Thu May 14 2026

Logo

કથા કોલાજઃ અસુરક્ષિત હોવાનો અનુભવ મને ભાગ્યે જ થાય છે

2026-05-14 09:03:00
Author: Kajal oza Vaidya
Article Image

કાજલ ઓઝા-વૈદ્ય

(ભાગ: 1)
નામ: અરુંધતિ રૉય
સમય: 2026
સ્થળ: દિલ્હી
ઉંમર:  64 વર્ષ

દરેક માણસની જિંદગી એના અસ્તિત્વનો આઇનો હોય છે. સામાન્ય હોય કે ખાસ, સફળ હોય કે નિષ્ફળ, અમીર હોય કે ગરીબ વ્યક્તિએ જીવેલાં વર્ષો એના જીવનના અનુભવની એક એવી મૂડી હોય છે જે એની જીવનકથા બની જાય છે. આત્મકથા માત્ર મોટા માણસોની, રાજનેતા કે અભિનેતાઓની, ઉદ્યોગપતિ કે સમાજસેવકની જ હોય એવું નથી. એક સામાન્ય માણસ પાસે પણ પોતાની આત્મકથા હોય જ છે. 

એના સંબંધોની, એના સંઘર્ષોની, એણે માણેલી ક્ષણોની... એના સ્મિતની, એના આંસુની કથા... મારી પાસે પણ એવી એક કથા છે... આ કોઈ બુકર પ્રાઇઝથી નવાજવામાં આવેલી કોઈ વિદ્રોહી લેખકની કથા નથી, બલકે એક અત્યંત સંવેદનશીલ, જીવનના ઉતાર-ચઢાવ જોઈ ચૂકેલી અને પોતાનો આગવો અવાજ ધરાવતી એક આધુનિક સ્ત્રીની કથા છે.

જીવન આપણને અનેક તક આપે છે-સામે આપણી પાસે અનેક તકો ખૂંચવી લે છે! દરેક વ્યક્તિએ પોતાના જીવનમાં ક્રૉસરોડ્સ પર ઊભા રહીને પસંદગી કરવાની હોય છે. આજે જિંદગીના 6 દાયકા પૂરા થઈ ગયા પછી વિચારું છું તો મને સમજાય છે કે મારા જીવનમાં પણ મને જે કંઈ મળ્યું એ અને મારી પાસેથી જે કંઈ ચાલી ગયું તે, બધું જ અંતે તો મારા વ્યક્તિત્વને ઘડતું રહ્યું છે. 

આજે વાચક કે દુનિયા જે અરુંંધતિ રૉયને ઓળખે છે એ કંઈ જન્મ સાથે હાથમાં કલમ લઈને જન્મેલી વ્યક્તિ નહોતી જ! મારી કથા એક એવી છોકરીની કથા છે જેણે એના બાળપણમાં એકલતા, તિરસ્કાર, અભાવ અને અધૂરપનો અનુભવ કર્યો છે. માનો માર ખાધો છે, ભાઈની સાથે નદીકિનારે રખડવાની મજા લીધી છે. બેઘર અને બિચારી થઈને જીવી છે... આ એવી છોકરીની વાત છે જેનું નામ સુઝાના હતું, છે!

આ લખી રહી છું ત્યારે મારી સામે જે પહેલો ચહેરો આવે છે એ મારી મા મૅરીનો છે. એક કડક સાડી પહેરતી, ટૂંકા વાળવાળી, શ્યામ વર્ણની છતાં નમણી, પોતાની દૃઢ માન્યતાઓ અને એને માટે સમાજ સાથે લડવાની હિંમત ધરાવતી એક એવી સ્ત્રી જે મારી મા હોવાની સાથે સાથે એક આધુનિક સ્ત્રી હતી. એનામાં એક અજબ જેવો ગુણ હતો, જે વાત નક્કી કરી લેતી એમાંથી એને કોઈ ચળાવી કે ડગાવી શકતું નહીં. એ પોતાની ટર્મ્સ પર જીવી. એણે પોતાના નિયમો ઘડ્યા અને પાળ્યા-પળાવ્યા. રૂઢિ અને રિવાજોની સામે બળવો કરીને એણે પોતાની જિંદગીની આગવી કેડી કંડારી. 

આજે એને યાદ કરું છું ત્યારે સમજાય છે કે મારામાં જે કોઈ વિદ્રોહના, પ્રામાણિકતા કે નિડરતાના ગુણો છે એ બધા મને મૅરી પાસેથી મળ્યા છે. હું ભવિષ્યની ચિંતા કર્યા વગર આજ માટે નિર્ણય કરી શકું છું... અસુરક્ષિત હોવાનો અનુભવ મને ભાગ્યે જ થાય છે. સંબંધો કે સંપત્તિમાં બચત કરવી એ મારો સ્વભાવ જ નથી. મને જે ગમે અને જેવું ગમે તેવું જીવીને, જે સાચું લાગે તે લખવાની મારી ફિતરત પણ મૅરી પાસેથી જ આવી હોવી જોઈએ. 

હું સપ્ટેમ્બર મહિનો યાદ કરું છું. કેરાલાનાં જંગલો અને દરિયા પરથી મારું વિમાન ઊડી રહ્યું હતું. હું મૅરીના અંતિમ સંસ્કાર માટે ઘરે જઈ રહી હતી. નીચે જોતાં મને મારું બાળપણ, મૅરી સાથે વિતાવેલા દિવસો અને એ ભટકતી જીપ્સી જિંદગી યાદ આવતી રહી. ચર્ચે એનો બહિષ્કાર કર્યો, પરંતુ ડર્યા વગર મૅરીએ પોતાના અધિકારોની માગણી કરી. જિંદગીના અંતિમ શ્વાસ સુધી એ પારિવારિક મિલકતમાં સ્ત્રીઓને મળવા જોઈતા અધિકારો માટે લડતી રહી. 

મૅરી રૉય માત્ર મારી મા નહોતી, બલકે કેરાલાની સિરિયન ક્રિશ્ર્ચિયન સ્ત્રીઓની મસિહા હતી.

ત્રાવણકોર ક્રિશ્ચિયન સક્સેશન ઍક્ટ, 1916 પ્રમાણે એ સમયે દીકરીનાં લગ્ન એકવાર થઈ જાય એ વખતે એને જે આપવામાં આવે એ દાગીના, વસ્ત્રો, સંપત્તિ, જમીન કે ઘર પછી પારિવારિક સંપત્તિ પર દીકરીનો અધિકાર રહેતો નહીં. 

દીકરાઓને બહુ મોટો ભાગ મળતો એટલું જ નહીં, દીકરી વિધવા થાય કે એને આર્થિક જરૂરિયાત હોય તો પણ મોટાભાગના ભાઈઓ બહેનને પારિવારિક મિલકતમાંથી મદદ કરવાનું પસંદ કરતા નહીં. મૅરી, મારી મા સુપ્રીમ કોર્ટ સુધી લડી અને 1986માં સુપ્રીમ કોર્ટે ઇન્ડિયન સક્સેશન ઍક્ટ મુજબ ખ્રિસ્તી મહિલાઓને પૈતૃક સંપત્તિમાં પુરુષો જેટલો જ અધિકાર મળશે એવું જજમેન્ટ આપ્યું. એ ક્ષણથી મૅરી રૉય કેરાલાની ક્રિશ્ચિયન સ્ત્રીઓ માટે હીરો બની ગઈ.

જોકે, મૅરી રૉયને લગભગ પંદર વર્ષ સુધી આ કાનૂની લડાઈ લડવા માટે સમાજ અને પોલીસ સહિત સિસ્ટમનો જબરજસ્ત સામનો કરવો પડ્યો. હું ત્યારે જન્મી પણ નહોતી. 1960ના દશકમાં જ્યારે મારા નાનાનું મૃત્યુ થયું ત્યારે મારી માને પૈતૃક સંપત્તિમાંથી બાકાત કરવામાં આવી. 1958માં મૅરીનાં લગ્ન થયાં ત્યારે એને જે સોનું, ઘરેણાં અને જમીનનો એક ટુકડો આપવામાં આવ્યો એ જ એની કુલ સંપત્તિ હતી. મારા પિતા રાજીબ રૉય બંગાળી હતા. મારા જન્મ સમયે એ આસામમાં ચાના બગીચામાં કામ કરતા હતા. 24 નવેમ્બર, 1961ના દિવસે હું જન્મી ત્યારે શિલોંગ શહેર આસામ રાજ્યનો હિસ્સો હતું. એ પછી મેઘાલય બન્યું. મારા જન્મ પહેલાં મારો એક ભાઈ હતો. એનું નામ લલિત છે.

મારા નાના પી. વી. આઇઝેક એક કિટ વિજ્ઞાની હતા. કીડા, પેસ્ટીસાઇડ્ઝ, કૃષિ અને કિટજન્ય રોગોમાં એ નિષ્ણાત હતા. એમણે ઇંગ્લૅન્ડમાં શિક્ષણ લીધું હતું. એ પછી થોડાં વર્ષો ઇંગ્લૅન્ડમાં કામ કરીને એમણે પોતાની માતાની ઇચ્છાને કારણે વતન, કેરાલા આવવાનું નક્કી કર્યું. એમના પરિવાર પાસે ખૂબ જમીન હતી. કોટ્ટાયમની આસપાસના ક્ષેત્રમાં એ સમયના જમીનદાર કહી શકાય એવા મોટા ઘરમાં મારા નાના રહેવા લાગ્યા. એમણે એલિસ સાથે લગ્ન કર્યાં. જે અંગ્રેજી ભણેલી એક સમજદાર સ્ત્રી હતી. મારા નાના પી.વી. આઇઝેકના પરિવારની  પ્રતિષ્ઠા આસપાસનાં ગામોમાં ખૂબ ઊંચી હતી. 

એમણે પોતાના અને આસપાસનાં ગામોમાં કૃષિસંબંધી જાણકારી આપવાનું શરૂ કર્યું. સમાજસેવા અને ગૃહઉદ્યોગોની પણ શરૂઆત કરી. એ સમયે સિરિયન ક્રિશ્ર્ચિયન સમુદાય ખૂબ રૂઢિચુસ્ત અને જડ નિયમો ધરાવતો હતો. એલિસ-મારી નાની કોઈ વિરોધ કે વિદ્રોહ વગર મારા નાના સાથે સારી રીતે જીવતી હતી એવું મારી મા કહેતી. એ સમયે લગ્ન કરીને આવનારી સ્ત્રીનું નામ બદલવામાં આવતું. એલિસનું નામ સુઝી કરવામાં આવ્યું. કેટલાક લોકો એને એલિસ તો કેટલાક લોકો એને સુઝી આઇઝેક તરીકે ઓળખતા.

મારા નાનાને મેં જોયા નથી, પરંતુ મારી મા પાસેથી જેટલી વાર સાંભળ્યું એટલી વાર મને સમજાયું છે કે મારી માને મારા નાનાની બુદ્ધિ અને વિચક્ષણતા વારસામાં મળ્યા હતા. પી.વી. આઇઝેકને આઠ સંતાનો હતાં. જેમાં મારી મા એક હતી. એનો નંબર કેટલામો હતો એ મારી માને જ યાદ નહોતું. એ સમયે મારા નાના આટલા બધા ભણેલા હોવા છતાં ગામડામાં જન્મ-મરણના કોઈ દાખલા નોંધવામાં આવતા નહીં... મારી માની એક્ઝેક્ટ જન્મ તારીખ એને પોતાને પણ ખબર નહોતી...

17 વર્ષની ઉંમરે મારી મા કેરાલાથી નીકળીને ચેન્નઈ ક્વિન મૅરીઝ કૉલેજમાં ભણવા આવી. એને પોતાના જીવન વિશે અનેક સપનાં હતાં. એ કશુંક બનવા માગતી હતી... મારી નાની, જેમને માથે આઠ સંતાનો અને મોટા પરિવારની જવાબદારી હતી. એ પોતે ભણેલી હતી, એટલે દીકરીઓને ભણાવવા વિશે એમણે અન્ય સ્ત્રીઓની જેમ કોઈ વિરોધ ન કર્યો, પરંતુ મારી મા પહેલેથી જ જિદ્દી અને મનસ્વી હતી (એવું મારી નાની કહેતી). એણે ચેન્નઈથી કેરાલા પાછા આવવાને બદલે નોકરી શોધી કાઢી. 

થોડા મહિના ચેન્નઈમાં નોકરી કર્યા પછી એને કલકત્તા જવાની તક મળી. માતા-પિતાને પૂછ્યા વગર એણે કલકત્તાની ટ્રાન્સફર સ્વીકારી લીધી. સ્વાભાવિક રીતે ઘરમાં ખૂબ કકળાટ થયો. કેરાલાથી છેક કલકત્તા સુધી નોકરી કરવાની જરૂર પડે એવી એમના પરિવારની આર્થિક સ્થિતિ નહોતી, પરંતુ મારી મા કોઈનું સાંભળ્યા વગર કલકત્તા ગઈ... અથવા, કહો કે એને એનું નસીબ કલકત્તા લઈ ગયું, કારણ કે એણે ત્યાં રાજીબ રૉ યને મળવાનું હતું.  (ક્રમશ:)