દેવલ શાસ્ત્રી
આજના દિવસોમાં જ્યારે તમે મોબાઇલ પર સ્ક્રોલ કરો છો તો એક 15 સેકન્ડનો વીડિયો પણ જોવાની ધીરજ રહી નથી. થોડું ઘણું સમજી લો છો અને આગળ ધપો છો. આમ છતાં વ્યક્તિ રીલ્સ જોવામાં કલાકો કાઢી નાખે છે. ભલે વ્યક્તિ મોબાઈલ પર કલાકો કાઢતી હોય પણ કોઈ એક વાત શીખવા થોડી સેક્ધડ પણ ખર્ચ કરવા તૈયાર નથી.
દુનિયા ભલે ઝડપી ભાગતી હોય પણ માણસે એનાથી વધુ ઝડપી ભાગવાનું શરૂ કરી દીધું છે. એ તો સારું છે કે ઊંઘમાં જોવાતાં સ્વપ્ન પર કાબૂ ધરાવતો નથી. બાકી સ્વપ્ન પણ પંદર વીસ સેક્ધડમાં પૂરા કરી નાખે. જેમ માણસ ફાસ્ટ ભાગવા લાગ્યો છે એમ સમયે પણ તેની ગતિ પકડી છે. વર્ષ 2026માં માર્ચ શરૂ થઇ ગયો અને અગાઉનાં વર્ષો ક્યાં પૂરા થઈ ગયાં એની કશી ખબર રહેતી નથી.
માર્ચ મહિનાથી આઇપીએલ શરૂ થતી હોય છે, વર્લ્ડ કપ પણ ગતિમાં છે. ક્રિકેટમાં ટેસ્ટ જોવામાં કોને રસ છે? ઇવન વન ડે ફોર્મેટ પણ લાંબું લાગે છે. જેન્ટલમેન કહેવાતી ગેમ T20માં બદલાઈ ગઈ છે, જ્યાં દરેક બોલ પર એક્શન હોય છે. દરેક બોલ પર પરફોર્મ કરવાનું નવું પ્રેશર ફક્ત ક્રિકેટમાં જ નથી પણ જિંદગીની રમતમાં પણ ચાલુ થઇ ગયું છે. ‘આજકાલ સમય મળતો જ નથી’ એ વાક્ય ગુજરાતીઓનું રાષ્ટ્રીય ગર્વ બની ગયું છે.
અડધો કલાક સુધી ન્યુઝ જોતી પ્રજાતિ લાપતા થઇ ગઈ છે. ન્યૂઝ શોર્ટ રીલ્સમાં આવે છે અને ટ્વિટ્સ માત્ર 280 અક્ષરમાં વિશ્વની વાત કરી દે છે. પ્રશ્ન એ આ બધું અચાનક કેમ થઈ રહ્યું છે? શું આ આપણી માનસિક બીમારી છે કે આધુનિક સમયની જરૂરિયાત? આપણે અચાનક કેમ બીઝી થઇ ગયા છીએ કે બીઝી હોવાના દંભમાં ભેરવાઈ ગયા છીએ? માણસ જમવામાં ય શાંતિ નથી રાખતો, કદાચ ભવિષ્યમાં સ્વાદની અનુભૂતિ વિષય પર ટ્રેનિંગ પ્રોગ્રામ થાય તો નવું નહીં લાગે.
એ પણ હકીકત છે કે આપણું વ્યસ્ત જીવન, કામ, પરિવાર, ભોજન, ભજન, સોશ્યલ મીડિયા સહિત શ્વાસ લેવાની ઝડપ પણ મલ્ટિટાસ્કિંગમાં ફસાયેલી છે. અકારણ ફાસ્ટ જીવવાની તલપમાં સમયની અછત થવા લાગી છે. વ્યક્તિની પસંદમાં ઝડપી અને ટૂંકું હોવું ચોઈસ બનવા લાગી છે, જેમાં શોર્ટકટ માર્ગે સુખ જોઈએ છે. ટેક્નોલોજીએ આ વાતને જ માર્કેટની જરૂરિયાત સમજીને જિંદગીને સરળ બનાવતી પ્રોડક્ટમાં કરોડો ડૉલરની કમાણી કરી છે. ભવિષ્યમાં AI પણ સરળતાથી કામ કરવા સાથે ઝડપ પર વધુ ફોકસ કરશે. કપડાં ધોવાના ડિટરજન્ટની જાહેરાતમાં સ્વચ્છ કપડાં ફોર્મ્યુલા જૂની થઇ પણ કપડામાં સુગંધ આવે છે એ વાત પર વધુ ફોકસ થવા લાગ્યું છે.
જિંદગીની બદલાતી પદ્ધતિ અને વધુ પડતી ઝડપથી માણસજાત શું સાબિત કરવા માગે છે? શું આ માનસિક બીમારી છે? કેટલાક કહે છે હા, કારણ કે આપણું અટેન્શન સ્પેન એટલે કે કોઈપણ બાબતમાં ધ્યાન કેન્દ્રિત કરવાની ક્ષમતા ઘટી રહી છે. એક વૈજ્ઞાનિક પરીક્ષણ પછી સમજાયું છે કે વર્ષ 2000માં એક વિષય પર ધ્યાન કેન્દ્રિત કરવાની ક્ષમતા અઢી મિનિટ આસપાસ હતી, જે આજે ઘટીને 8 સેક્ધડથી પણ ઓછી થવા લાગી છે. AI ના યુગમાં બે કે ત્રણ સેક્ધડ થાય તો એનો અર્થ થયો કે વ્યક્તિ શાંતિથી સેક્સ પણ ભોગવી નહીં શકે.
આજકાલ રીલ્સ જોવી એ જીવનનો એક ભાગ બની ગયો છે. અમેરિકાની એક વેબસાઈટ મુજબ સરેરાશ ભારતીય પાંચ કલાકથી વધુ સમય ઓન સ્ક્રીન રહે છે અને બે અઢી કલાક એ ફક્ત રીલ્સ જોયા કરે છે. આ શોર્ટ વીડિયોનું વ્યસન મગજની ડોપામીન સિસ્ટમને ઓવરસ્ટિમ્યુલેટ કરે છે, જે એન્ઝાઇટી જેવી બીમારી વધારે છે. પ્રતિ સપ્તાહમાં દસ કલાક પણ જો ઓનસ્ક્રીન રહેતા હોય તો કોઈ પણ વાતનું રિએક્શન કરવામાં વ્યક્તિ ધીમો પડવા લાગે છે. આપણી સરેરાશ ઝડપભેર જવાબ આપવાની ક્ષમતા ઘટી રહી છે, કારણ કે અતિશય ઝડપી જીવન જીવવાની તલપમાં શબ્દોનો ભંડાર જ ઘટવા લાગ્યો છે.
જો કે સાવ નિરાશ થવા જેવું પણ નથી. રીલ્સ કે ઝડપી જિંદગી થકી કેટલાક ફાયદા પણ થયા છે. જે લોકો પાસે સમયનો અભાવ હોય એમના સુધી માહિતી પહોંચવા લાગી છે. જેમની પાસે કોઈ વિષયનું મર્યાદિત જ્ઞાન હોય એવા લોકો પણ નાનકડી રીલ્સ બનાવવા લાગ્યા. ક્ધટેન્ટ ઓછું જોઈતું હોવાથી જ્ઞાનની આ દુનિયામાં દરેક વ્યક્તિ સહભાગી થવા લાગ્યો. ઝડપી જ્ઞાન મળતું હોવાથી જેમને સામાન્ય મનોરંજન મળતું ન હતું એ બધાને ખુશીઓમાં ભાગ લેવાનો મોકો મળવા લાગ્યો.
સૌથી વધુ સમસ્યા સાહિત્ય જગતમાં થવા લાગી છે. વિસ્તૃત અભ્યાસ કરાવતો આર્ટિકલ અને નવલકથા વાંચવી જાણે કોઈ ટાસ્ક હોય એવું લાગે છે. લેખકોએ માઈક્રો ફિક્શન કે શોર્ટ કથા અથવા અત્યંત ટૂંકા આર્ટિકલ લખવાના શરૂ કર્યા છે. માઈક્રો ફિક્શન કથાઓને તો બહોળો પ્રતિભાવ સાંપડ્યો છે. સિનેમામાં સમય ઘટવા લાગ્યો છે. આમ છતાં કેટલીક ફિલ્મો તેની કથા અને પ્રેઝન્ટેશનના જોર પર ચાલે છે. સિનેમાને સાવ ટૂંકી કરીને તેની શોર્ટ ફિલ્મને સારા દર્શકો મળે છે. સિનેમાએ અને સાહિત્યને કલાના ભોગે ઝડપી જીવન સામે અનેકવાર લાલ બત્તી કરી છે પણ ફાસ્ટ દુનિયામાં કોઈને રસ જ નથી.
આજની ઝડપી દુનિયામાં શોર્ટકટ લેવાની આદત તો બધાને ગમશે. ટ્રાફિકમાં GPSનો શોર્ટ રસ્તો બતાવે અને તમે વિચારશો કે સમય બચી ગયો પણ ક્યારેક રસ્તો અચાનક જામ પણ થઈ જાય. ભવિષ્યમાં તમે એઆઈને એક આઈડિયા આપશો અને તે એક જ આઈડિયા પરથી દશ પંદર રીલ્સ બનાવી આપશે. તમને નવું સર્જન કરવા માટે સમય વધુ મળશે પણ નવા સર્જન માટે તમારું મગજ તૈયાર રહેવું જોઈએ.
એક દિવસ અઈંથી બનેલું ક્ધટેન્ટ એટલું વધી જશે કે તેની ઝડપ અને આઈડિયાથી લોકો થાકી જશે અને ઓરિજિનલ મટીરીયલ શોધશે.AI યુગમાં ઝડપ વધશે અને રૂટિન કામ ઝડપથી થવા લાગશે, આમ છતાં માનવીય સંવેદનાની સહુને જરૂર પડશે. ભવિષ્યના તમામ સર્જનમાં માનવીય અભિગમ હશે તો એ ચોક્કસ સફળતાને વરશે એ નક્કી જ છે. જોકે , બીજી તરફ AI જિંદગીની પેટર્ન બદલી નાખશે અને અંતે માણસ થાકવાનો જ છે. એ ફરીથી તેના મૂળિયાં શોધશે. વાર્તાઓ કહેવાવાળાઓની જરૂર પડશે, બેંકમાં મશીનને બદલે કર્મચારી સાથે વ્યક્તિ વધુ સહજતા અનુભવશે. જો વ્યક્તિ AIના ઝડપી યુગમાં સેટ થઇ ગયો તો પછી તેને મશીન બનતા જરા પણ વાર લાગવાની નથી. સમય મળે તો ચાર્લી ચેપ્લિનની ફિલ્મ ‘ટાઈમ મશીન’ જોઈ લેવી.
ધ એન્ડ:
आजा तुज को पुकारे तेरी परछाइयाँ