અમદાવાદઃ અમદાવાદે રવિવારના રોજ એક રેકોર્ડ બનાવ્યો. શહેરમાં વૃક્ષો વાવવાનું અભિયાન ગિનીસ વર્લ્ડરેકોર્ડમાં નોંઘાયું છે. અમદાવાદ મહાનગરપાલિકાએ ભાડજ વિસ્તારમાં મિયાવાકી ટેકનીકથી માત્ર એક કલાકમાં 3.61 લાખ વૃક્ષો વાવ્યા હતા. આ કામમાં અંદાજે 25,000થી વધારે લોકો અને સ્વયંસેવકોએ સાથે મળી કામ કર્યું હતુ. 76,000 વર્ગ મીટર ક્ષેત્રમાં 35 પ્રકારના દેશી વૃક્ષો લગાવવામાં આવ્યા હતા. જેનાથી શહેરને વધારે હરિયાળું બનાવવાનો તેમજ પર્યાવરણને બચાવવાનો પ્રયાસ છે.
અંદાજે 50 લાખ વૃક્ષો
આ અભિયાન ગાંધીનગર લોકસભા વિસ્તારમાં 1.25 કરોડ અને અમદાવાદ શહેરમાં અંદાજે 50 લાખ વૃક્ષો વાવવાની મોટી યોજનાનો ભાગ છે. આ કાર્યક્રમનું આયોજન કેન્દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રી તેમજ ગાંધીનગર લોકસભા સાંસદ અમિત શાહની હાજરીમાં કરવામાં આવ્યું હતું.
મિયાવાકી પદ્ધતિ આખરે શું હોય છે?
મિયાવાકી પદ્ધતિ એ વૃક્ષોના ઝડપી ઉછેર માટેનો શ્રેષ્ઠ ઉપાય છે. તેને વર્ષ 1970માં જાપાની વનસ્પતિશાસ્ત્રી અકીરા મિયાવાકી દ્વારા વિકસિત કરવામાં આવી હતી. તેમના દ્વારા શોધવામાં આવી હોવાથી તેને ‘મિયાવાકી’ પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. આ પદ્ધતિ ઓછા સમયમાં એક મોટા વિસ્તારમાં વિશાળ જંગલ ઉભું કરવાની એક ક્રાંતિકારી વિધિ છે. આ પદ્ધતિમાં ‘પોટ પ્લાન્ટેશન’ને તેની અગ્રીમ હદ સુધી લઈ જવામાં આવે છે. આ વિધિમાં વૃક્ષ કે છોડને એક નિયત અંતરમાં નજીક-નજીક રોપવામાં આવે છે. આ અંતરની માપણી અને તેની માવજત જ મિયાવાકી પદ્ધતિમાં મહત્વનાં હોય છે અને આ પદ્ધતિથી વૃક્ષ કે છોડનો ઉછેર 10 ગણો ઝડપી બને છે.
મિયાવાકી જંગલોને પોકેટ ફોરેસ્ટ પણ કહેવામાં આવે છે. નાના વિસ્તારમાં નજીકમાં વિવિધ પ્રકારના મૂળ વૃક્ષો અને છોડ વાવીને બનાવવામાં આવે છે, જેમાં પ્રતિ ચોરસ મીટર ત્રણથી પાંચ છોડ હોય છે.
આ પદ્ધતિમાં નિયત અંતરે રોપવામાં આવેલાં વૃક્ષો કે છોડને દેશી પ્રજાતિ સાથે મિશ્રિત કરવામાં આવે છે. આ પદ્ધતિથી પ્રાકૃતિક વનોની આબેહૂબ પરિસ્થિતિનું નિર્માણ થાય છે અને જે-તે વૃક્ષનો ઉછેર ઝડપી બને છે. આ પદ્ધતિથી ઊગેલાં વૃક્ષ કે છોડ પારંપરિક જંગલોની તુલનામાં વધુ કાર્બન શોષે છે અને વાતાવરણમાં રહેલા પ્રદૂષણને ઘટાડે છે. તે જળવાયુ પરિવર્તન જેવા મોટા અને જટિલ પ્રશ્ન માટે પણ ખૂબ જ ઉપયોગી પદ્ધતિ છે અને પારંપરિક પદ્ધતિઓથી ઉપર ઉઠીને વધુ ઝડપથી સાનુકૂળ પરિણામો આપે છે.
આ પદ્ધતિથી શહેરી વિસ્તારોમાં પ્રદૂષિત, બિનફળદ્રુપ કે પડતર જમીન પર વૃક્ષો ઉગાડીને તેની સ્થિતિમાં પરિવર્તન લાવી શકાય છે. આ પ્રકારની પદ્ધતિથી જમીનોની ગુણવત્તામાં નોંધપાત્ર સુધારો થાય છે. તેનાથી પ્રદૂષણ પર તો નિયંત્રણ આવી જ રહ્યું છે, પરંતુ વર્તમાન સમયમાં ભારતમાં કેટલાક ખેડૂતો આ પદ્ધતિનો ઉપયોગ કરીને ઓછા સમયમાં વધુ સારું વળતર મેળવી રહ્યા છે. ખેતીમાં મિયાવાકી પદ્ધતિ ખૂબ જ સફળ નીવડી રહી છે. આ પદ્ધતિ મારફતે બાગાયતી ખેતી કરતા ખેડૂતોની ઉપજમાં નોંધપાત્ર વધારો થયો છે.