Fri Jul 03 2026

Logo

આ મહાનુભાવની ગજબની આગાહીઃ આર્જેન્ટિનાને કેપ વર્ડે 1-0થી હરાવશે!

Miami   2026-07-02 18:01:00
Author: Ajay Motiwala
Article Image

AP


માયામીઃ ફૂટબૉલના સુપરસ્ટાર લિયોનેલ મેસીના નેતૃત્વમાં ડિફેન્ડિંગ ચૅમ્પિયન આર્જેન્ટિનાની ફિફા વર્લ્ડ કપમાં આગામી મૅચ ભારતીય સમય અનુસાર શુક્રવારે મધરાત બાદ 3.30 વાગ્યાથી રમાશે અને એમાં એનો પરાજય થશે એવી આગાહી એક દેશના પ્રમુખે કરીને સૌને વિચારતા કરી દીધા છે.

કોઈ દેશના વડા પોતાના રાષ્ટ્રની ટીમના પર્ફોર્મન્સથી એટલા બધા પ્રભાવિત થઈ જાય અને એની સામે રમનારી ટીમ ભલભલી મોટી હોય તો પણ પોતાના ખેલાડીઓ પર ભરોસો કરીને તેમના વિજયની ભવિષ્યવાણી કરે એ ભાગ્યે જ જોવા મળે અને કેપ વર્ડે (Cape Verde)ના પ્રમુખ જોઝ મારિયા નેવીઝે આવું નિવેદન બહાર પાડવાની હિંમત કરી છે.

વાત એવી છે કે શુક્રવારે મધરાત પછી મળસ્કે 3.30 વાગ્યે આર્જેન્ટિના સામેની નૉકઆઉટ મૅચમાં કેપ વર્ડે 1-0થી જીતી જશે એવું જોઝ (Jose)નું માનવું છે. તેમણે બ્રિટનની એક જાણીતી ચૅનલને મુલાકાતમાં કહ્યું, `કેપ વર્ડેના ખેલાડીઓ પોતાનું ભાગ્ય જાતે લખી રહ્યા છે. મને લાગે છે કે તેઓ આર્જેન્ટિનાને 1-0થી હરાવી દેશે. મને મારા દેશની ટીમના જોશ અને ઉત્સાહ પરથી આવું લાગી રહ્યું છે. કેપ વર્ડેના ખેલાડીઓએ જીતીને લોકોના દિલોદિમાગમાં પોતાનો આ પર્ફોર્મન્સ કાયમ માટે અંકિત કરી દેવો જોઈએ. કેપ વર્ડેની ટીમને પોતાના પર 100 ટકા વિશ્વાસ છે અને આર્જેન્ટિનાને હરાવવાની તેમને 100 ટકા આશા પણ છે એટલે મને ખાતરી છે કે કેપ વર્ડેના જીતવાનો 100 ટકા ચાન્સ છે.'

ફૂટબૉલના રૅન્કિંગમાં કેપ વર્ડે આફ્રિકા ખંડમાં 13મા સ્થાને છે. એનું આગામી હરીફ આર્જેન્ટિના વર્લ્ડ નંબર-વન છે, જ્યારે ખુદ કેપ વર્ડે છેક 67મા સ્થાને છે.

કેપ વર્ડે આફ્રિકા ખંડનો એવો ટચૂકડો દેશ છે જેમાં પાંચ લાખ લોકો વસે છે. 10 ટાપુથી બનેલા આ દેશે પહેલી જ વખત ફિફા વર્લ્ડ કપમાં પ્રવેશ કર્યો છે અને એના લીગ રાઉન્ડમાં એણે ભૂતપૂર્વ ચૅમ્પિયન સ્પેન સામેની મૅચ 0-0થી ડ્રૉ કરાવી હતી, બીજા ભૂતપૂર્વ ચૅમ્પિયન ઉરુગ્વે સામેની મૅચ પણ 2-2થી ડ્રૉ કરાવીને એને સ્પર્ધાની બહાર કરી દીધું હતું અને પછી સઉદી અરેબિયા સામેનો મુકાબલો પણ 0-0થી ડ્રૉ કરાવીને ગ્રૂપ-એચમાં રનર-અપ ટીમ તરીકે નૉકઆઉટ રાઉન્ડમાં પહેલી વખત પ્રવેશ કર્યો હતો.