Tue Apr 21 2026

Logo

બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુ યુવકની ક્રૂર હત્યા: પેટ્રોલના પૈસા માંગતા BNP ના પૂર્વ નેતાએ કાર નીચે કચડી નાખ્યો

Dhaka   2026-01-17 10:39:00
Author: Himanshu Chawda
Article Image

ઢાકા: બાંગ્લાદેશમાં વિદ્યાર્થી નેતા શરીફ ઉસ્માન હાદીની હત્યા પછી હિંસા ફાટી નીકળી છે. આ ઘટના બાદ બાંગ્લાદેશમાં લઘુમતી હિન્દુઓનો ભોગ લેવાઈ રહ્યો છે. એક અહેવાલ મુજબ બાંગ્લાદેશમાં અત્યારસુધી 15 જેટલા હિંદુઓના મોત થઈ ચૂક્યા છે. હિંદુઓ પર હિંસાની આ ઘટનાઓમાં વધુ એક ઘટનાનો ઉમેરો થયો છે. તાજેતરમાં બાંગ્લાદેશના રાજબારી જિલ્લામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં બીએનપી (BNP)ના પૂર્વ નેતાએ પેટ્રોલના પૈસા ચૂકવવાના વિવાદમાં એક હિન્દુ યુવકને પોતાની લક્ઝરી કાર નીચે કચડીને મારી નાખ્યો છે.

હત્યાની ઘટના સીસીટીવીમાં થઈ કેદ 

બાંગ્લાદેશના રાજબારી જિલ્લામાં 16 જાન્યુઆરી 2026ને શુક્રવારની વહેલી સવારે એક અત્યંત અમાનવીય ઘટના બની હતી. પેટ્રોલ પંપ પર કામ કરતા 30 વર્ષીય હિન્દુ કર્મચારી રિપન સહાની માત્ર ઇંધણના પૈસા માંગવા બદલ હત્યા કરવામાં આવી છે. આ હત્યાનો આરોપ બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (BNP) ના પૂર્વ નેતા અબુલ હાશેમ સુજાન પર લાગ્યો છે.

મળતી માહિતી મુજબ, શુક્રવારે સવારે આશરે 4:30 વાગ્યે રાજબારી જિલ્લાના એક પેટ્રોલ પંપ પર 'જુબો દળ' (BNP ની યુવા પાંખ) ના પૂર્વ જિલ્લા પ્રમુખ અબુલ હાશેમ સુજાન પોતાની કાળા રંગની લેન્ડ ક્રુઝર જીપમાં આવ્યા હતા. તેમણે વાહનમાં આશરે 5,000 રૂપિયાનું ઓક્ટેન ભરાવ્યું હતું. જોકે, પૈસા ચૂકવવાને બદલે તેમણે ગાડી ભગાવવાનો પ્રયાસ કર્યો હતો. એવા સમયે પંપના કર્મચારી રિપન સહાએ હિંમત બતાવી ગાડી રોકી અને પૈસાની માંગણી કરી હતી. આ વાતથી ઉશ્કેરાઈને અબુલ હાશેમ અને તેના ડ્રાઇવર કમાલ હુસેને રિપનને ગાળો આપી હતી અને જાણીજોઈને ગાડી તેના પર ચડાવી દીધી હતી.

આ સમગ્ર ઘટના પેટ્રોલ પંપ પર લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે કેવી રીતે અબુલ હાશેમ સુજાનની લેન્ડ ક્રુઝર કાર રિપનને કચડી રહી છે. આ ઘટનામાં રિપનનું માથું અને ચહેરો ખરાબ રીતે કચડાઈ ગયા હતા અને તેનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. તેનો મૃતદેહ ઢાકા-ખુલ્ના હાઈવે પર લોહીલુહાણ હાલતમાં મળી આવ્યો હતો.

પોલીસે કરી આરોપીની ધરપકડ

ઉલ્લેખનીય છે કે, ઘટના બાદ સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરતા આરોપી અબુલ હાશેમ સુજાનની તેના ગામ બારો મુરારીપુરથી ધરપકડ કરી છે અને તેની લેન્ડ ક્રુઝર પણ જપ્ત કરી છે. ડ્રાઇવર કમાલ હુસેનને પણ અટકાયતમાં લેવામાં આવ્યો છે. રાજબારી સદર પોલીસ સ્ટેશનના અધિકારી ખોંડકર ઝિયાઉર રહેમાને સીસીટીવી ફૂટેજના આધારે ધરપકડની પુષ્ટિ કરી છે. જોકે, બીએનપી (BNP) ના જિલ્લા કન્વીનર ખૈરુલ અનમ બકુલે આ મામલે પાર્ટીનો બચાવ કરતા જણાવ્યું છે કે, સુજાને ઘણા સમય પહેલા જ પક્ષમાંથી રાજીનામું આપી દીધું હતું અને તે હવે સંગઠન સાથે જોડાયેલો નથી.