અજય મોતીવાલા
ભારતની ડોમેસ્ટિક ક્રિકેટના બેટિગ-લેજન્ડ અને ભારતની મહિલા ક્રિકેટ ટીમના હેડ-કોચ અમોલ મુઝુમદારે તાજેતરમાં બહુ સરસ નિવેદન આપ્યું હતું. ભારતીય મહિલા ટીમે દુબઈમાં એશિયા કપ ટી-20 ટૂર્નામેન્ટ જીતી લીધા બાદ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના ચીફ તથા એશિયન ક્રિકેટ કાઉન્સિલના ચેરમેન મોહસિન નકવીના હાથે ટ્રોફી સ્વીકારવાની મનાઈ કરી અને છેવટે ભારતીય ટીમ સુધી ટ્રોફી ન પહોંચી શકી એને પગલે અમોલે પત્રકારોને કહ્યું હતું કે `બીસીસીઆઈએ (નકવીના હાથે ટ્રોફી ન સ્વીકારવાનો) જે અભિગમ અપનાવ્યો એ અમને શિરોમાન્ય છે.
અમે માત્ર એટલું જ જાણીએ છીએ કે અમારા માટે આ ટૂર્નામેન્ટ (એશિયા કપ) હવે પૂરી થઈ ગઈ છે અને અમે ચેમ્પિયન બની ગયા છીએ. અમારા માટે એ પૂરતું છે. અમારા માટે આ ટૂર્નામેન્ટનો સત્તાવાર રીતે અંત આવી ગયો છે અને હવે અમારું લક્ષ્ય એશિયન ગેમ્સની ટ્રોફી જીતવાનું છે.'
પુરુષ અને મહિલા, બંને વર્ગની એશિયન ગેમ્સ ટી-20માં ભારત ડિફેન્ડિંગ ચેમ્પિયન છે. ભારતની મેન્સ ટીમે 2025માં સૂર્યકુમાર યાદવની કેપ્ટન્સીમાં એશિયા કપ ટૂર્નામેન્ટ જીતી લીધી હતી અને મહિલા ટીમે તાજેતરમાં જ હરમનપ્રીત કૌરના સુકાનમાં વિજેતાપદ મેળવ્યું. ભારતે એશિયન ક્રિકેટ કાઉન્સિલના ચેરમેન મોહસિન નકવીને અવગણ્યો એટલે ભારતને આ બંને એશિયા કપ ટ્રોફી નથી મળી શકી.
હવે બંને ચેમ્પિયન ભારતીય ટીમે એશિયન ગેમ્સમાં પણ પરચો બતાવી દેવાનો છે. એશિયન ગેમ્સ રમતોત્સવ ઓલિમ્પિક્સના છત્ર હેઠળ આવતો હોવાથી અને યજમાન તરીકે જાપાન હોવાથી ભારતની બંને ક્રિકેટ ટીમ જો ચેમ્પિયન બનશે તો તેમને ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવશે.
આ પહેલાં, 2022માં ચીનના હાંગઝોઉમાં યોજાયેલી એશિયન ગેમ્સમાં ભારતીય મહિલાઓએ હરમનપ્રીતની કેપ્ટન્સીમાં જ ફાઈનલમાં શ્રીલંકાને 19 રનથી હરાવીને ગોલ્ડ મેડલ જીતી લીધો હતો. એ ટૂર્નામેન્ટમાં ભારત અને શ્રીલંકા પહેલા તથા બીજા નંબર પર રહ્યા હતા જ્યારે ત્રીજા સ્થાન માટેની મેચમાં બાંગ્લાદેશે પાકિસ્તાનને હરાવી દીધું હતું.
અગાઉ 2010 અને 2014ની એશિયન ગેમ્સ ક્રિકેટ ટૂર્નામેન્ટમાં પાકિસ્તાન ચેમ્પિયન બન્યું હતું. જોકે ભારતે ત્યારે આંતરરાષ્ટ્રીય ક્રિકેટનું શેડ્યૂલ ખૂબ જ વ્યસ્ત હોવાને કારણે એ બન્ને ટૂર્નામેન્ટમાં ભાગ નહોતો લીધો.
આ વર્ષના જુલાઈ મહિનામાં ભારતની મહિલા ટીમ ટી-20 વર્લ્ડ કપમાંથી વહેલી બહાર થઈ ગઈ હતી. જોકે એશિયા કપમાં ભારત સૌથી શક્તિશાળી ટીમ છે એટલે એશિયન ગેમ્સનું ટાઈટલ પણ જીતવા માટે હોટ ફેવરિટ છે.
એશિયા કપની ફાઈનલમાં ભારતે શ્રીલંકાને હરાવીને ચેમ્પિયનપદ મેળવી લીધું હતું. એ પહેલાં, એ જ ટૂર્નામેન્ટમાં પાકિસ્તાનની ટીમને ખૂબ ખરાબ રીતે હરાવી હતી. આ બે પરિણામને ધ્યાનમાં લેતાં તેમ જ અન્ય ટીમોની સ્થિતિ જોતાં ભારતની મહિલા ટીમ ગોલ્ડ મેડલ જીતવા માટે સૌથી વધુ દાવેદાર છે. શુક્રવારે ભારતની મહિલા ટીમ જાપાનને હરાવીને સેમિ ફાઇનલમાં પહોંચી ગઈ હતી જેમાં રવિવારે ભારતનો મુકાબલો બાંગ્લાદેશ સામે થશે.
ભારતની મહિલાઓએ તાજેતરના એશિયા કપની ફાઈનલમાં શ્રીલંકાને 72 રનથી હરાવી દીધું હતું, પરંતુ એશિયન ગેમ્સમાં એકમાત્ર શ્રીલંકાની ટીમ એવી છે જે ભારતને સૌથી વધુ પડકાર આપી શકે છે. 2024ના એશિયા કપની ફાઇનલમાં શ્રીલંકાએ જ ભારતને હરાવીને ટ્રોફી જીતી લીધી હતી. જોકે ત્યાર બાદ શ્રીલંકાની ટીમ ભારતને ટી-20ના સાત મુકાબલામાં ક્યારેય નથી હરાવી શકતી.
જેમિમા રોડ્રિગ્સ ઈજાને કારણે એશિયન ગેમ્સમાં નથી રમી રહી. જોકે તેને બાદ કરતા હરમનપ્રીત કૌર, સ્મૃતિ મંધાના, શેફાલી વર્મા, દીપ્તિ શર્મા, ક્રાંતિ ગૌડ, નંદની શર્મા, રિચા ઘોષ સહિતની તમામ મુખ્ય ખેલાડીઓ ભારતીય ટીમમાં સામેલ છે.
પુરુષોની ટી-20માં શ્રેયસ ઐયરની કેપ્ટન્સીમાં ભારતીય ટીમની પહેલી મેચ 28મી સપ્ટેમ્બરે રમાશે. જોકે એ પહેલાં ભારતીય ક્રિકેટરો રવિવારે જાપાન પહોંચી ગયા બાદ મંગળવારે (22મી સપ્ટેમ્બરે) યજમાન જાપાનની ટીમ સામે ઐતિહાસિક ટી-20 મુકાબલામાં ઝુકાવશે. મેન્સ ક્રિકેટમાં જાપાનની એ પહેલી જ આંતરરાષ્ટ્રીય મેચ હશે.
28મી સપ્ટેમ્બરે ભારતની મેચ સીધી ક્વોર્ટર ફાઈનલમાં ગ્રૂપ-એની રનર-અપ ટીમ સામે રમાશે. 2025માં ભારતે સૂર્યકુમાર યાદવના સુકાનમાં એશિયા કપ જીતી લીધો હતો. જોકે સૂર્યકુમારને ત્યાર પછી ભારતીય ટી-20 ટીમની બહાર કરી દેવામાં આવતાં હવે શ્રેયસ ઐયરની કેપ્ટન્સીમાં ભારતીય ટીમ ટી-20 ટૂર્નામેન્ટો રમી રહી છે.
એશિયન ગેમ્સ માટેની બંને ભારતીય ટીમ
પુરુષોની ટીમ: શ્રેયસ ઐયર (કેપ્ટન), તિલક વર્મા (વાઈસ કેપ્ટન), સંજુ સેમસન (વિકેટકીપર), ઈશાન કિશન (વિકેટકીપર), વૈભવ સૂર્યવંશી, અભિષેક શર્મા, શિવમ દુબે, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, જસપ્રીત બુમરાહ, અર્શદીપ સિંહ, રવિ બિશ્નોઈ, વિપ્રજ નિગમ અને યશ ઠાકુર.
મહિલાઓની ટીમ: હરમનપ્રીત કૌર (કેપ્ટન), સ્મૃતિ મંધાના (વાઇસ કેપ્ટન), શેફાલી વર્મા, રિચા ઘોષ (વિકેટકીપર), ભારતી ફુલમાલી, જી. કમલિની, શ્રેયંકા પાટીલ, દિપ્તિ શર્મા, ક્રાંતિ ગૌડ, અરૂંધતી રેડ્ડી, રેણુકા સિંહ ઠાકુર, નંદની શર્મા, શ્રી ચરની અને રાધા યાદવ.
ભારતીય ઍથ્લીટો પાસે શું અપેક્ષા રાખી શકાશે?
આ પહેલાં 2022માં ચીનના હાંગઝોઉમાં યોજાયેલી એશિયન ગેમ્સમાં ભારત 107 મેડલ જીત્યું હતું. આ રમતોત્સવમાં ભારતનો અત્યાર સુધીનો એ સર્વશ્રેષ્ઠ પર્ફોર્મન્સ છે. આ વખતે ભારતના કુલ 500થી વધુ ઍથ્લીટ અને ખેલાડી એશિયન ગેમ્સમાં ભાગ લઈ રહ્યા છે. એ જોતાં, ગયા વખત કરતાં વધુ ચંદ્રકો આવવાની અપેક્ષા રાખી શકાય. ભારતીયો આશરે 36 પ્રકારની રમતની હરીફાઈઓમાં ભાગ લેશે.
ક્રિકેટમાં ભારતને બંને ગોલ્ડ મેડલ મળવાની પાક્કી સંભાવના છે. પગની ઘૂંટીની ઈજાને કારણે ભાલાફેંકનો ચેમ્પિયન નીરજ ચોપડા એશિયન ગેમ્સમાં ભાગ નથી લેવાનો એમ છતાં ભારતને ઘણા ઍથ્લીટો અને ખેલાડીઓ પાસે મેડલની આશા છે. નિશાનબાજીમાં મનુ ભાકર ભારતને ઓછામાં ઓછા બે ચંદ્રક અપાવી શકે. ગઈ ઑલિમ્પિક્સમાં તે શૂટિગના બે બ્રોન્ઝ મેડલ જીતી હતી. બેડમિન્ટનમાં પી. વી. સિંધુ તથા લક્ષ્ય સેન તેમ જ સાત્વિકસાંઇરાજ અને ચિરાગ શેટ્ટીની જોડી પાસે ઘણી અપેક્ષા છે.
મહિલાઓની વેઇટલિફ્ટિંગમાં મીરાંબાઈ ચાનુ તથા પુરુષોની 57 કિલો ફ્રીસ્ટાઈલ કુસ્તીમાં અમન સહેરાવત પર ભારતનો સૌથી વધુ મદાર છે. આ ઉપરાંત બીજા ઘણા આશાસ્પદ ઍથ્લીટો ભારતને ચંદ્રકોની સેન્ચુરી સુધી પહોંચાડી શકે.