ગાંધીનગરઃ ગુજરાત લાંચ રૂશ્વવત વિરોધી બ્યુરો (ACB) દ્વારા ભ્રષ્ટાચારી સરકારી અધિકારીઓ વિરૂદ્ધ ચલાવવામાં આવી રહેલી ખાસ ઝુંબેશ અંતર્ગત એક મોટો ગુનો નોંધીને કડક કાર્યવાહી કરવામાં આવી છે. આણંદના તત્કાલીન નિવાસી અધિક કલેક્ટર અને ગુજરાત વહીવટી સેવા (GAS), વર્ગ-1 ના સિનિયર સ્કેલના ફરજ મોકૂફ અધિકારી કેતકીબેન વ્યાસ વિરૂદ્ધ રૂપિયા 03,56,03,910/- ની અપ્રમાણસર મિલકત વસાવવાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ મિલકત તેમની કાયદેસરની આવકના સાધનો કરતાં 68.84% જેટલી વધુ હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.
11 વર્ષના ચેક પીરિયડ દરમિયાન વસાવી અઢળક સંપત્તિ
એસીબીના સત્તાવાર અહેવાલ મુજબ, આક્ષેપિત અધિકારી કેતકીબેન વ્યાસે 1 એપ્રિલ 2012થી 31 માર્ચ 2023 સુધીના 11 વર્ષના ચેક પીરિયડના સમયગાળા દરમિયાન પોતાના જાહેર સેવક તરીકેના હોદ્દાનો દુરુપયોગ કર્યો હતો. તેમણે ઈરાદાપૂર્વક ગેરકાયદેસર રીતે ધનવાન થવા માટે કાયદેસરની આવક કરતાં કરોડો રૂપિયાની વધુ સંપત્તિ એકત્રિત કરી હતી. આ ગેરકાયદેસર રૂપિયાનું તેમણે પોતાના તથા પરિવારજનોના નામે જુદી જુદી સ્થાવર તેમજ જંગમ મિલકતોમાં રોકાણ કર્યું હોવાનું સાબિત થયું છે.
મહિલા અધિકારીઓની ટીમે કરી પ્રાથમિક તપાસ
આ હાઈ-પ્રોફાઈલ કેસની પ્રાથમિક તપાસ એ.સી.બી. ફીલ્ડ-1 (અમદાવાદ) ના મહિલા પોલીસ ઇન્સ્પેક્ટર એ.કે. ચૌહાણ દ્વારા કરવામાં આવી હતી. જ્યારે આ સમગ્ર તપાસનું સુપરવિઝન નાયબ નિયામક (વહીવટ) શ્રીમતી ભારતી પંડ્યાને સોંપવામાં આવ્યું હતું. પ્રાથમિક તપાસમાં મજબૂત પુરાવા મળ્યા બાદ, અમદાવાદ એ.સી.બી. પોલીસ સ્ટેશન ખાતે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આ કેસની આગળની તપાસ અમદાવાદ એકમના મદદનીશ નિયામક ચલાવી રહ્યા છે.