અમદાવાદઃ ગુજરાતમાં ગેરકાયદે રહેતા બાંગ્લાદેશીઓને તગેડવા ઝુંબેશ ચલાવનારા IPS અમદાવાદના નવા પોલીસ કમિશનર બન્યા છે. હાલ સુરતના પોલીસ શનર અનુપમસિંહ ગેહલોતની અમદાવાદના નવા પોલીસ કમિશનર તરીકે નિમણૂક કરવામાં આવી હતી. તેઓ રાજ્યના મુખ્ય શહેરો રાજકોટ, વડોદરા, સુરત પોલીસ કમિશનર તરીકે ફરજ બજાવી ચૂક્યા છે. હવે તેમને અમદાવાદના પોલીસ કમિશનર તરીકે જવાબદારી સોંપવામાં આવી છે.
અનુપમસિંહ ગેહલોતપોતાની કડક છાપ અને કાયદો-વ્યવસ્થા જાળવવાના એક્શન પ્લાન માટે જાણીતા છે. ગુજરાતમાં ગેરકાયદેસર રીતે વસવાટ કરતા બાંગ્લાદેશી નાગરિકોને શોધી કાઢવા અને તેમને તગેડવાના અભિયાનમાં તેમની ભૂમિકા ખૂબ જ મહત્વની રહી છે. સુરત પોલીસ કમિશનર તરીકે ચાર્જ સંભાળતાની સાથે જ તેમણે સ્થાનિક ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી અને સ્થાનિક પોલીસ સ્ટેશનોને સક્રિય કરીને ખાસ મોનિટરિંગ સેલ બનાવ્યા હતા. શંકાસ્પદ વિસ્તારો, બાંધકામ સાઇટો અને ઝૂંપડપટ્ટીઓમાં અચાનક દરોડા પાડીને ગેરકાયદે રહેતા શંકાસ્પદ વિદેશીઓની ઓળખ કરવાની કડક સૂચનાઓ તેમણે આપી હતી.
બાંગ્લાદેશી ઘૂસણખોરો ભારતમાં રહેવા માટે ઘણીવાર નકલી આધારકાર્ડ, પાનકાર્ડ કે રેશનકાર્ડ બનાવી લેતા હોય છે. અનુપમસિંહ ગેહલોતના માર્ગદર્શન હેઠળ પોલીસે માત્ર ઘૂસણખોરોને જ નહીં, પરંતુ તેમને નકલી ભારતીય દસ્તાવેજો બનાવી આપતી સ્થાનિક એજન્સીઓ અને વચેટીયાઓ પર પણ ત્રાટકીને મોટા રેકેટનો પર્દાફાશ કર્યો હતો.
કેમ બનાવવામાં આવ્યા અમદાવાદના નવા પોલીસ કમિશનર
જી.એસ. મલિક DGP બન્યા બાદ અમદાવાદ પોલીસ કમિશનરની જગ્યા ખાલી પડી હતી.અમદાવાદમાં 16 જુલાઈએ દેશની બીજી સૌથી મોટી રથયાત્રા નીકળશે. રથયાત્રા દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે તેમજ શહેરમાં કાયદા-કાનૂનની સ્થિતિ કથળે નહીં તેથી અનુપમસિંહ ગેહલોતની અમદાવાદના પોલીસ કમિશનર તરીકે નિમણૂક કરવામાં આવી હતી.
આ ઉપરાંત તેઓ અગાઉ ઇન્ટેલિજન્સ બ્યુરોમાં ફરજ બજાવી ચૂક્યા હોવાથી, તેમની પાસે ગુપ્ત માહિતી એકત્રિત કરવાનું અને નેટવર્ક ક્રેક કરવાનું બહુ મોટું કૌશલ્ય છે. અમદાવાદમાં આગામી દિવસોમાં યોજાનારી આંતરરાષ્ટ્રીય ઈવેન્ટોને ધ્યાનમાં રાખીને પણ તેમની શહેરના પોલીસ કમિશનર તરીકે વરણી કરવામાં આવી હોવાનું માનવામાં આવે છે.
કોણ છે અનુપમસિંહ ગેહલોત
અનુપમસિંહ ગેહલોત 1997 બેચના આઈપીએસ છે. ઉત્તર પ્રદેશથી તેમણે B.E અને M.TECHનો અભ્યાસ કર્યો છે. તેઓ સૌથી પહેલાં ભાવનગર અને ત્યાર પછી પાટણમાં SP તરીકે ફરજ બજાવી છે. ત્યારબાદ પ્રમોશન સાથે તેઓ વડોદરા રેન્જ આઈજી બન્યા હતા. ત્યાંથી તેમની રાજકોટ પોલીસ કમિશનર તરીકે બદલી થઈ હતી.
રાજકોટ પછી તેઓ વડોદરા પોલીસ કમિશનર બન્યા, ત્યાંથી થોડા સમય માટે IBમાં ફરજ માટે ગયા હતા અને ફરી પાછા બીજી વખત વડોદરાના પોલીસ કમિશનર તરીકે આવ્યા હતા. વડોદરાથી બદલી કરીને સરકારે તેમને સુરતના પોલીસ કમિશનર બનાવ્યા હતા. ગઈકાલે રાત્રે તેમની નિમણૂક અમદાવાદના પોલીસ કમિશનર તરીકે કરવામાં આવી હતી. આમ અનુપમસિંહ ગેહલોત ભાવનગર, પાટણ, રાજકોટ, વડોદરા અને સુરત બાદ હવે અમદાવાદના પોલીસ વડા બન્યા છે.