Thu Jul 23 2026

Logo

કચ્છની સદીઓ જૂની વિરાસતનું વૈશ્વિક સન્માન ‘રોગાન કળા’ના અનન્ય કારીગર આશિષ કંસારાને ‘ડૉક્ટરેટ’ની પદવી

2026-07-11 10:58:00
Author: Mumbai Samachar Team
Article Image

ભુજઃ છેક પર્શિયા (ઈરાન) અને તેની આસપાસના દેશોમાં આજથી આશરે ૩૦૦ વર્ષ પહેલાં પ્રચલિત થયેલી અને સમૃદ્ધ વારસો ધરાવતી 'રોગાન કળા' માટે કચ્છ અને ગુજરાત સમગ્ર વિશ્વમાં વિશિષ્ટ ઓળખ ધરાવે છે. જો કે, સમયના બદલાતા પ્રવાહ અને આર્થિક પડકારોને કારણે આ અદભુત અને પ્રાચીન હસ્તકળા હવે લુપ્ત થવાને આરે પહોંચી ગઈ છે. સામાન્ય રીતે મુસ્લિમ કારીગરોનું આધિપત્ય ધરાવતી આ અટપટી ચિત્રકળાના સંવર્ધનમાં એક વિશિષ્ટ આશ્ચર્ય એ છે કે, સમગ્ર વિશ્વમાં અત્યારે માત્ર એક જ હિન્દુ પરિવાર આ કળાની માવજત કરી રહ્યો છે. ભુજ નજીકના માધાપર ગામે રહેતો સોની પરિવાર આ રોગાન કળાના સહારે પોતાનો જીવન નિર્વાહ ચલાવે છે.

કોણ છે આશિષ કંસારા

કચ્છના ભુજ તાલુકાના માધાપરના વતની અને આ પ્રાચીન કળાના સત્તાવાર જી.આઈ. (GI-718) અધિકૃત વપરાશકર્તા એવા આશિષ શાંતિલાલ કંસારા લાંબા સમયથી રોગન આર્ટના સંરક્ષણ અને સંવર્ધન માટે નિષ્ઠાપૂર્વક કાર્યરત છે. તેમની આ અનન્ય સેવાઓને બિરદાવતા, ૭ જુલાઈ, ૨૦૨૬ના રોજ આયોજિત એક ભવ્ય સમારોહમાં ઉત્તર પ્રદેશના રાજ્યપાલ અને કુલાધિપતિ શ્રીમતી આનંદીબેન પટેલના હસ્તે તેમને લખનઊની ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામ ટેકનિકલ યુનિવર્સિટી (AKTU)ના ૨૪મા પદવીદાન સમારોહમાં માનદ ડૉક્ટરેટ (D.Litt.)ની પદવી એનાયત કરવામાં આવી છે. ભારતીય પ્રાચીન હસ્તકળા અને તેના અસલ કારીગરોને વૈશ્વિક સ્તરે ગૌરવ અપાવતી આ એક ખૂબ જ મોટી અને ઐતિહાસિક સિદ્ધિ છે.

ડૉ. આશિષ કંસારાએ આ લુપ્ત થતી કળાને માત્ર પોતાના સુધી મર્યાદિત ન રાખતા, તેને જીવંત રાખવાની સાથે-સાથે સ્થાનિક મહિલાઓને તેની સઘન તાલીમ આપીને રોજગારી પૂરી પાડી છે. કળાના માધ્યમથી મહિલાઓને આત્મનિર્ભર બનાવીને તેમણે સમાજના ઉત્થાનમાં બહુમૂલ્ય યોગદાન આપ્યું છે.

ગુજરાતમાં આ સમાજમાં રોગાન કળાની છાપવાળા વસ્ત્રોનું વિશેષ મહત્વ હતું

ઇતિહાસ પર નજર કરીએ તો, રોગાન કળા પર્શિયાથી પેશાવર અને સિંધ થઈને કચ્છના નખત્રાણા તાલુકાના નિરોણા ગામ સુધી પહોંચી હતી. ત્યારબાદ તેનો વ્યાપ છેક અમદાવાદ અને ઉત્તર ગુજરાત સુધી વિસ્તર્યો હતો. એક જમાનામાં રોગાન કળાની મદદથી તૈયાર કરાયેલાં ચણિયા-ચોળી અરેબિયા ઉપરાંત ગુજરાતમાં લગ્ન પ્રસંગે દુલ્હન માટેનો વિશેષ શણગાર બનતાં હતાં. ખાસ કરીને ગુજરાતના ભરવાડ અને રબારી સમાજમાં રોગાન કળાની છાપવાળા વસ્ત્રોનું વિશેષ મહત્વ હતું. પૂર્વે ડીસા, પાલનપુર, પાટણ, અમદાવાદ, સુરેન્દ્રનગર અને ભાભરની બજારોમાં રોગાન કળાના કાચા માલ-સામાનની ખાસ દુકાનો ધમધમતી હતી, જેમાંથી મોટાભાગની દુકાનો હવે ઈતિહાસ બની ગઈ છે. હાલમાં માત્ર અમદાવાદ, વિરમગામ અને મહેસાણા ખાતે જ તેનો કાચો માલ જેમ કે જુદા જુદા રંગના પથ્થરો, એરંડિયાનું તેલ, માટીના કલર અને સુતરાઉ કાપડ માંડ મળી રહે છે. આ કળાથી તૈયાર થયેલાં વસ્ત્રો કોઈ મોલ કે દુકાનોમાં વેચાતા નથી, પરંતુ રસિકોએ સીધો કારીગરોનો સંપર્ક કરીને ઓર્ડર મુજબ જ તૈયાર કરાવવા પડે છે.

શું છે આ કળાના ખાસિયત

અગાઉના સમયમાં લાકડાના બ્લોકથી કાપડ પર ડિઝાઇનની ભાત પડાતી હતી, પરંતુ હવે કુશળ કારીગરો માત્ર એક તીક્ષ્ણ સળી કે પીંછીનો ઉપયોગ કરી સુતરાઉ કાપડ પર આબેહૂબ ભાત પાડે છે. ડૉ. આશિષ કંસારાએ જણાવ્યું કે, રોગાન કળામાં મુખ્યત્વે પીળો, કેસરી, લીલો, બ્લુ અને સફેદ જેવા પ્રાકૃતિક રંગોનો જ ઉપયોગ થાય છે. આ કળાની પ્રક્રિયા અત્યંત જટિલ છે, જેમાં એરંડિયાના તેલને સતત છથી સાત કલાક સુધી ઉકાળીને એકદમ ઘટ્ટ બનાવવામાં આવે છે. ત્યારબાદ તેમાં ચોક પાઉડર, માટીના કુદરતી રંગો ઉમેરી, પાણીની મદદથી ઠારીને રંગીન પેસ્ટ તૈયાર કરાય છે. આ રંગને હથેળી પર લઈ, પીંછી કે સળી વડે કાપડને અડક્યા વિના હવામાં જ તાર ખેંચીને અદભુત ડિઝાઈનો કંડારવામાં આવે છે.

વૈશ્વિક કીર્તિ છતાં સ્થાનિક સ્તરે સંઘર્ષ

રોગાન કળાનું વૈશ્વિક મહત્વ એ બાબત પરથી સમજી શકાય છે કે, આશરે એક દાયકા પહેલાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકાના તત્કાલીન રાષ્ટ્રપ્રમુખ બરાક ઓબામાને કચ્છના નિરોણા ગામના ખ્યાતનામ કલાકાર ગફૂરભાઈ ખત્રી દ્વારા નિર્મિત રોગાન કળાનું સુંદર વોલપીસ ભેટમાં આપ્યું હતું. આજે પણ જર્મની, અમેરિકા અને ફ્રાન્સ જેવા દેશોના પર્યટકો જ્યારે કચ્છ આવે છે ત્યારે આ કળાના મુખ્ય મથક ગણાતા નિરોણા ગામની અચૂક મુલાકાત લઈ વિવિધ નમૂનાઓ ખરીદે છે.

આમ છતાં, વર્તમાન સમયમાં આ મોંઘી અને મહેનત માંગી લેતી કળાના સહારે જીવન નિર્વાહ ચલાવવો કારીગરો માટે અત્યંત મુશ્કેલ બની રહ્યો છે. આશિષ કંસારાના જણાવ્યા મુજબ, સરકાર તરફથી કોઈ મોટું આર્થિક પ્રોત્સાહન કે બજાર વ્યવસ્થા મળતી નથી. આ કળાને જીવંત રાખવા તેઓ નવી પેઢી સામે તેનું લાઈવ નિર્દેશન કરે છે અને રસ ધરાવતા લોકોને તદ્દન નિઃશુલ્ક તાલીમ આપે છે. લુપ્ત થઈ રહેલા આ અમૂલ્ય વારસાને કાયમી મરણતોલ ફટકામાંથી બચાવવા માટે હવે સરકાર અને સ્વૈચ્છિક સંસ્થાઓએ સંગઠિત થઈને આગળ આવવું અનિવાર્ય બન્યું છે.

(ઉત્સવ વૈદ્ય)