Thu Jul 23 2026

Logo

ગુજરાતમાં 24 કલાકમાં અમરેલીમાં સૌથી વધુ વરસાદ, જાણો ક્યાં કેટલો પડ્યો

2026-06-22 09:24:00
Author: Mayur Patel
Article Image

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 8 તાલુકામાં વરસાદ પડ્યો હતો. સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગર મુજબ  અમરેલીના સાવરકુંડલામાં સૌથી વધુ 0.35 ઇંચ, સુરતના બારડોલીમાં 0.35 ઇંચ, વલસાડના પારડીમાં  0.35 ઇંચ, અમદાવાદના દેત્રોજ-રામપુરામાં 0.28 ઇંચ, વલસાડમાં 0.24 ઇંચ, નવસારીની ચીખલીમાં 0.2 ઇંચ, સુરતના અંબિકામાં 0.12 ઇંચ તથા નવસારીમાં 0.04 ઇંચ વરસાદ પડ્યો હતો.

ગુજરાતમાં આજે 18 જિલ્લામાં વરસાદની આગાહી

હવામાન વિભાગે આજે રાજ્યના 22 જિલ્લામાં વરસાદની આગાહી કરી છે. આજે રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, અમદાવાદ, ખેડા, આણંદ, ભરૂચ, વડોદરા, પંચમહાલ, મહીસાગર, દાહોદ, છોટાઉદેપુર, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ગીજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.

રાજ્યમાં 27 જૂન સુધી કયા જિલ્લામાં વરસાદની છે આગાહી
રાજ્યમાં ચોમાસાના આગમન માટે સાનુકૂળ વાતાવરણ સર્જાઈ રહ્યું છે. આ વર્ષે ચોમાસું નિર્ધારિત સમય કરતા વિલંબથી આગળ વધી રહ્યું છે. બે દિવસમાં ચોમાસું દક્ષિણ ગુજરાતમાં પ્રવેશી શકે છે. 24 અને 25 જૂન દરમિયાન વલસાડ અને ડાંગ સહિતના સરહદી જિલ્લામાં મેઘરાજાનું આગમન થવાની શક્યતા છે.

હવામાન વિભાગે 23 થી 27 જૂન દરમિયાન અમદાવાદ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, વલસાડ, બોટાદ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, જૂનાગઢ, રાજકોટ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ થઈ શકે છે.

અમદાવાદમાં કેવું રહેશે હવામાન

હવામાન વિભાગના જણાવ્યા મુજબ, અમદાવાદમાં આજે વાદળછાયું વાતાવરણ રહી શકે છે. છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદી ઝાપટાં પડી શકે છે, તેમજ મહત્તમ તાપમાન 41 ડિગ્રી આસપાસ રહી શકે છે.

ભારતીય હવામાન વિભાગે જણાવ્યું છે કે, દક્ષિણ પશ્ચિમ ચોમાસું આગળ વધવા પરિસ્થિત અનુકૂળ છે. 23 જૂન આસપાસ ચોમાસું મહારાષ્ટ્ર, તેલંગણા, ઓડીશા, ઝારખંડ અને બિહારના કેટલાક હિસ્સામાં આગળ વધી શકે છે. છત્તીસગઢમાં પણ ચોમાસું દસ્તક દઈ શકે છે. ચોમાસું લગભગ 15 દિવસથી મહારાષ્ટ્ર અને આસપાસના રાજ્યોમાં અટકી ગયું છે. ચોમાસું આગળ વધવાની સાથે ઉત્તર પૂર્વના રાજ્યોમાં 25 જૂન સુધી ભારે વરસાદ થશે. સિક્કિમ અને ઉત્તર બંગાળમાં પણ સોમવારે ભારે વરસાદની શક્યતા છે.  

વિદર્ભ, પૂર્વ મધ્ય પ્રદેશ, પૂર્વ ઉત્તર પ્રદેશમાં આગામી 4 થી 5 દિવસ સુધી હીટવેવની સ્થિતિ રહેશે. છત્તીસગઢમાં આગામી ત્રણ દિવસ, તેલંગાણામાં બે દિવસ અને મધ્ય મહારાષ્ટ્ર તથા મરાઠાવાડમાં સોમવારે હીટવેવની અસર રહેશે. આગામી બે દિવસ રાજસ્થાન, છત્તીસગઢમાં ભારે પવન ફૂંકાશે. ઉપરાંત વીજળી પડ પડી શકે છે. સોમવારે આંધ્ર પ્રદેશ, તેલંગાણામાં પણ એલર્ટ આપવામાં આવ્યું છે. જમ્મુ-કાશ્મીરમાં કરા પડી શકે છે.