Thu Jul 23 2026

Logo

મુન્દ્રા પાસે ખનીજ માફિયાઓ પર તંત્રનો સપાટો: પાવાપુર ચોકડી પરથી રોયલ્ટી વિનાની મોરમ ભરેલી ટ્રક સાથે રુ.20 લાખનો મુદ્દામાલ જપ્ત

2026-06-19 10:17:00
Author: Mumbai Samachar Team
Article Image

ભુજ: કચ્છ જિલ્લામાં ચાલતી ગેરકાયદેસર ખનીજ ચોરી અને વહન પ્રવૃત્તિઓ વિરૂદ્ધ મુન્દ્રા મહેસૂલ તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટની સરપ્રાઈઝ ચેકિંગ ટીમ દ્વારા પાવાપુર ચોકડી નજીકથી ગેરકાયદેસર રીતે મોરમનું પરિવહન કરતી એક ટ્રકને ઝડપી પાડી કુલ 20 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

પ્રાપ્ત વિગતો મુજબ, ગઈકાલે 18 જૂનના રોજ મુન્દ્રા મામલતદાર કચેરીના ઉચ્ચ અધિકારીઓની ટુકડી ફિલ્ડ વિઝીટ પર હતી ત્યારે પાવાપુર ચોકડી પાસેથી પસાર થતી એક શંકાસ્પદ નંબર વગરની આઇવા ટ્રકને અટકાવીને તપાસ કરવામાં આવી હતી. ટ્રકની તલાશી લેતાં તેમાંથી પાસ-પરમિટ કે રોયલ્ટી ચોરી કરીને લઈ જવાતો અંદાજે 15 મેટ્રિક ટન જેટલો સાદી મોરમનો જથ્થો મળી આવ્યો હતો. ખનીજ પરિવહનના આધારભૂત દસ્તાવેજો ન હોઈ, તંત્રએ ટ્રકના ચાલક ઈશ્વર મેઘવાળની અટકાયત કરી વાહન અને ખનીજનો જથ્થો કબ્જે કર્યો હતો.

મહેસૂલ વિભાગ દ્વારા ગેરકાયદેસર ખનીજ વહનમાં વપરાયેલી અંદાજિત 20 લાખ રૂપિયાની કિંમતની ટ્રક તથા મોરમ સહિતનો તમામ મુદ્દામાલ સીઝ કરીને મુન્દ્રા પોલીસ મથકે સોંપવામાં આવ્યો છે. આ મામલે ખાણ-ખનીજ વિભાગને આગળની દંડનીય અને કાયદેસરની કાર્યવાહી કરવા માટેનો અહેવાલ મોકલી આપવાની તજવીજ શરૂ કરવામાં આવી છે. તંત્રની આ આકસ્મિક કાર્યવાહીથી ફાવી ગયેલા સ્થાનિક ખનીજ ચોરોમાં ફફડાટ વ્યાપી ગયો છે.