શ્વેતા જોષી અંતાણી
ધૈર્ય મહેતા જેના જીવનમાં ધૈર્ય નામની કોઈ જગ્યા બચી નહોતી. હંમેશાં ઘડિયાળના કાંટે દોડતો રહેતો એ છોકરો સોળ વર્ષની ઉંમરમાં રાષ્ટ્રીય કક્ષાએ બેડમિન્ટન ચેમ્પિયન બની ગયેલો. શહેરની પ્રતિષ્ઠિત શાળાનો એ હેડ બોય હતો. પબ્લિક સ્પીકિંગથી માંડીને ડિબેટ જેવી અનેક પ્રવૃત્તિઓમાં એ અવ્વલ રહેતો. ધૈર્ય એટલે એક એવો વિદ્યાર્થી જેની સામે શિક્ષકો આંગળી ચીંધી અન્યોને કહેતા કે, ‘આને જુઓ. કેવી રીતે સ્પોર્ટ્સ સાથે સ્ટડીનું બેલેન્સ કરે છે. રોજ સવારે સાડા ચાર વાગ્યે ઊઠવું. દોડવા જવું, કસરતો કરવી, ક્લાસમાં જવું, સાંજે ફરીથી પ્રેક્ટિસ કરવી વચ્ચે ટ્યુશન જવું, મોક ટેસ્ટ આપવી.....ઈત્યાદિ.
લોકો એને સખ્ત મહેનતુ અને લક્ષ્ય કેન્દ્રિત છોકરો ગણતાં. મમ્મી એની સાથે સતત દોડતી. પપ્પા એની મહેનતમાં મદદરૂપ થવાં પ્રયત્નો કરતાં. ટીચર્સ એને સતત પ્રેરણા આપતાં રહેતાં. બસ, ત્યાં જ તો કંઈક લોચો હતો. બધા એને માત્ર ‘ગોલ ઓરિએન્ટેડ ટીનેજર’ તરીકે ઓળખતાં, પણ કુદરતી રીતે એડલ્ટ થઈ રહેલા ‘ટીનએજ બોય’ તરીકે એને કોઈ નહોતું જોઈ રહ્યું.
ધૈર્યની જિંદગીમાં મહત્ત્વનું વર્ષ આવ્યું બારમા ધોરણનું અને સાથોસાથ નેશનલ ચેમ્પિયનમાંથી હવે આગળ રમવા જવાની તૈયારી કરવાનો સમય. ત્યારે જ એની જિંદગીમાં પ્રવેશી કાવ્યા. પહેલા જ દિવસે ક્લાસમાં થોડી મોડી આવેલી કાવ્યાને ટીચરે ખખડાવી નાખી તો પણ એ હસવાનું છુપાવતી, મોઢું મલકાવતી એક્ટ્રેસની જેમ માફી માગતી જાણે પોતે કોઈ એવોર્ડ શોમાં આવી હોય એ રીતે બેંચ તરફ આગળ વધી. આખો ક્લાસ હસી પડ્યો, પણ ધૈર્યને હસવું ના આવ્યું. એ વિચારી રહ્યો કે આટલું નિષ્ફિકર કોઈ કેવી રીતે રહી શકતું હશે?
ધૈર્યની સરખામણીએ કાવ્યા બિલકુલ અલગ હતી. એને શેડ્યુલ કે ટાઈમ ટેબલ ગમતા નહીં. હોમવર્ક ના કરવું, ક્લાસ બંક કરી ચા પીવા જવું એ એનું ગમતું કામ. ચોકલેટ- આઈસક્રીમ, પાણીપૂરી, પીત્ઝા જેવા જંકફૂડ એને પ્રાણપ્યારા. રોજ સાંજ પડે ને એને રખડવાના વિચાર આવે. પાસ થવા પૂરતું જ વાંચવુ એ એનો સિદ્ધાંત અને મનમોજીલી તો એવી કે પરીક્ષા ક્યારેક ના પણ આપે, પરંતુ કાવ્યાના આવા બેફિકર અંદાઝ પાછળ છુપી રીતે સંતાયેલી હતી ઈમોશનલ ઈન્સિક્યોરિટી.
માતા-પિતાનું એકમાત્ર સંતાન હોવાના કારણે એ ઘરમાં એકલી પડી જતી. પેરેન્ટ્સનો પ્રેમ ઓછો નહોતો, પરંતુ સખ્ત ઈમોશનલ ડિપેન્ડન્સી ધરાવતી કાવ્યા માટે એ પૂરતો પણ નહોતો. સતત વ્યસ્તતાને કારણે થાકેલા રહેતા પેરેન્ટ્સ માટે કાવ્યાના નાના-મોટા ઈમોશનલ આઉટબ્રેક સંભાળવા કઠિન હતાં. ટૂંકમાં કાવ્યાને ઘરમાં કંપનીનો સદંતર અભાવ હતો. માટે જ એ જે કોઈ નવું વ્યક્તિ મળે, એનામાં ઈમોશનલ સહારો શોધતી. એવી આ કાવ્યાને ધૈર્ય ભટકાય ગયો.
સંબંધ આગળ વધતાં ધૈર્યએ જીવનમાં પહેલી વાર ધૈર્ય રાખવાની શરૂઆત કરી. આમ તો નાની-મોટી વાતચીતથી શરૂ થયેલી બન્નેની દોસ્તી પૂરપાટ આગળ વધતી ચાલી. ધીરે-ધીરે ધૈર્ય રાત્રે મોડે સુધી જાગવા લાગ્યો. એ પણ માત્ર કાવ્યાની વાતો સાંભળવા. કાવ્યાની આડી-અવળી સ્ટોરીઝ, સ્કૂલની ગોસીપ, બાળપણની યાદો વિચારે હવે એ પોતાના જીમ સેશન પાડવા લાગ્યો. પ્રેક્ટિસમાં બ્રેક દરમિયાન એ સ્ટ્રેચિંગ કરવા કે જાતને હાઇડ્રેટિંગ રાખવાને બદલે કાવ્યાના મેસેજનો જવાબ આપવામાં વ્યસ્ત રહેતો.
જિંદગીમાં પહેલીવાર એને કોઈ સામાન્ય છોકરો ગણી ઈમોશનલી એની સાથે જોડાયું એવી લાગણી ગમવા લાગી. જેનું પરિણામ એ આવ્યું કે એના મેડલ્સ ઘટવા લાગ્યા. ગોલ્ડનું સ્થાન સિલ્વરે લીધું. ક્લાસ ટોપરને બદલે એ ચોથા-પાંચમા સ્થાને ગબડી ગયો. આમ પણ તમારા ધ્યેયથી ભટકાવતા સંજોગો કોઈ આગોતરા જાણ કરીને નથી આવતા. એ બહુ શાંતિથી તમને સમજ પડે એ પહેલા તમારી જિંદગી પર હાવી થઈ જાય છે.
મેદાનમાં કોચ તો ક્લાસરૂમમાં ટીચર્સ ઘા ખાઈ ગયા. પેરેન્ટ્સ તો ચિંતાના માર્યા અડધા થઈ ઉઠ્યાં, પણ ધૈર્ય માટે હવે કાવ્યાની ખુશીથી વિશેષ બીજું કશું જ નહોતું. કાવ્યા એને પોરસાવતી,’અરે યાર, તું તો બહુ જ હોશિયાર છે.’ તારે વળી આટલું બધું વાંચવાની શી જરૂર!’ અને ધૈર્ય ભટક્યો. પોતાના ધ્યેયથી જોજનો દૂર પટકાયો. મા-બાપ સાથે તકલીફો ઊભી થવા લાગી. ટીચર એના વખાણ કરવાની બદલે ફરિયાદો કરવા લાગ્યા.
આ બધાને હવે ધૈર્ય પોતાના દશ્મન ગણતો હતો. એમ કરતાં પોતે કાવ્યાની વધારે નજીક આવી ગયો. એને ખબર નહોતી કે આ નજીદીકી કેટલી ભારે પડવાની હતી , કારણ કે ટીનએજ અવસ્થા જ એવી છે કે જેમાં પોતાનું નુકસાન થતું જોવું અશક્ય હોય છે. તરુણાવસ્થાએ તમને ખરા - ખોટાનું ભાન નથી હોતું, જેનો ભોગ ધૈર્ય પણ બનવાનો હતો અને સાથોસાથે કાવ્યા પણ.....
એ વાત હવે પછી...