિચારું છું તો સમજાય છે કે, જિંદગી કેટલી ખૂબસૂરત ગુજરી છે. 1914માં મુશ્તરીબાઈ નામની તવાયફને ત્યાં એક અખ્તરીબાઈનો જન્મ થયો ત્યારે કોને ખબર હતી કે, ભારતીય સંગીતની દુનિયામાં એ છોકરી એક એવું નામ બની જશે જેને સદીઓ સુધી ભૂલાવી નહીં શકાય. જેને પિતાનું નામ નથી મળ્યું એવી એક છોકરી, સંગીતની દુનિયામાં ઈતિહાસ બની જશે એવી કલ્પના મારી માએ મને પહેલી વખત હાથમાં લીધી ત્યારે નહીં જ કરી હોય... 

મારી મા મુશ્તરીબાઈ ફૈઝાબાદની જાણીતી તવાયફોમાંની એક હતી. ઉમરાવ જાન જે જાણીતી તવાયફ અને ગઝલકાર હતી, જે ‘અદા’ના તખલ્લુસ સાથે ગઝલો લખતી, એ ફૈઝાબાદમાં જન્મી હતી. મારી મા પણ ફૈઝાબાદની હતી એટલે ઉમરાવ જાનની ગઝલો ગાવી એને ખૂબ ગમતી. 

આજે વિચારું છું તો સમજાય છે કે મારી મા બહુ સારી કમ્પોઝર પણ હતી. ઉમરાવ જાન, મીર તકી મીર, દાગ દહેલવી અને બાદશાહ મુઝફ્ફર શાહની કેટલીય ગઝલોને મારી માએ જાતે કમ્પોઝ કરી હતી. શુદ્ધ શાસ્ત્રીય રાગો પર આધારિત આ કોમ્પોઝિશન મારી મા જ્યારે ગાતી ત્યારે હવા થંભી જતી, કદરદાનોના હૃદય ધબકવાનું છોડી દેતા. એના અવાજમાં એક કશિશ હતી, ને આંખોમાં એક જુદી જ જાતનું ઈજન હતું. ફૈઝાબાદ, લખનઊ, વારાણસી અને ઉત્તર પ્રદેશના કેટલાક વિસ્તારોમાં આવી તવાયફોના ખાસ મકાનો-કોઠીઓ હતી. 

આ તવાયફો માત્ર મનોરંજન કરતી, સેક્સ વર્કિંગનું કામ એ સમયે ખાનદાની તવાયફોને કરવાની જરૂર નહોતી. એમના સંગીત અને નૃત્યના કદરદાનો એમની પાછળ પૈસા લૂંટાવતા, ભેટો આપતા અને સામે આ તવાયફો પોતાની કલાથી એમને રિઝવતી. તવાયફ જ્યારે યુવાન થાય ત્યારે એના પહેલાં કાર્યક્રમ માટે આખા શહેરને આમંત્રણ આપવામાં આવતું. 

મોટામોટા નવાબોના ખાનદાનમાં આવા પહેલાં કાર્યક્રમનું આમંત્રણ મેળવવું એ ગર્વની વાત માનવામાં આવતી. પહેલાં કાર્યક્રમ પછી કેટલાક ઘરાનામાં ‘નથ ઉતારવાની’ વિધિ કરવામાં આવતી. આ વિધિ એટલે તવાયફની વર્જિનિટી બ્રેક કરવાની, એની સાથે પહેલીવાર સંભોગ કરવાની વિધિ. આ વિધિ માટે બોલી બોલાતી-એ સમયમાં (1920-30) લાખો રૂપિયા ખર્ચીને તવાયફની યુવાન દીકરી સાથે પહેલીવાર સંભોગ કરવો એ બહુ મોટી વાત ગણવામાં આવતી. યુવા નવાબોથી શરૂ કરીને 60-70ના ઘરડાખખ્ખ થઈ ગયેલા, લાકડીના સહારે ચાલતા નવાબો પણ આવી બોલીમાં ભાગ લેતા. જે નવાબ નથ ઉતારે એને તવાયફ સાથેના એક્સક્લુઝિવ સંબંધનો પહેલો અધિકાર મળતો... 

આ એક્સક્લુઝિવ સંબંધ એટલે, એ તવાયફ નવાબની રખેલ, કેપ્ટ કે ઉપપત્ની બનીને રહેતી. એમની બેગમોને પણ આવી તવાયફો વિશે માહિતી રહેતી. કોઈ વિરોધ કે વાંધા વગર આવા સંબંધો ગોઠવાતા અને ચાલતા રહેતા. દરેક તવાયફનો એક ‘સાહેબ’ હતો,જે એની એક્સક્લુઝિવ રિલેશનશિપ બની જતી. એ તવાયફના તમામ ખર્ચા, શોખ અને જીવનયાપનની જવાબદારી નવાબ સાહેબની રહેતી. મોટેભાગે આવી તવાયફો પોતાના માટે આવો એકાદ ‘સાહેબ’ ગોતી લે, પછી માત્ર આમંત્રણથી મળેલી મહેફિલો સિવાય નાચવા-ગાવાનું પસંદ કરતી નહીં. 

મારા પિતા ફૈઝાબાદના પ્રખ્યાત ખાનદાનોમાંથી હતા. નવાબના સંતાન હોવાને કારણે આવી એકાદ તવાયફ સાથેનો સંબંધ જાયઝ હતો, બલ્કે એ સમયે એવું માનવામાં આવતું હતું કે, નવાબોના ખાનદાનના ‘લૌન્ડા’ જો આવી એકાદ ‘બાઈજી’ સાથે ઐયાશી ન કરતા હોય તો એમનામાં કોઈ ખોટ હોવી જોઈએ! એક કે એકથી વધુ ઉપપત્નીઓ રાખવી એ નવાબી ખાનદાનમાં ફક્રની વાત માનવામાં આવતી. કયા નવાબ પાસે કેટલી તવાયફો છે એ વાત પર ક્યારેક ચડસાચડસી પણ થઈ જતી, પરંતુ એક ખાનદાની બાબત એ હતી કે, જો એક નવાબ સાથે એક તવાયફનો સંબંધ હોય તો તવાયફ પણ બીજા નવાબ સાથે અદબ અને તહેઝીબથી વર્તતી, ને નવાબ પણ કોઈ એક નવાબની રખેલ સાથે ક્યારેય બદતમીઝી ન કરતા! 

હું એ સમયની વાત કરું છું જ્યારે રાખરખાવ અને અદબ ફૈઝાબાદ અને લખનઊના જીવનશૈલી નો ભાગ હતો. હું જન્મી ત્યારે, 1914માં લખનઊ અને ફૈઝાબાદ હજી નવાબી તહેઝીબ અને શાઈસ્તગી, રવાયત અને અદબ હજી જીવંત હતા.

લખનઊનો ઈતિહાસ પણ સમજવા જેવો છે. સઆદત અલી ખાન પ્રથમને અવધ વંશના સ્થાપક માનવામાં આવે છે. તેમને ‘બુરહાન-ઉલ-મુલ્ક’ તરીકે પણ ઓળખવામાં આવે છે, જે તેમને મુઘલ સમ્રાટ બહાદુર શાહ દ્વારા આપવામાં આવેલ ઉપાધિ હતી. 1722 માં, તેમણે એક સ્વાયત્ત રાજ્યની સ્થાપના કરી. લખનઊના વિકાસમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. સઆદત અલી ખાન (પહેલા) પછી, અવધના બીજા નવાબ, સફદરજંગ હતા. તેઓ દિલ્હીના મુઘલ સમ્રાટ અહમદ શાહ બહાદુરના શક્તિશાળી વઝીર-એ-આઝમ હતા. તેમણે 1748 થી 1753 સુધી સેવા આપી. જેમની કબર દિલ્હીમાં સફદરજંગ મકબરો તરીકે ઓળખાય છે. 

લખનઊના નવાબોમાં ચોથા અને સૌથી શક્તિશાળી આસફ-ઉદ-દૌલા હતા, તેમને શુજા-ઉદ-દૌલા પછી ફૈઝાબાદની ગાદી મળી. એવું કહેવાય છે કે આસફ-ઉદ-દૌલાએ 1784 માં અનેક ઈમારતો બંધાવી જે આજે તેની કારીગરી માટે પ્રખ્યાત છે.
 
અવધના સઆદત અલી ખાને પણ રાજધાનીમાં ઘણી સુંદર ઇમારતોના બાંધકામ કરાવ્યાં. એવું કહેવાય છે કે લખનઊના છેલ્લા નવાબ વાજિદ અલી શાહ હતા. એમને મૂર્ખ બનાવીને 1956માં બ્રિટિશ ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ અવધને પોતાના શાસનમાં ભેળવી દીધું. 

વાજિદ અલી શાહને કલકત્તા (મેટિયા બ્રિજ)ના નિવાસ સ્થાને નજરકેદ કરવામાં આવ્યા, જ્યાં 1887માં એમનું મૃત્યુ થયું. જોકે, નવાબના વંશજને સાલિયાણું આપવામાં આવતું, સમાજમાં એમનો પ્રભાવ એટલો જ હતો, પરંતુ એમની પાસે કોઈ શાસન કે રાજનીતિક બળ નહોતું. 1914માં, હું જ્યારે જન્મી ત્યારે પ્રથમ વિશ્વયુદ્ધ શરૂ થયું. 

બ્રિટિશ સરકારે ભારતીય લોકો પાસે સહયોગની માગણી કરી, પરંતુ 1914માં અવધ અથવા લખનઊ પર બ્રિટિશ શાસનનું પૂરેપૂરું નિયંત્રણ હતું. યુનાઈટેડ પ્રોવિન્સનો હિસ્સો એવાં આગ્રા અને અવધ અંગ્રેજ અધિકારી અને ગવર્નરના હાથમાં હતા.

1914માં પહેલું વિશ્વયુદ્ધ શરૂ થયું ત્યારે ઈન્ડિયન નેશનલ કૉંગ્રેસ અને ઓલ ઈન્ડિયા મુસ્લિમ લીગે અવધ ઉપર પોતપોતાનો કબજો જમાવવાની શરૂઆત કરી દીધી હતી. 

લખનઊ એક જ એવું શહેર છે જ્યાં હિન્દુ અને મુસ્લિમ બંને કોમનું એકસરખું વર્ચસ્વ હતું. હિન્દુઓ માટે એ ‘અવધ’ હતું જ્યારે મુસ્લિમો માટે એ ‘લખનઊ’ હતું... અવધિબોલી અને ઉર્દૂ બંને એક જ જગ્યાએ બોલાતા. આ એવી જગ્યા હતી, જે ભવિષ્યમાં મારી ઓળખ અને મારા અસ્તિત્વનો હિસ્સો બનવાની હતી... (ક્રમશ:)