Wed Aug 19 2026

Logo

મોતી કૈસા રંગા?: અનુભવથી આત્મઓળખ કરાવતી અરજણ સાહેબની વાણી

2026-08-17 09:13:00
Author: Maheshkumar Makwana
Article Image

 

સંત વાણી - મહેશકુમાર મકવાણા  

દેખ્યા હોય સો કહી બતલાવો, મોતી કૈસા રંગા રે જી;
ગુરુગમ કરીને ગોતો ગગનમાં, વાં હે ગુપતિ ગંગા.  ટેક
ઘુવડ ગુરુ ને છીપા ચેલા, જેના દિસત નહિ પગદંડા રે જી;
અગમ ભાખે પણ ગમ નહીં નૈણે, આપ વખાણે અંધા.  ટેક
દીપક ગુરુએ જ્ઞાન બતાવ્યા, નૈણે થયા નવખંડા રે જી;
મોતી નીરખ્યા, પિયુને પરખ્યા, અભી ભયા આનંદા.  ટેક
કહાં સે આયા, કહાં સમાયા, એ હી બડા અચંબા રે જી;
પિંડ બ્રહ્માંડ સે ન્યારા ખેલે, નહિ સૂર, નહિ ચંદા.  ટેક
આતમ ચીન્યા, અનભે પાયા, મિટ ગયા સરવે ફંદા રે જી;
દાસ અરજણ સત જીવણ ચરણે, ધ્યાની પુરુષકા ધંધા.  ટેક

કોઈએ મોતી જોયું હોય તો કહો, એનો રંગ કેવો? પ્રશ્ન સાવ સહેલો લાગે છે. પણ સંતવાણીમાં જે સહેલું લાગે એ ઘણી વાર સહેલું હોતું નથી. આ મોતી બજારમાં મળતું મોતી નથી. એને મેળવવા સમુદ્રમાં ડૂબકી મારવાનીય નથી. 
અરજણ કહે છે: ‘ગુરુગમ કરીને ગોતો ગગનમાં, વાં હે ગુપતિ ગંગા.’ મોતી ગગનમાં ગોતવાનું છે અને ગંગા પણ ત્યાં વહે છે, પણ ગુપ્ત રીતે!

પહેલી બે પંક્તિમાં જ આપણી બહાર જોતી આંખને સંત અરજણ સાહેબ અંદર વાળી દે છે.

આ ભજનની કૂંચી છે ગુરુગમ. સંતવાણીમાં ગુરુ પાસેથી મળતી સમજ એટલે ગુરુગમ, ભેદ પામવાની દૃષ્ટિ. એ દૃષ્ટિ મળે પછી ગગન એટલે અંતરાકાશમાં પ્રવેશ થાય. ગુપતિ ગંગા પણ ભીતરમાં વહેતા કોઈ સૂક્ષ્મ ચૈતન્યપ્રવાહનું કલ્પન બની શકે. અહીં યોગસાધનાનો સંકેત વાંચી શકાય, જોકે સંત અરજણનું ધ્યાન તો મોતી ઉપર છે. ભીતરમાં ઊતરીને પામવાના કોઈ અમૂલ્ય તત્ત્વ ઉપર. પણ આ મોતી સુધી લઈ જાય એવો કોઈ ગુરુ ખરો?

અરજણ સાહેબ અહીં મજાનો કટાક્ષ કરે છે: ‘ઘુવડ ગુરુ ને છીપા ચેલા... ઘુવડ અને છીપ બંનેની પસંદગી જુઓ. બંનેનો સંબંધ અંધકાર અને આવરણો સાથે. આગળ તો ઘા વધારે ચોટદાર બને છે: અગમ ભાખે પણ ગમ નહીં નૈણે, આપ વખાણે અંધા. ‘અગમ’ અને ‘ગમ’નો શબ્દખેલ આખી સાધનાની કસોટી બની જાય છે. મોઢે અગમની વાતો અને નયનમાં ગમ નહીં! અનુભવ વિનાનું આધ્યાત્મિક વાચાળપણું આટલા થોડા શબ્દોમાં ખુલ્લું પડી જાય છે.
પછી અંધકારની સામે અરજણ દીપક મૂકે છે: ‘દીપક ગુરુએ જ્ઞાન બતાવ્યા, નૈણે થયા નવખંડા. કેવું સુંદર ગુરુચિત્ર!’

દીપક કોઈને આંખ આપતો નથી; જે આંખ છે એને દેખતી કરે છે. સાચા ગુરુનું કામ પણ અહીં એવું જ છે. દૃષ્ટિ ઊઘડી એટલે નૈણે થયા નવખંડા આંખનો વિસ્તાર જાણે આખા વિશ્વ જેટલો થયો. હવે મોતી પણ નીરખાય છે અને પિયુ પણ પરખાય છે: મોતી નીરખ્યા, પિયુને પરખ્યા, અભી ભયા આનંદા. ‘નીરખવું’ અને ‘પરખવું’ બે સરસ પગથિયાં છે. દેખાયું એટલેથી વાત પૂરી થતી નથી; જે દેખાયું તેની ઓળખ થાય ત્યારે અનુભવ પાકે છે. એ પાકેલા અનુભવનું ફળ છે આનંદ.

આનંદ મળ્યા પછીય સંત પાસે એક અચંબો બચ્યો છે: કહાં સે આયા, કહાં સમાયા? આત્મતત્ત્વ ક્યાંથી આવ્યું અને ક્યાં સમાયું એ રહસ્યનો સીધો જવાબ આપવાને બદલે સંત એને બડા અચંબા તરીકે જ સાચવી રાખે છે. પિંડ બ્રહ્માંડ સે ન્યારા ખેલે કહીને એ વધુ એક ઊંડો સંકેત આપે છે: આ આત્મઅનુભવ ન માત્ર પિંડ, એટલે કે દેહની મર્યાદામાં બંધાયેલો છે, ન બ્રહ્માંડના દૃશ્ય વિસ્તાર સુધી સીમિત છે; એ બંનેથી ન્યારો, સ્વતંત્ર અને અલિપ્ત ચેતનાનો ખેલ છે. અને તેથી જ નહિ સૂર, નહિ ચંદા આ અનુભવને કોઈ બહારના અજવાળાની જરૂર નથી. જ્યાં ભીતર જ ચેતનાનો દીવો પ્રગટ્યો હોય, ત્યાં સૂરજ-ચંદ્રની સાખ શી?

છેલ્લે આવે છે અનુભૂતિની મહોર: આતમ ચીન્યા, અનભે પાયા, મિટ ગયા સરવે ફંદા. અહીં ચીન્યા એટલે

પોતાના આત્મસ્વરૂપને ઓળખવું બહારની ઓળખોથી પર જઈને ‘હું કોણ?’નો જીવંત અનુભવ પામવો. આ ઓળખ ઊગી આવે ત્યારે અનભે, એટલે નિર્ભયતા, સહજ રીતે પ્રગટે છે; કારણ કે ભય તો ત્યાં સુધી જ છે જ્યાં સુધી પોતાને દેહ, નામ અને બંધનોમાં જ ઓળખીએ છીએ. આત્મસ્વરૂપની ઓળખ થતાં એ ભ્રમ ઢીલો પડે છે, અને સાથે જ મનને બાંધતા બધા ફંદા પણ એક પછી એક ઓસરવા લાગે છે..

ત્યારે શરૂઆતમાં પૂછાયેલો પ્રશ્ન મોતી કૈસા રંગા? ફરી એક વાર સંભળાય છે. આખા ભજનમાં અરજણ

સાહેબ મોતીનો કોઈ રંગ કહેતા નથી, કારણ કે આ મોતી કોઈ આંખે જોઈ શકાય એવી વસ્તુ નથી કે તેનો રંગ વર્ણવી શકાય. એ તો આત્મઅનુભવનું પ્રતીક છે. તેને જાણવા માટે માત્ર શબ્દો પૂરતા નથી; ગુરુગમ લઈને, એટલે ગુરુએ બતાવેલા ભેદ અને માર્ગને અનુસરી, સાધકે પોતાના અંતરમાં ઊતરવું પડે ગગનની ગુપ્ત ગંગામાં જાતે ડૂબકી મારવી પડે. જ્યારે આ અનુભવનું મોતી હાથ લાગે છે, ત્યારે એનો રંગ કેવો? એવો પ્રશ્ન જ અર્થ ગુમાવી દે છે. કારણ કે ત્યાં વર્ણન કરતાં અનુભવ મોટો બની જાય છે; અને અંતે બહારનો કોઈ રંગ નહીં, પણ દૃષ્ટિમાં જ એક નવું અજવાળું પ્રગટે છે એવું અજવાળું, જેમાં જાણે નવખંડ દેખાઈ ઊઠે.